Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાથી આર્થિક નુકસાન 9 લાખ કરોડ અને સરકારની સહાય ક્ષમતા 2.30 લાખ કરોડ

કોરોનાથી આર્થિક નુકસાન 9 લાખ કરોડ અને સરકારની સહાય ક્ષમતા 2.30 લાખ કરોડ

26 March, 2020 07:46 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોનાથી આર્થિક નુકસાન 9 લાખ કરોડ અને સરકારની સહાય ક્ષમતા 2.30 લાખ કરોડ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ભારતના અર્થતંત્ર ઉપર અણધારી આફત આવી પડી છે. એક તરફ આર્થિક વિકાસ દર છેલ્લા ત્રણ ક્વાર્ટરની છ વર્ષમાં સૌથી નીચો હતો ત્યારે કોરોના વાઇરસના કારણે વૈશ્વિક મંદીની આફત ઉપરાંત ભારતમાં પણ મંદી આવી શકે છે. કેન્દ્ર સરકાર પોતાની રીતે આ મંદીની અસરો ખાળવા માટે પેકેજ બનાવી રહી છે, રિઝર્વ બેંક વ્યાજનો દર પણ ઘટાડી શકે છે પણ જે નુકસાન અંદાજિત છે તેની સામે આ પેકેજ વામણું સાબિત થશે એવો ભય છે.

બ્રિટિશ કંપની બાર્ક્લીઝ રૂ.૯ લાખ કરોડનો ફટકો અંદાજે છે તો ભારતની ક્રેડિટ રેટિંગ એજન્સી કેર રૂ.૧૧ લાખ કરોડનો ફટકો અંદાજે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારનું પેકેજ રૂ.૧.૫૦ લાખ કરોડથી રૂ.૨.૩૦ લાખ કરોડનું હોવાનું જાણવા મળી રહ્યું છે.



ભારતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે અને હવે આંકડો ૬૦૦ને પાર થઇ ગયો છે. મૃત્યુઆંક ઓછો છે પણ દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડ જોવા મળી રહ્યો છે. વાઇરસનો વ્યાપ વધે નહી એટલે ભારત સરકારે ૨૧ દિવસ આવશ્યક ચીજો સિવાય બધું જ લૉકડાઉન કર્યું છે. કોઈ પ્રવૃત્તિ નહી. આ ઉપરાંત, સેંકડો કંપનીએ બજારો બંધ હોવાથી પોતાનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. નાના માણસો અને રોજમદારી ઉપર નોકરી કરતા લોકોમાં વતન તરફ હિજરત પણ ચાલુ થઇ ગઈ છે ત્યારે પેકેજથી જે અસર થશે તેના કારને દેશનો આર્થિક વિકાસ ફરી પાટે ચડતા સમય લાગશે એવી પણ વિશ્લેષકોની આગાહી છે.


વિશ્વના અગ્રણી એવા ભારતના અર્થતંત્ર ઉપર આ લૉકડાઉનની ભારે અસર પડી શકે એવી આગાહી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં દેશો આર્થિક વિકાસ વધવાના બદલે સંકોચાઈ જશે, ઘટી જશે કે નેગેટિવ આવશે. વધારે ચિંતા એની છે કે દેશમાં સંગઠિત કરતા અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો વધારે છે. વધુ લોકો સામાજિક છત્ર સિવાયની નોકરી કે કામકાજ કરે છે અને તેના કારણે પૂર્વવત્ સ્થિતિ માટે સમય લાગશે. એવું પણ બની શકે કે વિકાસ દર માત્ર એક જ ક્વાર્ટર નહી પણ સમગ્ર વર્ષ ૨૦૨૦-૨૧માં ધીમો રહે.

રૂપિયા નવ લાખ કરોડનો ફટકો: બાર્ક્લીઝ


બ્રિટીશ બ્રોકરેજ હાઉસ બાર્ક્લીઝના મતે ભારતને લોકડાઉનના કારને ૧૨૦ અબજ ડોલર કે નવ લાખ કરોડ જેવડો મોટો ફટકો પડી શકે છે. વર્ષ ૨૦૨૦-૨૧નો આર્થિક વિકાસ દર ૧.૭ ટકા ઘટી માત્ર ૩.૫ ટકા રહે તેવી શક્યતા છે. માત્ર લોકડાઉનના કારણે જ ૯૦ અબજ ડોલરનું નુકસાન થઇ શકે છે જેમ દિલ્હી, મહારાષ્ટ્ર કે ગુજરાત જેવા રાજ્યોએ અગાઉ બંધ કરેલી પ્રવૃત્તિ સામેલ નથી.

એપ્રિલ-જૂનમાં જીડીપી દર નેગેટીવ રહેશે: કેર રેટિંગ્સ

કેર રેટિંગના મતે દેશનું અર્થતંત્રનું કદ વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૧૪૦-૧૫૦ લાખ કરોડ જેટલું અંદાજીત છે. (આ આંકડાઓ વાસ્તવિક વિકાસનો છે, ફુગાવાની અસર સિવાય) જો ૨૧ દિવસ બંધ રહે અને ૮૦ ટકા પ્રવુત્તિ બંધ રહે (આવશ્યક ચીજોને બાદ કરતા) તો દેશના આર્થિક વિકાસમાં કુલ રૂ. ૧૦.૫૦ લાખ કરોડથી ૧૨ લાખ કરોડનો ફટકો પડી શકે છે. ચાલુ નાણકીય વર્ષમાં બાકીના દિવસોમાં આ નુકસાન રૂ.૬.૩૦ લાખ કરોડથી રૂ.૭.૨૦ લાખ કરોડનો ફટકો પડી શકે છે. આ ઉપરાંત બાકીના ૧૪ દિવસ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જતા હોવાથી તેમાં રૂ.૪.૨૦ થી રૂ.૪.૮૦ લાખ કરોડનો ફટકો પડી શકે છે. એનો મતલબ થયો કે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં વિકાસ દર નેગેટીવ રહી શક છે.

ગત વર્ષે એપ્રિલથી જૂનના પ્રથમ કવાર્ટરમાં જીડીપી રૂ.૩૫.૫ લાખ કરોડ હતો અને છ ટકાનો વિકાસ દર માનીએ તો રૂ.૨.૧૩ લાખ કરોડનો ઉમેરો શક્ય છે પણ જો તેની સામે રૂ.૪.૨૦ લાખ કરોડનો ફટકો પડે તો વિકાસ વધવાના બદલે ઘટી જાય છે.

વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પ્રથમ બે મહિનામાં વિકાસ દર વધ્યો હતો પણ હવે માર્ચમાં આ વાયરસના કારણે પ્રવૃત્તિ અટકી પડી છે. ગત વર્ષે અર્થતંત્રમાં ચોથા કવાર્ટરમાં વૃદ્ધિ રૂ.૧.૭૪ લાખ કરોડની હતી એટલે કે આ વર્ષ ઉપરોક્ત નુકસાન અને બે મહિનાની વૃદ્ધિ ગણતા જો વિકાસ દર નેગેટિવ રહે નહી તો પણ ૧.૫ ટકા કે ૨.૫ ટકા આસપાસ રહી શકે છે.

સરકારનું પેકેજ રૂ.૧.૫ લાખ કરોડનું હશે એવી ધારણા

કોરોના વાયરસના કારણે દેશની આર્થિક સ્થિતિ ઉપર પડી રહેલી અસર માટે નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં વડપ્રધાન મોદીએ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. મંગળવારે ટેક્સના રિટર્ન ફાઈલ કરવાની છૂટછાટની જાહેરાત કરતા નાણામંત્રીએ પેકેજની જાહેરાત બહુ જલદી થશે એમ પણ ક્ર્હ્યું હતું.

દેશમાં આજથી ૨૧ દિવસ સુધી આવશ્યક ચીજો સિવાયની પ્રવૃત્તિ ઉપર લૉકડાઉન ચાલુ થઇ ગયું છે. આ ઉપરાંત, સેંકડો કંપનીએ બજારો બંધ હોવાથી પોતાનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર લગભ રૂ.૧.૫૦ લાખ કરોડનું પકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આ પેકેજ હજુ અંતિમ નથી અને વડાપ્રધાન કાર્યાલય, નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે મસલત ચાલી રહી છે એવું સૂત્રોએ જણાવ્યું હતું. શક્યતા એવી પણ છે કે આ પેકેજનું કદ રૂ.૨.૩૦ લાખ કરોડ જેટલું મોટું પણ હોય શકે.

કેન્દ્ર સરકાર જે વિચારણા કરી રહી છે તેમાં દેશના ૧૦ કરોડ લોકોના ખાતામાં સીધી રકમ જમા કરાવવી અને લૉકડાઉનના કારણે બંધ પડેલા બિઝનેસ અને ઉદ્યોગોને સીધી રાહત આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK