Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તો તૈયાર થઈ જાઓ, સારી હૅબિટ પાડવા અને ખરાબને છોડવા માટે

તો તૈયાર થઈ જાઓ, સારી હૅબિટ પાડવા અને ખરાબને છોડવા માટે

27 March, 2020 05:28 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

તો તૈયાર થઈ જાઓ, સારી હૅબિટ પાડવા અને ખરાબને છોડવા માટે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કહેવાય છે કે કોઈ આદત પાડવી કે છોડવી હોય તો ૨૧ દિવસ લાગે અને એ આદતને જો જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવવી હોય તો ૯૦ દિવસ લાગે. હવે જ્યારે એકવીસ દિવસનો અનપ્લાન્ડ ઘરવાસ મળ્યો છે ત્યારે ચાલો ચૅલેન્જ ઉઠાવીએ અને કોઈ એક સારી આદતને કેળવીએ અને એક બૅડ હૅબિટને તિલાંજલિ આપીએ

આપણને પરાણે ઘરમાં એકાંતવાસ મળ્યો છે અને એ પણ પૂરા ૨૧ દિવસનો. જો અત્યારે આપણે ધીરજ ન રાખી અને હજીયે લૉકડાઉનને સ્ટ્રિક્ટલી ફૉલો ન કર્યું તો બની શકે કે લૉકડાઉન લંબાય પણ ખરું. હાલમાં ઘેરબેઠા કંઈ જ કરવાનું ન હોવાથી નવરું મગજ શેતાનનું ઘર જેવા હાલ છે. એને જો કોઈ કન્સ્ટ્રક્ટિવ ચીજ તરફ ન વાળવામાં આવ્યું તો એ ખોટી ચિંતાઓ અને ઍન્ગ્ઝાયટીના ઢેરને કારણે મન બહુ નકારાત્મકતા અને બોરડમથી ભરાઈ જાય એવું બને. જો આ રજાના દિવસો માત્ર ઊંઘવા, ખાવા-પીવા અને મોબાઇલ કે ઇન્ટરનેટ પર ટાઇમપાસ કરવામાં જ કાઢ્યા તો ખરેખર ૨૧ દિવસના અંતે મગજ કટાઈ ગયેલું હશે એ તો નિશ્ચિત છે જ.



મુંબઈ સતત દોડતું-ભાગતું અને વ્યસ્ત રહેતું હોવા માટે જાણીતું છે અને એટલે ભાગતા મુંબઈગરાઓના મોંએ વારંવાર એવું સાંભળવા મળતું કે મારે મારી લાઇફસ્ટાઇલ એકદમ હેલ્ધી કરી જ લેવી છે, પણ સમય મળે તોને! કસરત કરવી છે, પણ સમય મળે તોને! સમયસર જમી લેવું છે, પણ સમય મળે તોને! રોજ દસ મિનિટ ધ્યાન કરવું છે, પણ સમય મળે તોને! લો, ભગવાને તમને સમય આપી દીધો છે અને હવે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ આપણા હાથમાં છે. સાઇકોલૉજીની એક થિયરી મુજબ ૨૧ દિવસ કોઈ પણ ખરાબ હૅબિટને તોડવા માટે અથવા તો નવી સારી આદતને અપનાવવા માટે પૂરતા છે. જોકે અત્યારે મન નવરું છે એટલે આ થિયરી ખરેખર સાચી છે કે ખોટી એવો સવાલ પણ થાય. યસ, ૨૧ દિવસમાં કોઈ પ‍્રવૃત્તિ આદત બની જાય કે આદત છૂટી જ જાય એ વાત વિવાદાસ્પદ છે. કેટલાક નિષ્ણાતો એને મિથ કહે છે તો કેટલાક નિષ્ણાતો માને છે કે આદતનું સાતત્ય ૨૧ દિવસ સુધી રાખવામાં આવે તો એ પછી એને કન્ટીન્યુ કરવાનું સરળ બની શકે છે.


હેલ્ધી આદત જ અઘરી છે

જો તમે નક્કી કરો કે સવારે છ વાગ્યે ઊઠીને યોગાસન કરવા છે તો એ નિયમને અમલમાં મૂકતાં નવનેજાં પાણી ઊતરશે, પણ રાતે બે વાગ્યા સુધી નેટફ્લિક્સ પર મૂવી કે શો જોવાની વાત હોય તો એ માટે કંઈ જ નથી કરવું પડતું. રાતે મોબાઇલ કોરાણે મૂકીને સમયસર ઊંઘી જવું જોઈએ એ આદત પાડવાની પણ અઘરી જ પડે છેને! અમેરિકાની બૉસ્ટન યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટોના કહેવા મુજબ ખોટી આદતો મોટા ભાગે ઇન્સ્ટન્ટ એન્ટરટેઇનિંગ હોય છે. એ ટૂંકા ગાળા માટે ફીલગુડ અને લાંબા ગાળે હાનિકારક હોય છે. જ્યારે હેલ્ધી આદતો શરૂઆતમાં જ કપરી લાગે છે. સવારે ઊઠીને ચાલવા નીકળી પડવાથી સ્ફૂર્તિ અને ફ્રેશનેસ અનુભવાય છે એ અનુભવ જો તમારું મન અને શરીર રજિસ્ટર કરી શકે તો જ એ પ્રવૃત્તિ તમને રોજ કરવાનું મન થાય.


જાતને કેળવવાનો સમય

અત્યારે જ્યારે બીજા કોઈ જ ડિસ્ટ્રેક્શન્સ નથી. તમારે કોઈ અર્જન્ટ કામો પતાવવાનાં નથી. કોઈ જગ્યાએ ચોક્કસ સમયે પહોંચવું જ પડશે એની ઘાઈ નથી, રિલૅક્સ્ડ માઇન્ડ છે ત્યારે અઘરી લાગતી કોઈ પણ એક નાની સારી આદત પાડવાનું નક્કી કરો. પહેલા પંદર-વીસ દિવસ જો ખાઈખપૂચીને સારી હૅબિટ પાડવા માટે મથ્યા હશો તો એ પછી જ્યારે રુટિન લાઇફ શરૂ થશે ત્યારે એ આદતને જાળવી રાખવાનું થોડુંક સરળ પડશે. લાઇફમાં ડિસિપ્લિન લાવવા માટે આ બહુ જ જરૂરી છે. આ સમય દરમ્યાન જો તમે બેફામ ઊંઘતા રહ્યા અને આળસને પોષતા રહ્યા તો જ્યારે રુટિન લાઇફ શરૂ થશે ત્યારે એ નૉર્મલ કરતાંય વધુ આકરું લાગશે.

આટલું ધ્યાન રાખશો તો સફળતા જરૂર મળશે

જેરેમી ડીનની ‘મેકિંગ હૅબિટ, બ્રેકિંગ હૅબિટ’ બુકમાં આદત પાડવા માટે ઘણી સરસ અને વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી છે એમાંથી કેટલાક મુદ્દાઓ સંક્ષિપ્તમાં સમજીને જીવનમાં ઉતારીશું તો ન્યુ હૅબિટ ફૉર્મિંગમાં સરળતા રહેશે.

બિગ ટાર્ગેટ, સ્મૉલ સ્ટેપ્સઃ શરૂઆત બહુ મોટા કમિટમેન્ટની જરૂર પડે એવી આદતથી ન કરો. સાદી અને સહેલી લાગે એવી પ્રવૃત્તિ પસંદ કરો. આ પ્રવૃત્તિને આદત બનાવવાથી તમે જીવનમાં કેવા ફાયદાની અપેક્ષા રાખી રહ્યા છો એ બાબતે પણ સ્પષ્ટ થાઓ. અલબત્ત, તમારા આ સ્મૉલ સ્ટેપની પાછળ તમારો બિગ ટાર્ગેટ હોવો જરૂરી છે. એનું કારણ છે કે ‘હું રોજ અડધો કલાક સાઇક્લિંગ કરીશ.’ એવું જ્યારે તમે નક્કી કરો છો ત્યારે એ ટાર્ગેટ પછીનું તમારું બિગર વિઝન શું છે એ સ્પષ્ટ નહીં હોય તો તમને એ નાનું સ્ટેપ લેવાનો પણ કંટાળો આવશે. મોટા ટાર્ગેટના ટુકડાઓ કરીને નજર સામે રાખશો તો વન બાય વન તમે આગળ વધતા જશો એની પૉઝિટિવ એનર્જી ફીલ કરી શકશો.

વિઝ્યુઅલાઇઝેશન ઃ કોઈ પણ આદતને અમલમાં મૂકતાં પહેલાં તમે એ રોજ કરી રહ્યા છો એની કલ્પના કરો. રોજ કેવા-કેવા સંજોગો ઊભા થાય છે અને એમાંથી તમે રોજ આ કામ માટે કેવી રીતે સમય કાઢવાના છો એના વિશે વિચારો. ધારો કે ખરાબ આદત છોડવાનું નક્કી કરતા હો તો એને કારણે ઊભા થનારી નકારાત્મક વિડ્રોઅલ સિમ્પ્ટમ્સ વિશે પણ પહેલેથી જ વિઝ્યુઅલાઇઝ કરી રાખો.

પ્લાનિંગ અને મૉનિટરિંગ ઃ જસ્ટ સારી આદત પાડવાનું નક્કી કરી લેવા માત્રથી એ કેળવાતી નથી. એ કરવા માટે કયો સમય ફાળવશો એ પણ તય હોવું જોઈએ. ધારો કે એ સમય વીતી ગયો તો શું કરવાનું એ પણ પહેલેથી જ નક્કી હોય. શરૂઆતના તબક્કામાં રોજ ચેકલિસ્ટ બનાવીને ટિક-માર્ક કરતાં રહેવું.

અંગત નબળાઈઓ પારખોઃ કયાં એવાં પરિબળો છે જેને કારણે તમે વારંવાર નક્કી કર્યું હોય એમાંથી પાછા હટો છો? આ અંગત નબળાઈઓને ફિક્સ કરવાનો નુસખો શોધવો જરૂરી છે. રાતે નવ વાગ્યા પહેલાં જ હેલ્ધી ફૂડ જમી લઈશ’ એવું નક્કી કર્યા પછી જો તમે અડધી રાતે ઊઠીને મન્ચિંગ કરવાની આદતને કાબૂમાં નહીં રાખી તો રાતના નવ વાગે જમેલું એળે ગયું.  

રિવૉર્ડ તો બનતા હૈઃ માનવ મગજની સહજ આદત છે ‘મને શું મળશે?’ એ વિચારવાની. તમારા બિગ ટાર્ગેટના સ્મૉલ સ્ટેપ્સને પાર કરો ત્યારે જો તમને કંઈક મનગમતું મળવાનું છે એની ખબર હોય તો થોડીક ઊર્જા એમ જ વધી જાયને? યસ, આ લાલચ નથી, પરંતુ ટાર્ગેટ સુધી જાતને ખેંચીને લઈ જવાની ચાલાકી છે.

૨૧ દિવસમાં આદત કેળવાય એ નિયમ ક્યાંથી?

આ થિયરીને જન્મ અપાનારા ડૉક્ટર કોઈ સાઇકોલૉજિસ્ટ નહીં, પરંતુ એક પ્લાસ્ટિક સર્જ્યન હતા. ૧૯૫૦માં ડૉક્ટર મૅક્સવેલ મૅલ્ટ્સે આ થિયરી બહાર પાડેલી. તેમણે જોયેલું કે જ્યારે પણ ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે ત્યારે વ્યક્તિની ઓળખ સમા ફીચર્સમાં બદલાવ આવે છે. એને કારણે દરદીના સગાસંબંધીઓ કે દૂરના લોકો તેને ઓળખી ન શકે એ તો સમજ્યા, પણ દરદી ખુદ પણ સર્જરી પછી પોતાનો જ ચહેરો અરીસામાં જોઈને ઓળખી નથી શકતો. ધારો કે કોઈને અકસ્માતને કારણે આંગળી, હાથ કે પગ કપાવવો પડે તો એ પછી દરદી ખુદ પોતાનું એ અંગ કપાઈ ચૂક્યું છે એ વાતથી યુઝ્ડ ટુ નથી હોતા. મૅક્સવેલે અનેક સર્જરીઓ બાદના રિકવરી પિરિયડનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે પોતાની ઇમેજની વાત હોય કે પોતાના શરીરના અંગોની સંવેદનાની વાત, દરદીને એ વસ્તુ એક્સેપ્ટ કરતાં ૨૧ દિવસ લાગે છે.

અલબત્ત, સાઇકોલૉજિસ્ટોનું કહેવું છે કે આ બાબત વ્યક્તિના જીવનમાં કોઈ ટાસ્ક કે પ્રવૃત્તિની આદત પાડવા સાથે સાંકળી લેવામાં આવી છે જે સાચી નથી. યુરોપિયન જરનલ ઑફ સોશ્યલ સાઇકોલૉજીમાં પબ્લિશ થયેલા અભ્યાસ મુજબ આદત કેળવવા માટે ઍવરેજ ૧૨ વીકનો સમય લાગે છે. કોઈ કામ તમારા વર્તનમાં વણાઈ જાય એ માટે ૬૬ દિવસનો સમય લાગે છે. જો તમારો વિલપાવર નબળો હોય અને મન બહુ જ ચંચળ હોય તો આઠ મહિના જેટલો સમય પણ લાગી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 05:28 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK