કોવિડ-19 અને બદલાયેલી ફૂડ-પૅટર્ન

Published: Jul 12, 2020, 19:35 IST | Bhavya Gandhi | Mumbai

સૃષ્ટિના નિયમ તોડવાનું જે કામ થયું એનો બદલો વાળવાના હેતુથી ઈશ્વરે કોવિડ-19ને જન્મ આપ્યો હોય એવું નથી લાગતું?

આજે રવિવાર છે અને મને મારી અમેરિકાની ટ્રિપ યાદ આવે છે. બે વર્ષ પહેલાંનું અમેરિકા અને આજનું અમેરિકા હવે જુદું છે, એ પછી પણ અમેરિકાનો જે રંગ છે, એની જે ખાસિયત છે અને અમેરિકાની જે ફિતરત છે એમાં કોઈ ચેન્જ નથી આવ્યો. અજબ છે અમેરિકા. શહેર અજબ અને લોકો ગજબ. આપણે ત્યાં રવિવારે લોકોમાં આળસ હોય, બધું શાંતિથી થાય, પણ અમેરિકાને આ વાત જરા પણ લાગુ પડતી નથી. અમેરિકામાં બધું ઘડિયાળના કાંટા પર ચાલે છે. બધું એટલે બધું જ સમયસર હોય. સૂર્યોદય પણ સમયસર થાય અને સૂર્યાસ્ત પણ એકદમ સમયસર થાય. ઘરેથી નીકળવાનું પણ એકદમ ­­­સમયસર અને ઘરે પાછા આવવાનું પણ સમયસર. મતલબ કે તમારે ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલવાનું અને બધું સમયસર થવું જ જોઈએ, એમાં કંઈ ન ચાલે. આને માટે તમે વેલ ઑર્ગેનાઇઝ્‍ડ હોવા જોઈએ. અડધી મિનિટ પણ બગાડે નહીં અને અડધી મિનિટ પણ વેડફે નહીં. હવે તમે જ વિચાર કરો કે આમાં માણસ મંદિરે ક્યારે જાય અને ક્યારે તે પૂજાપાઠ

કરે? ક્યારે તે ભગવાનની આંખમાં આંખ મિલાવીને વાત કરે અને ક્યારે તે ભગવાનની અર્ચના કરે?

છે, એનો પણ જવાબ છે જ અને જવાબ છે, રવિવાર.

આવું બધું કામ રવિવારે કરવાનું. કારણ પણ છે એની પાછળ. સોમથી શુક્ર તમે કામ કરો છો. એક્ઝૅક્ટ શુક્રવારે સાંજે ૬ વાગ્યા સુધી તમારું કામ ચાલશે. આ સમયમાં તમે પુષ્કળ કામ કરશો, કામ સિવાયની કોઈ વાત પણ નહીં કરો અને બીજી કોઈ વાત પર ધ્યાન પણ નહીં આપો, પણ શુક્રવારે સાંજે ૬ વાગ્યા પછી કામની સામે નહીં જોવાનું. એ શુક્રવારની રાતથી તમારી પાર્ટી ચાલુ થશે, જે પાર્ટી તમારી શનિવારે મોડી રાત સુધી ચાલશે અને પછી તમે ઘરે આવી જશો અને કાં તો ઘરે જ પાર્ટી હશે તો તમે એ પછી આરામ કરવા માટે ચાલ્યા જશો.

હવે વધ્યો રવિવાર.

રવિવારે આખું અમેરિકા આરામથી ફરવા નીકળ્યું હોય એમ ટોળામાં, બધા એકબીજા સાથે ચર્ચ પહોંચી જશે. પિકનિક સમજીને બધા નીકળી પડ્યા હોય, કોઈએ પોતાના કામને આગળ નહીં ધપાવવાનું અને કોઈએ બીજા એક પણ કામને પ્રાયોરિટી પણ નહીં આપવાની. હૉસ્પિટલમાં જો આધેડ વયની વ્યક્તિ દાખલ હોય તો એ વ્યક્તિનાં સગાંઓ નર્સને હવાલે એ આધેડને મૂકીને ચર્ચમાં જાય પણ જાય એટલે જાય જ અને હા, એમાં પણ પાછો નિશ્ચિત સમય તો હોય જ. સવારે ૯ વાગ્યે ચર્ચ આવી જવાનું. સિમ્પલ સિદ્ધાંત છે એ લોકોનો, સરળ સંબંધ છે તેમનો

ભગવાન સાથેનો.

ભગવાન, અમારે તારું બહુ કામ છે અને બહુ બધું માગવાનું છે અને અમને માનસિક શાંતિ પણ જોઈએ છે, પણ હા, આ બધું માગવા માટે અમે આવીશું રવિવારે, ફક્ત રવિવારે. કેમ? તો કહે, અમારે ત્યારે જ રજા હોય છે, અમને એ જ દિવસે નિરાંત હોય છે, અમને ત્યારે જ અનુકૂળતા આવે છે એટલે અમે ત્યારે જ આવવાનું પસંદ કરીએ છીએ. જરા વિચાર તો કરો કે અહીંનો ભગવાન પણ કેટલો ફ્રી રહેતો હશે. આખું અઠવાડિયું કોઈ હેરાન કરવા કે માગણી કરવા આવે જ નહીં, કોઈ મદદ માગે નહીં અને માગવાનું કામ કરે તો એ દિવસ માત્ર ને માત્ર રવિવાર જ હોય. હા રવિવારે અહીંનો ભગવાન થાકતો હશે એ પણ એટલું જ પાક્કું.

આપણા ભારતીયો પણ અમેરિકા જઈને અમેરિકનો જેવા જ થઈ ગયા છે. આપણા જે ભાઈઓ ભારતમાં દારૂ પીતા નહોતા, નૉન-વેજ તો દૂર, ક્યારેય કાંદા-લસણ પણ નહોતા ખાતા તેઓ અમેરિકા જઈને તરત જ બદલવા માંડે છે. અહીંની હવા જ એવી છે કે એ માણસને બદલી નાખે છે. કોઈ જાતના નક્કર કારણ વિના માત્ર ને માત્ર દેખાદેખીમાં જ તે આ બધી આદતો અપનાવી લે છે. આપણે શું જરૂર છે માંસ ખાવાની કે પછી દારૂ પીવાની? અમેરિકામાં પણ ફૂડના અઢળક ઑપ્શન છે તો પછી શું વાંધો છે, શું કામ આવી નૉન-વેજની આદત પાડવાની. આજે પણ મને એ નથી સમજાઈ રહ્યું કે કયા કારણે આપણા ભારતીયો અહીં આવીને પોતાની લાઇફ-સ્ટાઇલ બદલી નાખે છે અને એ લોકો જેવા થઈ જાય છે પણ મને એક વાત થોડી-થોડી સમજાઈ છે.

ભગવાનની ગેરહાજરી. ૬ દિવસ તો ભગવાન તમારી લાઇફમાંથી ગેરહાજર રહે છે એટલે તેની બીક રહેતી નથી. ભગવાન પાસે અઠવાડિયામાં એક વાર જવાનું છે એટલે ત્યારે માફી પણ માગી લેવાની છે અને ત્યારે જ તેમની પાસે ડિમાન્ડ પણ કરી દેવાની છે. એ જ દિવસે ભગવાન પાસે અરજીઓ પણ મૂકી દેવાની છે અને એ જ દિવસ ભગવાન પાસે વિનંતીઓ પણ કરી દેવાની છે. લડવું હોય તો પણ રવિવાર અને રડવું હોય તો પણ રવિવાર. હું કહીશ કે એવું શું કામ કરવાનું, રવિવારે આ લોકો ચર્ચમાં જાય ત્યારે જ આપણે મંદિરમાં જઈને પૂજાપાઠ કરી લઈએ એને બદલે આ લોકોને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમને દરરોજ ચર્ચમાં જતા કરવા જોઈએ. અમુક અમેરિકનો તો મેં જોયા કે એ લોકોના તો ઘરમાં પણ મંદિર જેવું કાંઈ હોતું નથી, જીઝસનો ફોટો સુધ્ધાં ન હોય અને એનો પેલો પૉપ્યુલર ક્રૉસ પણ ક્યાંય દેખાય નહીં. હા, મોટા ભાગના લોકોના ગળામાં હીરાજડિત ક્રૉસ ટિંગાતો હોય, પણ એનાથી આગળ કંઈ નહીં. આભડછેટ જેવું પણ કાંઈ નહીં અને અસાધના જેવું પણ કાંઈ નહીં. માન્યું કે કેટલીક બાબતોમાં એ લોકોને ફૉલો કરવાની જરૂર છે, પણ એ સારી બાબતો પૂરતું જ સીમિત રાખવાની જરૂર છે. બધી વાતોમાં એની દેખાદેખીમાં પડવાની જરૂર નથી. જે રીતે એ લોકો તમને બદલી રહ્યા છે એ રીતે બદલાવાને બદલે બહેતર છે કે તમે એને ચેન્જ કરો, તમારી આદતને પકડી રાખશો તો એ લોકો પણ તમારી સાથે ચેન્જ થવા તૈયાર થશે. આપણી સાથે તેમની પણ ખરાબ આદતો બદલાશે. અમેરિકામાં હાઇવે પર ફૂડ-મૉલ હોય છે, એમાં આપણા ઇન્ડિયન કે પછી કહોને આપણા ગુજરાતીના ફૂડ-મૉલમાં પણ નૉન-વેજ મળતું જ હોય છે. તમે પૂછો તો ખબર પડે કે એ લોકો અમેરિકા આવ્યા એ પહેલાં નૉન-વેજ જોતા પણ નહોતા અને હવે ત્યાં એ લોકો પોતાના મૉલમાં કે મોટેલમાં વેચે છે, પણ આ જ ખોટું છે. અમેરિકનોને પણ શાકાહારી ફૂડ ભાવે જ છે, પણ આપણે જ તેમને વહાલા થવા કે પછી તેમની ગુડબુકમાં રહેવા માટે નૉન-વેજ સામેથી બનાવવા માંડ્યા અને પછી આપણે પોતે એ રસ્તે આવી ગયા. તમે માનશો નહીં, પણ અમેરિકાની જેટલી પણ ફૂડ-ચેઇન છે એ બધી શરૂઆતમાં ફક્ત અને ફક્ત નૉન-વેજ ફૂડ બનાવતી, પણ ઇન્ડિયામાં આવવા માટે તેમણે વેજ ફૂડ શરૂ કર્યું. મેક-બર્ગર, સબવેની વેજ સૅન્ડવિચ અને બીજી સૅન્ડવિચ પણ એવી જ રીતે બનવાની શરૂ થઈ. આપણું ફૂડ રિયલમાં અમેરિકનોને ખૂબ ભાવે છે અને મેં તો પોતે એ જોયું છે. થેપલાં અને ખમણ તો મેં જ મારા હાથે અમેરિકનને ખવડાવ્યાં છે અને એ પણ તેમણે ડિમાન્ડ કરી હોય એ પછી. આ જ કામ આપણી પ્રજાએ પણ કરવાનું છે. માન્યું કે એ લોકોનો ટેસ્ટ જુદો છે, પણ જો એ ટેસ્ટને કેળવવાનું કામ થાય તો એ ૧૦૦ ટકા અસરકારક બનશે.

અમેરિકામાં હું હતો ત્યારે એક હાઇવે પર મેં રોડની બન્ને બાજુએ મોટાં ખેતરો જોયાં હતાં. એ ખેતરોમાં ખૂબ બધી ગાયો હતી. હું તો એ જોઈને રાજી થયો કે જો આટલી બધી તંદુરસ્ત ગાયો હોય તો એનું દૂધ કેવું પૌષ્ટિક હશે અને એની માત્રા પણ કેટલી વધારે હશે, દૂધની કેટલી બાયપ્રોડક્ટ પણ બનતી હશે. કહોને મને એવું જ લાગ્યું હતું કે ખરેખર અહીં તો દૂધની ગંગા વહે છે, પણ એક લોકલ વ્યક્તિએ મને કહ્યું કે આ બધી ગાયોને કસાઈ પાસે મોકલવાની છે. હું શૉક થઈ ગયો હતો. એ દિવસે મને ખબર પડી કે અમેરિકામાં ગાયની પણ ખેતી થાય છે. સરળ રીતે સમજાવું તમને.

તમારે ગાય ખરીદવાની, ૫૦૦ ડૉલરમાં તમને બચ્ચું મળે. તમારે એને મોટી કરવાની, તાજીમાજી અને તંદુરસ્ત કરવાની અને એ પછી મેડિકલ સર્ટિફિકેટ સાથે બે વર્ષ પછી એ ગાય વેચી દેવાની. ૫૦૦ ડૉલરમાં ખરીદેલી ગાય બે વર્ષ પછી ૫૦૦૦ ડૉલરમાં વેચાય, જેને કસાઈ ખરીદે અને પછી એને મારીને એ લોકો બીફ વેચે. અમેરિકામાં આ જ પર્પઝથી ગાયનો બિઝનેસ થાય છે. અમેરિકાના નૉન-વેજથી જો તમને ધ્રુજારી છૂટતી હોય તો તમારે થાઇલૅન્ડ, હૉન્કૉન્ગ, ચાઇના કે જપાન તો જવું જ ન જોઈએ. આ દેશોની ખાણીપાણી જોયા પછી તો તમને રીતસરના ઊબકા આવી જાય. એના વિશે વાત કરવાનું મન પણ નથી થઈ રહ્યું. આજે આપણી આખી પૃથ્વી જે પ્રકારની તકલીફ ભોગવી રહી છે એની પાછળ બીજું કોઈ કારણ જવાબદાર નથી, માત્ર આ ખાવાની બદલાઈ રહેલી પૅટર્ન છે. ખાવાની બદલાઈ રહેલી પૅટર્ન સામે સૃષ્ટિ બદલો લે છે અને આપણે એના એકેક ઘા સહન કરવા પડે છે. આશા રાખીએ કે કોવિડ-19 પછી હવે આપણે સુધારાની દિશામાં આગળ આવ્યા હોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK