મુંબઈ: ગંભીર દર્દીઓની સારવારમાં સુધારો લાવશે પાલિકા

Published: Sep 12, 2020, 12:58 IST | Arita Sarkar | Mumbai

ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ICU શરૂ કરશે, ૨૩ પ્રાઇવેટ ડૉક્ટરો ગંભીર સ્થિતિના દર્દીઓની સારવાર કરશે

નેસ્કો સેન્ટરમાં અત્યાર સુધી ૪૫૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી છે જેમાં એકનું મોત થયું છે. તસવીર : સતેજ શિંદે
નેસ્કો સેન્ટરમાં અત્યાર સુધી ૪૫૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી છે જેમાં એકનું મોત થયું છે. તસવીર : સતેજ શિંદે

મુંબઈ મહાનગરપાલિકા કોરોના-ઇન્ફેક્શનના ગંભીર સ્થિતિના દર્દીઓની સારવાર તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. એકાદ-બે દિવસમાં ગોરેગામના નેસ્કો સેન્ટર ખાતે ICU બેડ શરૂ કરવામાં આવશે અને એ ICU બેડના દર્દીઓની સારવાર માટે 23 પ્રાઇવેટ ડૉક્ટરોને નિયુક્ત કરશે. મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ અદ્યતન વેન્ટિલેટર્સ પણ મેળવવા સક્રિય થયો છે. મુંબઈનાં તમામ જમ્બો સેન્ટર્સ ખાતે આ પ્રકારની સુવિધા ઉપરાંત ગંભીર સ્થિતિના દર્દીઓની સારવાર માટે ઇન્ટેન્સિવિસ્ટ્સ અને પલ્મોનોલૉજિસ્ટ્સને પણ સામેલ કરવાના પ્રયત્નો મહાનગરપાલિકાએ શરૂ કર્યા છે.

ગયા અઠવાડિયે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જમ્બો સેન્ટર્સમાં ૨૭૦ ICU બેડ ઉમેર્યા હતા. એમાંથી ૨૦૦ ICU બેડ ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ઉમેર્યા હતા. નેસ્કો જમ્બો સેન્ટરનાં ડીન ડૉ. નીલમ ઍન્ડ્રાડેએ જણાવ્યું હતું કે ‘અમે શરૂઆતમાં ૫૦ ICU બેડની કામગીરી શરૂ કરીશું. અમે ઇન્ટેન્સિવ કૅરમાં ૬ મહિનાના બાળકથી માંડીને બાવીસ વર્ષ સુધીના ગંભીર સ્થિતિના દર્દીઓની કાળજી રાખવાનો અનુભવ ધરાવતા ૨૩ પ્રાઇવેટ ડૉક્ટરોને બે મહિનાના કૉન્ટ્રૅક્ટ પર રાખીશું. ૫૦ ICU બેડનો અનુભવ કરીને આગળ વધીશું. પ્રાઇવેટ ડૉક્ટર્સ ઉપરાંત કેઈએમ, નાયર અને કૂપર હૉસ્પિટલના ૨૧ ડૉક્ટરોને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. દર્દીઓની માહિતી ઇલેક્ટ્રૉનિકલી જાળવવા માટે ડેટા એન્ટ્રી ઑપરેટર્સ પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. ફક્ત ICU યુનિટ માટે ૪૮ નર્સ અને ૪૫ વૉર્ડબૉયને નિયુક્ત કરવામાં આવ્યાં છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK