Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાગડ ​વીસા ઓશવાળ સમાજની લૉકડાઉનમાં અનોખી પહેલ: ભાડાં જતાં કર્યાં

વાગડ ​વીસા ઓશવાળ સમાજની લૉકડાઉનમાં અનોખી પહેલ: ભાડાં જતાં કર્યાં

02 April, 2020 08:24 AM IST | Mumbai
Alpa Nirmal

વાગડ ​વીસા ઓશવાળ સમાજની લૉકડાઉનમાં અનોખી પહેલ: ભાડાં જતાં કર્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના લૉકડાઉનને કારણે  ધંધાપાણી ઠપ છે ત્યારે મુંબઈમાં રહેતા વાગડ વીસા ઓસવાળ સમાજના લોકોએ જ્ઞાતિના પ્રમુખની ટહેલથી પોતાની ભાડે આપેલી દુકાનો, ઘર, ઇન્ડસ્ટ્રિયલ યુનિટો, ઑફિસો, ગોડાઉન જેવી  પ્રૉપર્ટીનાં એક મહિનાનાં ભાડાં જતાં કર્યાં છે.

કાગળ, કાચ, કપડાં,કરીયાણાં ઉપરાંત અનેક રીટેલ અને મૅન્યુફૅક્ચરિંગના ધંધામાં અગ્રેસર આ જ્ઞાતિ કલ્યાણ, અંબરનાથથી લઈને નાલાસોપારા, કફ પરેડ અને બ્રીચ કૅન્ડી જેવા મુંબઈના બધા વિસ્તારોમાં  વિવિધ વસ્તુઓની દુકાનો અને શોરૂમ ધરાવે છે.
 
વાગડ વીસા ઓશવાળ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજીભાઈ રીટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સમાજની વસ્તી ૫૦,૦૦૦ની આસપાસ છે, જેમાંથી ૯૦ ટકા લોકો મુંબઈમાં વસે છે. સમાજનો મોટા ભાગનો વર્ગ મૅન્યુફૅક્ચરિંગ, રીટેલિંગ ધંધા સાથે જોડાયેલો છે. ઘણા પાસે પોતાની માલિકીની જગ્યા છે, તો કેટલાંક કુટુંબો ભાડા પર ફૅક્ટરી, ઑફિસ, દુકાન માટે જગ્યા લે છે. ૨૧ દિવસના લૉકડાઉનમાં બધું જ બંધ છે ત્યારે ભાડેથી જગ્યા લેનાર આ વેપારીઓની હાલત બહુ કપરી છે. ધંધા જ નથી ત્યાં ઘરખર્ચ, તેમને ત્યાં કામ કરતા કારીગરોનો પગાર અને ઉપરથી જગ્યાનું ભાડું આ બધું મૅનેજ કઈ રીતે કરશે? આ સમસ્યા જાણીને મેં અમારા સમાજની ખબરપત્રિકામાં ૨૫ માર્ચે જ્ઞાતિજનોને ભાડાં માફ કરવાની અપીલ કરી હતી, જેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અમારી જ્ઞાતિના અનેક શ્રેષ્ઠીઓ જેમણે પ્રૉપર્ટીઓ ભાડે આપી છે તેઓએ લૉકડાઉન ન ખૂલે ત્યાં સુધીનું ભાડું માફ કર્યું છે અને અનેક લોકો આ અભિયાનમાં હજી પણ જોડાઈ રહ્યા છે.’

મહેનત, સૂઝબૂઝ અને પથ્થરમાંથી પાણી કાઢવાના ખમીરને કારણે વાગડની આ કોમે ખૂબ થોડા સમયમાં ઘણી પ્રગતિ કરી છે એથી જ ‘વાગડ સૌથી આગળ’ સૂત્ર પ્રચલિત થયું છે. જ્ઞાતિબંધુઓને સહયોગ આપીને તેમનો ઉત્કર્ષ કરવા માટે આ કાસ્ટ જાણીતી છે. તેઓએ લાખો રૂપિયાનું ભાડું માફ કરવાની પહેલ તો કરી જ છે સાથે લૉકડાઉન જાહેર થતાં જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને ચોવીસી મહાજન,  દરેક ગામના મહાજન તેમ જ સરનેમનાં મંડળો વગેરેએ પાંચ-પાંચ હજાર રૂપિયાની સખાવત કરી છે.



નાગજીભાઈ ઉમેરે છે, લૉકડાઉન ખૂલ્યા પછી પણ  ધંધાઉદ્યોગ અને  અર્થવ્યવસ્થા ઉપર સ્લૉડાઉનની  અસર રહેશે. આવતા બાર મહિના કસોટીરૂપ બની રહેશે. આથી અમે અમારા સમાજમાં ચાલતી આર્થિક લેતીદેતીના વ્યાજદરમાં ઘટાડો કરી વ્યાજે પૈસા લઈને ધંધો કરતા ભાઈઓને સપોર્ટ કરવાનું  આહવાન પણ કરવાના છીએ. આ કાર્યમાં પણ   સમાજનો  સમૃદ્ધ વર્ગ  જ્ઞાતિજનોને  સહયોગ કરશે તો જ મંદીના સમયમાં પણ  સામાન્ય અને નબળો વર્ગની ટકી જવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2020 08:24 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK