કોરોનાને મામલે APMC માર્કેટમાં પડી તકરાર: હવે કાંદા-બટાટા અને શાકભાજીનું શું?

Published: Mar 24, 2020, 07:18 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બન્ને માર્કેટના ડિરેક્ટરો બંધ કરવાની વાત કરે છે, જ્યારે એપીએમસીના સેક્રેટરી કહે છે, બંધ કરશે તો સખત કાર્યવાહી કરાશે

APMC માર્કેટ
APMC માર્કેટ

કોરોના વાઇરસ વધુ પ્રમાણમાં ફેલાય નહીં એટલે સરકારે આખા મહારાષ્ટ્રને લૉકડાઉન કરી દીધું છે, પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓને બંધ કરવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી છે. જોકે કાંદા-બટાટા બાદ બુધવારથી શાકભાજી માર્કેટે પણ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે એપીએમસી માર્કેટના અધિકારીએ આ વિશે કહ્યું હતું કે જો શાકભાજી માર્કેટના વેપારીઓ બંધ રાખશે તો અમે કાર્યવાહી કરીશું. આમ, એપીએમસી અને માર્કેટના વેપારીઓ વચ્ચે વિખવાદ થાય એવી શક્યતા ઊભી થઈ છે.

કોરોના વાઇરસના વધતા ભય વચ્ચે શહેરની એપીએમસી માર્કેટના માથાડી કામદારોએ રવિવારથી બુધવાર સુધી ‘કામ બંધ’નો નિર્ણય જાહેર કર્યો હતો. આને કારણે અગાઉથી જ મોટા ભાગની મસાલા અને કરિયાણા માર્કેટના વેપારીઓએ પણ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કેમ પણ કરીને કોરોના વાઇરસનો ફેલાવો અટકતો ન હોવાને કારણે કાંદા-બટાટા બાદ શાકભાજી માર્કેટને પણ બુધવારથી બંધ કરવાની વાત કરાય છે. જોકે શાકભાજીઓ આવશ્યક ચીજવસ્તુઓમાં આવતી હોવાથી એનો પુરવઠો સરકાર બંધ નહીં જ થવા દે એ વાત ન ક્કી છે.

શાકભાજી માર્કેટને બંધ કરવાના નિર્ણય વિશે શાકભાજી માર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલની પરિસ્થિતિને જોતાં કોરોના સામે લડત ચલાવવી જરૂરી છે. એપીએમસીમાં શાકભાજી માર્કેટ જો ખુલ્લી રહે તો દરરોજ ખેડૂત, શાકભાજી વિક્રેતા, ખરીદદાર, માથાડી કામદાર સહિત ૩૦થી ૩૫ લોકોની અવરજવર રહેતી હોય છે. કોરોના ન ફેલાય એ માટે સરકારે કરફ્યુ લાગુ કર્યો છે તો વેપારીઓ કેવી રીતે જોખમ ઉઠાવીને ધંધો કરવા આવે. બુધવાર ૨૫ માર્ચથી આવતા મંગળવાર ૩૧ માર્ચ સુધી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

શાકભાજી માર્કેટ બંધ કરવાના નિર્ણય સામે એપીએમસી માર્કેટના સેક્રેટરી અનિલ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે શાકભાજી અને કાંદા-બટાટા માર્કેટના વેપારીઓને મનાવવાની કોશિશ કરીશું. સરકારનો પણ નિર્ણય છે કે જરૂરી ચીજવસ્તુઓને બંધ કરવી નહીં છતાં જો તેઓ નહીં માને તો અમે કાર્યવાહીની લગામ ઉઠાવીશું.

કાંદા-બટાટા માર્કેટના ડિરેક્ટર અશોક વાળુંજે ‘મિડ-ડે’ને આ વિશે કહ્યું હતું કે સરકાર એક બાજુ કોરોના પર કાબૂ મેળવવાની વાત કરીને કરફ્યુ લગાવવાની વાત કરે છે, પણ કાંદા-બટાટાની માર્કેટ ખુલ્લી રાખવામાં આવે તો અહીં જમા થતી ભીડને કેવી રીતે રોકી શકાશે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે અને જો કોઈ ચેપ લઈને ઘૂસ્યું તો એને કન્ટ્રોલ કેવી રીતે કરી શકાશે? હાલમાં કાંદા-બટાટા કે શાકભાજી વિના ન ચાલી શકે એવું તો નથીને. પબ્લિક પણ સમજે છે અને તેઓ પણ સાથ આપી શકે એમ છે. કોરોના વાઇરસને અટકાવવા માટે માર્કેટ બંધ રાખવી જરૂરી હતી અને એટલે જ અમે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

હાલમાં કાંદા-બટાટા કે શાકભાજી વિના ન ચાલી શકે એવું તો નથીને.

- અશોક વાળુંજે, કાંદા-બટાટા માર્કેટના ડિરેક્ટર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK