ખુદને તપાસવાનો અવસર

Published: Apr 05, 2020, 16:51 IST | Hiten Anandpara | Mumbai

અર્ઝ કિયા હૈ: માણસો ઉપર કોરોના વિષાણુનું જે ખતરનાક આક્રમણ થયું છે એની સામે લડવામાં દવા સાથે દુઆ પણ જરૂરી છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

માણસો ઉપર કોરોના વિષાણુનું જે ખતરનાક આક્રમણ થયું છે એની સામે લડવામાં દવા સાથે દુઆ પણ જરૂરી છે. અનેક પડકારો આપણને દેખાઈ રહ્યા છે અને અનેક સમાધાનો સમજાઈ રહ્યાં છે. દેશ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એમાંથી બહાર આવતાં નવ નેજે પાણી ઊતરશે. ક્રૂઝની લક્ઝરી ટૂર નહીં પણ ઘનઘોર જંગલમાં ટાંચાં સાધનો સાથે કરાતી પદયાત્રાનો અનુભવ કરવા જનતાએ તૈયાર રહેવું પડશે. માનસિક તૈયારી યાતના ઓછી તો નહીં કરી શકે, પણ એની ચૂભન થોડી ઓછી વર્તાશે. લલિત વર્માની શીખ સાંભળવી પણ પડશે અને સમજવી પણ પડશે...

સમય સાચવો તો સમય સાચવે છે

જીવન, મોત જેવા વિષય સાચવે છે

પરાભૂત શૂરા નથી હામ ખોતા

પરાજિત ભૂજામાં વિજય સાચવે છે

આપણે નાગરિક તરીકે પરાજિત થઈ ચૂક્યા છીએ. સરકારી માર્ગદર્શિકાઓનું છડેચોક ઉલ્લંઘન કરવામાં બડે બડે લોગ શામિલ છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મેળાવડાએ સાવચેતીના ફુગ્ગામાં ટાંકણી ભોંકી દીધી. ધાર્મિક પ્રચાર કરતો મુસ્લિમ મિશનરીઓનો આ સંપ્રદાય માર્મિક અર્થો ચૂકી ગયો. ધર્મ કોઈ પણ હોય, માનવધર્મથી ઉપર કોઈ નથી એ સત્ય બધાએ સ્વીકારતાં શીખવું પડશે. કુમાર જિનેશની પંક્તિઓ કડવી લાગશે, પણ કડુ કરિયાતું હેલ્થ માટે સારું હોય છે...

આ હૃદયનો, તે અકલનો દેશ છે લ્યા

શાણપણ ત્યાં ને અહીં આવેશ છે લ્યા

આરતી, લોબાન, ડંકા બંધ કર..આ-

આદમીની હામનો પ્રદેશ છે લ્યા

ચૈત્રી નવરાત્રિ હોવા છતાં મોટાં મંદિરોમાં એની ઉજવણી મોકૂફ રહી. દેશની અનેક મસ્જિદોમાં નમાજ માટે ભેગી થતી મેદનીએ ઘરે જ નમાજ પઢવાની સમજદારી દર્શાવી. ગુરુદ્વારામાં ન જઈને ભક્તોએ ઘરમેળે જ પોતાની શ્રદ્ધાને સાર્થક કરી. આ શીખ તબલીગી જમાતને પલ્લે ન પડી એટલું જ નહીં, સંસ્થાના પ્રમુખ મૌલાના સાદે જે નિવેદન આપ્યું એમાં ભૂલ થયાનો એક નૅનોમીટર જેટલો અપરાધભાવ પણ નહોતો. એમાં છાનો હુંકાર પ્રગટ થતો હતો. વીણી-વીણીને પકડવા જોઈએ એવા અગ્રણીઓને વસંત રાવલ ગિરનારીનો શેર લાલ મરચાના પાણીમાં બોળીને મુબારક... 

આકળ વિકળ ફર મા ઓઘડ

નહીં કરવાનું કર મા ઓઘડ

મોત આવે તૈં મરજે ને ભૈ

જીવતેજીવ તું મર મા ઓઘડ

એક માણસની ભૂલ પણ ભારે પડી શકે એવા સંજોગોમાં આવી સામૂહિક ભૂલ તો ડુબાડી જ દેશે. તબલીગી અર્થાત્ અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરવો. જમાતનો મતલબ છે સમૂહ-જૂથ. તેઓ મરકઝ માટે દિલ્હીમાં ભેગા થયા હતા. મરકઝનો અર્થ થાય કેન્દ્ર. ૧૮૦થી વધુ દેશોમાં આ જમાતના સભ્યો ફેલાયેલા છે. લાહોરમાં ૧૧થી ૧૫ માર્ચ સુધી તબલીગી જમાતે એક મોટા જલસાનું આયોજન કર્યું હતું જેમાં પચીસ હજારથી વધુ લોકો ભેગા થયા હતા. પાકિસ્તાનમાં કોરોનાના આંકડા વધારવામાં તેમનું આગવું પ્રદાન રહ્યું. આ ધાર્મિક મેળાવડામાં ભાગ લઈને પાછા ફરેલા બે પેલેસ્ટીનવાસીઓમાં પણ કોરોના પૉઝિટિવ મળ્યો. ટ્યુનિશિયા, કુવૈતમાં સંક્રમણ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો. બધું ખુલ્લું પડતું જાય છે. હેમંત પુણેકરનો શેર પ્રસ્તુત પરિસ્થિતિમાં સીવડાવેલા શર્ટની જેમ ચપોચપ બેસે છે...

આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે

જગથી છુપાવ્યો હાલ જે ખુલ્લો પડી જશે

ચકચાર થાય એટલું અફવાનું જોર બસ!

સચ્ચાઈ સામે આવશે સોપો પડી જશે

પ્રાથમિક તપાસ દર્શાવે છે કે લાહોરનાં સંમેલનમાં ભાગ લેનારા લોકોએ બ્રુનેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત કુલ છ દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધાર્યો. સચ્ચાઈ સામે આવી રહી છે. હવે એ આંકડાઓમાં દેખાશે અને માતમમાં વર્તાશે. ભાવેશ ભટ્ટની પંક્તિઓમાં એનો થાક  વાંચી શકાશે...

અગર જો સજાથી મળ્યું કૈંક ઓછું

થયું છે કશું તો ગુનાથી વધારે

કશે પણ ગયા ના, જરા પણ હલ્યા ના

છતાં થાક લાગ્યો હવાથી વધારે

મોતના આંકડાઓ વિશ્વભરમાં અટ્ટહાસ્ય કરી રહ્યા છે. અમેરિકામાં નિવેદન-નિષ્ણાત અને મંતવ્ય-મહારથી ગણાતા ટ્રમ્પે ભાંગરો વાટ્યો છે એવું ખુદ અમેરિકાવાસીઓ માને છે. અર્થતંત્રને ઉઝરડા ન પડે એ માટે મોતના ઘા સહેવાનું સ્વીકારી લીધું હોય એવું આંકડાઓમાં ફલિત થાય છે. કોઈ પણ મહાનગરને લાગુ પડે એવી વાસ્તવિકતા દેવિકા ધ્રુવની પંક્તિમાં વ્યક્ત થાય છે.

રાત દિ’ આઠે પ્રહર ડોલરની દોડધામમાં

આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ

દૂરથી સોહામણું ને પાસથી બિહામણું

દંભને મોહે જીતાઈ હારતું નગર જુઓ

વિકસિત હોય કે વિકાસશીલ, કોઈ પણ દેશને કોઈ પણ પ્રકારની શેખી પોષાય એમ નથી. મશીનગનો, મિસાઇલો, સબમરીનો ને લડાકુ વિમાનો આ લડતમાં કામ આવવાનાં નથી. આ સંયમ અને શિસ્તની લડાઈ છે. આ નાગરિકી નિષ્ઠા અને સરકારી સંચાલનની લડાઈ છે. આ સાવધાની અને જાગૃતિની લડાઈ છે. સતત છંછેડાતી પ્રકૃતિ બેચાર વર્ષે એક એવું મોટું ડબકું મૂકી દે કે આખી માનવજાત ટપકું લાગવા માંડે. ઓજસ પાલનપુરીની પંક્તિઓ સાથે મનમાં એક આશા ઊછરતી રાખીને સકલ વિશ્વનું શુભ થાય એવી કામના કરીએ...

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે

માણસ એ વખતે સાચો કલાકાર હોય છે

તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે

સાચું કહું તો મોતને પડકાર હોય છે

ક્યા બાત હૈ

અસ્તિત્વ બોધવાનો, અવસર મળ્યો બધાંને

ખુદને તપાસવાનો, અવસર મળ્યો બધાંને

 

મહામારગે ચડીને કેડીને સાવ ભૂલ્યાં

ત્યાં સ્હેજ ચાલવાનો, અવસર મળ્યો બધાંને

 

સમદરના બુંદથી ના કંઈ પણ વધુ કોઈપણ

ભીતર ભીંજાવવાનો, અવસર મળ્યો બધાંને

 

સંકલ્પ ના કરો કોઈ, કાલે તૂટી જશે એ

ઝંખા જગાવવાનો, અવસર મળ્યો બધાંને

 

વિરલાઓને જે મળતી, વીજળી સતત ઝબૂકે

મોતી પરોવવાનો, અવસર મળ્યો બધાંને

 

કરુણાનિધિની કરુણા ઓછી નથી થઈ પણ

ધારકને તાગવાનો, અવસર મળ્યો બધાંને

 

પોથી ફકત ના કાફી, સંવેદના જરૂરી

મોટે પુકારવાનો, અવસર મળ્યો બધાંને

- પ્રતાપસિંહ ડાભી હાકલ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK