લૉકડાઉનની કંટાળાજનક સ્થિતિમાં લોકોએ શોધી કાઢ્યો ગજબનો આઇડિયા ઑનલાઈન હાઉસી

Published: Apr 05, 2020, 09:33 IST | Prakash Bambhrolia | Mumbai

વૉટ્‌સઍપમાં પરિવારજનો કે મિત્રોનું ગ્રુપ બનાવીને કરી રહ્યા છે દોઢથી ત્રણ કલાક ટાઇમપાસ ૨-૨ કલાકના સ્લૉટમાં બપોરે ૩થી રાતના ૧૧ સુધી લોકો આ રમતની મજા માણી રહ્યા છે

વૉટ્સઍપ
વૉટ્સઍપ

કોરોનાના કારણે દેશભરમાં ૨૧ દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘરમાં બેસીને કંટાળી રહેલા મોટા ભાગના લોકો ટીવી જોવામાં, વાંચવામાં અને સોશ્યલ મીડિયામાં મૅસેજ ચેક કરવામાં કે ફોર્વર્ડ કરવામાં સમય પસાર કરી રહ્યા છે. જોકે ઘરમાં પુરાઈ ગયેલા કેટલાક લોકોએ આવી સ્થિતિમાં ઘરમાંથી બહાર નીકળ્યા વિના આસપાસ, વતન કે છેક વિદેશમાં રહેતા સંબંધી કે મિત્રો સાથે સમય પસાર કરવાનો સરસ આઇડિયા શોધી કાઢ્યો છે. આ લોકો વૉટ્‌સઍપના માધ્યમથી ઑનલાઈન હાઉસી રમીને દિવસના દોઢથી ત્રણ કલાક ટાઇમપાસ કરી રહ્યા છે. આ આઇડિયાથી સામાન્ય સંજોગોમાં જેમની સાથે વાત કરવા કે ખબર અંતર પૂછવાનો સમય નથી રહેતો તેમની સાથે ફરીથી નાતો પણ જોડાઈ રહ્યો છે. મજાની વાત એ છે કે માત્ર મુંબઈ જ નહીં, ગુજરાત અને છેક વિદેશમાં રહેતા લોકો પણ હાઉસીના ગ્રુપમાં જોડાઈને ટાઇમપાસ કરી રહ્યા છે.

મુલુંડ (પૂર્વ)માં રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં રહેતાં હિના શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણ અઠવાડિયાંના લૉકડાઉનમાં પહેલા ત્રણ-ચાર દિવસ તો નાનાં-મોટાં કામ કરીને નીકળી ગયા, પરંતુ પછી બપોર બાદનો સમય પસાર કરવું મુશ્કેલ બન્યું હતું. આવા સમયે મારા ધ્યાનમાં આવ્યું કે જેમ તમ્બોલા ઍપ્લિકેશનની મદદથી ઑનલાઈન હાઉસી રમી શકાય છે તેવી જ રીતે વૉટ્‌સઍપ સોશ્યલ મીડિયામાં પણ ગ્રુપ બનાવીને પણ ટાઇમપાસ કરવાની આ સરસ રમત રમી શકાય છે. મેં કેટલાક લોકોને વાત કરતાં તેઓ તૈયાર થઈ ગયા અને અમે દરરોજ સાંજે ૪થી ૬ વાગ્યા દરમ્યાન હાઉસી રમીએ છીએ. ૨૦ મેમ્બરથી ૧૫૦ મેમ્બર સુધીની ગેમ અમે રમ્યા છીએ, જેમાં દોઢથી ત્રણ કલાક આરામથી પસાર થઈ જાય છે.’

મલાડમાં રહેતા કાનજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં ઘરમાંથી બહાર નીકળવાનું નથી એટલે આખો દિવસ ખૂબ જ કંટાળો આવતો હતો. જોકે મારા મિત્રો અને પરિવારજનોએ ઑનલાઈન હાઉસીની રમત વૉટ્‌સઍપમાં ગ્રુપ બનાવીને જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી ખૂબ મજા આવી રહી છે. આપણે પિકનિક, ગણેશોત્સવ કે નવરાત્રિ જેવા તહેવારમાં સાથે મળીને હાઉસી રમીએ છીએ તેવો જ અનુભવ ઑનલાઈનની આ રમતમાં થઈ રહ્યો છે.

પરિવારો નજીક આવ્યા

ઑનલાઈન હાઉસીની રમતમાં મુંબઈ, ગુજરાત કે વિદેશમાં રહેતા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. અત્યારે બધા પાસે ફૂરસદ જ ફૂરસદ છે એટલે હાઉસીની રમત પૂરી થયા બાદ પણ એકમેકનો સંપર્ક કરીને જેમનો લાંબા સમયથી સંપર્ક નહોતો થઈ શકતો તેઓ ફરી નજીક આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બધું સામાન્ય હોય ત્યારે એક જ ઘરમાં રહેતા ચાર લોકો મોબાઇલમાં વ્યસ્ત રહેતા જોવા મળતા, પણ અત્યારે બધા ઘરમાં જ છે ત્યારે તેઓ પોતપોતાના સગાંસંબંધીઓ અને મિત્રવર્તુળનો સંપર્ક કરી રહ્યા છે. આ બધું ઑનલાઈન હાઉસીની રમતને લીધે શક્ય બન્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK