કોરોનાનું હોવું અને ન હોવું!

Published: 27th September, 2020 17:38 IST | Dr Dinkar Joshi | Mumbai

કોઈ જીવાત્મા કાયમી નથી, ક્યારેક ને ક્યારેક સૌકોઈએ જવાનું છે, મૃતદેહ બનવાનું છે. બીજાના મૃતદેહ પાસે ઊભા રહીને ઘડીક એ જ વિચારવાનું છે કે આ જીવાત્માને મૃતદેહ બનાવી દેવામાં ક્યાંક અને ક્યાંક, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપે પોતાનું તો કંઈ યોગદાન નથીને?

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અખબારોના પાના પર રોજ સવારે આપણે કોરોનાથી સંક્રમિતોની સંખ્યાના આંકડા વાંચીએ છીએ. અમેરિકામાં સાઠ લાખ થયા કે ભારતમાં પચાસ લાખ થયા. બ્રિટનમાં આ સંખ્યા અમુક તમુક લાખની થઈ કે પછી બ્રાઝિલમાં આ આંકડો અમુક લાખનો થયો. મરનારાઓન સંખ્યા આટલી થઈ અને સાજા થનારાઓની સંખ્યા આટલી રહી. આ બધા આંકડા લાખોમાં છે અને આ લખાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે એ સંખ્યા કરોડે પહોંચી ગઈ હશે. આ અસંખ્ય કહેવાય એવી સંખ્યા વાંચીને તરત જ એવું થશે કે આનાથી કેટલા બધા માણસો પીડિત થયા, કેટલા બધા માણસો દુખી અને વ્યથિત થયાં, અનાથ થયા, કેટલું બધું અર્થતંત્ર અવ્યવસ્થિત થયું. સમાજજીવન કેટલું બધું વેરવિખેર થયું. આ બધા વિચારો આ આંકડાને જોતાવેંત આપણને આવે, પણ આ આંકડા અખબારોમાંથી બહાર નીકળીને આપણા આંગણામાં ઉંબરા પર ઊભા રહે ત્યારે આ બધા શૈક્ષણિક વિચારો અલોપ થઈ જાય છે. હવે આ આંકડા વાસ્તવિક વિશ્વ બનીને આપણી સામે જોઈ રહ્યા છે.

હવે આ આંકડા અનુભૂતિ બને છે. આ અનુભૂતિ એટલે આપણું જે સ્વજન આ આંકડામાં અટવાઈને ઉંબરાની બહાર નીકળી ગયું એની સાથેનો સંબંધ શરૂ થઈ જાય છે. પ્રત્યેક મૃત વ્યક્તિ જ્યારે આપણી સામે આવે છે ત્યારે તેની સામે જોતાવેંત માણસ શું વિચાર કરે છે એ કહેવું મુશ્કેલ છે. બનવાજોગ છે કે દરેક માણસ એકસરખો વિચાર ન પણ કરે. મરનાર વ્યક્તિ મૃત અવસ્થામાં જ્યારે સામે ઊભેલા સજીવ સાથે આંખ મેળવે છે ત્યારે એની આંખમાં એક ફરિયાદ હોય છે, ‘ભૂલી ગયા, હજી ગયા અઠવાડિયે હું તમારી પાસે આવ્યો હતો, એક દવા લેવા માટે થોડા પૈસાની જરૂર હતી, પણ તમે નહોતા આપ્યા.’ આ વાત અહીં પૂરી થાય છે, પણ તરત જ તમારા મનમાં પ્રશ્ન પણ થાય કે જો આ રૂપિયા મેં તેમને આપ્યા હોત તો એનાથી ખરીદાયેલી દવાને કારણે તે આજે મડદું ન બન્યા હોત, કદાચ જીવંત પણ હોત અને એ રીતે તેમને જિવાડવાનો યશ તમને મળ્યો હતો.

મરનાર વ્યક્તિ જ્યાં સુધી ભસ્મીભૂત થતી નથી ત્યાં સુધી બધા જ ડાઘુઓને દેખાતી હોય છે. બધા જ ડાઘુઓ તેને ધારીધારીને જોતા હોય છે. આ રીતે જોતા હોય છે ત્યારે દરેકના મનમાં મૃતદેહ જે ફરિયાદ કરતો હોય છે એ સંભળાતી હોય છે. મૃતદેહ જાણે તેના કાનમાં કહેતો હોય છે, ‘મને વધારે તમે જ જીવવા દીધો નથી અને હવે મારા અંતિમ સંસ્કારના નામે આ શું કરી રહ્યા છો? જ્યારે એ કરવા જેવું હતું ત્યારે એ કેમ નહોતું કર્યું?’

હજી થોડાં વર્ષ પહેલાં જ ઈરાન-ઇરાક વચ્ચે જે આંતરયુદ્ધ થઈ રહ્યું હતું એમાં એક વિદેશી ફોટોગ્રાફરે લીધેલી એક તસવીર દુનિયાભરમાં ખૂબ પ્રસિદ્ધ થઈ હતી. બનવાજોગ છે, તમે કદાચ એ જોઈ પણ હોય. યુદ્ધ અને પરસ્પર સંહારને કારણે સુદાનમાં જે ભૂખમરો વ્યાપી ગયો અને લોકોએ જીવ બચાવવા જે નાસભાગ કરી એમાં એક બાળક ભૂખમરાથી પીડિત હાડ‌પિંજર જેવી કંગાળિયત સાથે આંખ ફાડીને ટુકડો રોટીની પ્રતીક્ષા કરી રહ્યું છે. આ બાળક થોડી જ વારમાં મરી જવાનું છે એવી અપેક્ષાથી એક ગીધ તેને તાકી રહ્યું છે. સુદાનના આ ફોટોગ્રાફરે દૂરથી આ દૃશ્ય જોયું અને આ ભૂખ્યું બાળક અને ભૂખ્યા ગીધ આ બન્નેનો ફોટોગ્રાફ તેણે લઈ લીધો. આ ફોટોગ્રાફને આંતરરાષ્ટ્રીય પ્રસિ‌દ્ધિ મળી અને આ ફોટોગ્રાફરને પુલિત્ઝર પારિતોષિક પણ મળ્યું. પુલિત્ઝર પારિતોષિકના પ્રસંગે એક પત્રકારે આ ફોટોગ્રાફરને પૂછ્યું, ‘તમે આ ફોટોગ્રાફ તો લીધો, પણ ફોટોગ્રાફના કેન્દ્રમાં પેલું ભૂખ્યું બાળક છે. ફોટોગ્રાફ લીધા પછી આ બાળકનું શું થયું એ વિશે તમે કંઈ કહેશો? ફોટોગ્રાફરે જવાબમાં કહ્યું, ‘તે બાળકનું શું થયું એ હું જાણતો નથી. મારે અડધો કલાક પછી વિમાન પકડવાનું હતું એટલે હું ત્યાંથી તરત રવાના થઈ ગયો.’ પેલા પત્રકારે બીજો પ્રશ્ન કર્યો, તમે ત્યાંથી રવાના થયા ત્યારે ત્યાં કેટલાં ગીધ હતાં?’ ફોટોગ્રાફરે એનો સીધો અને સરળ જવાબ આપ્યો, ‘એક જ ગીધ હતું.’ પત્રકારે સહેજ હોઠ કચડીને ધીમેથી કહ્યું, ‘ના, તમે ભૂલો છો, ત્યાં બે ગીધ હતાં. એકના હાથમાં કૅમેરો હતો અને બીજું કૅમેરા વિનાનું હતું.’ પેલો ફોટોગ્રાફર આ થોડાક શબ્દોમાં રહેલી ‌વક્રોક્તિ સમજી ગયા. માણસ તરીકે તેણે જે કરવું જોઈતું હતું એ કામ એ વખતે તે કરી શક્યો નહોતો. તેનો વ્યવસાય ફોટોગ્રાફરનો હતો અને વ્યાવસાયિક ધોરણે તેણે જે દૃશ્ય જોયું હતું એ ભારે સોસરવું ઊતરી જાય એવું હતું. સાંપ્રત પરિસ્થિતિમાં એક માણસ કરતાં એક ફોટાગ્રાફર તરીકે તેણે એ ક્ષણે પેલા બાળકની ભૂખ કરતાં પોતાની ફોટોગ્રાફર તરીકેની સિદ્ધિનો વિચાર કર્યો. માણસ તરીકે તેના ચિત્તમાં આ હાડપિંજર જેવા ભૂખ્યા, તરસ્યા બાળકને ભોજન પહોંચાડવાની ફરજ બજાવવી જોઈતી હતી, તેનો માનવધર્મ પરાજિત થયો અને વ્યાવસાયિક-ધર્મ વિજેતા થયો.

ફોટોગ્રાફરને આ વિચારમાત્રથી ભારે આઘાત લાગ્યો અને ૩૩ વર્ષના આ યુવાન ફોટોગ્રાફરે પોતાની આ નિષ્ફળતાનો આઘાત સહન નહીં કરી શકવાને કારણે આત્મહત્યા કરી લીધી.

પ્રત્યેક મરણ વખતે મૃતદેહની આસપાસ અંતિમ ક્રિયા માટે એકત્રિત થયેલા સ્નેહી, સ્વજનોએ આ ફોટોગ્રાફરના આત્મા સાથે પોતાનો આત્મા ઘડીક સાંકળી લેવા જેવો છે. કોઈ જીવાત્મા કાયમી નથી, ક્યારેક ને ક્યારેક સૌકોઈએ જવાનું છે, મૃતદેહ બનવાનું છે. બીજાના મૃતદેહ પાસે ઊભા રહીને ઘડીક એ જ વિચારવાનું છે કે આ જીવાત્માને મૃતદેહ બનાવી દેવામાં ક્યાંક અને ક્યાંક, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપે પોતાનું તો કંઈ યોગદાન નથીને? આ વિચાર કદાચ અંતિમ કક્ષાનો લાગે, પણ એ શ્રી અરવિંદ ઘોષ, બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનાં વિઘાતક અને ક્રૂર ‌હિંસાત્મક વલણ સામે કહ્યું હતું એમ હિટલરના વિચારોમાં મારો પણ ફાળો છે. શ્રી અરવિંદ એવું માનતા કે દુનિયામાં જે કંઈ બને છે એ પરસ્પરથી એવું સંકળાયેલું છે કે કોઈ પણ ક્રિયાને બીજા બધાથી સાવ ભિન્ન કરીને જોઈ શકાય નહીં.

માણસના અસ્તિત્વનું સ્થૂળ અર્થમાં વિલોપન થાય છે ત્યારે આપણે માણસ હતો ન હતો થઈ ગયો એવો શબ્દપ્રયોગ તેના માટે કરીએ છીએ. માણસ જ્યારે હતો એટલે કે તેનું હોવું એ જ્યારે હતો ત્યારે આપણે નોંધ્યું હતું ખરું? એક બૂટ-પૉલિશવાળો શેરીના નાકા પર સવારથી સાંજ સુધી બેસે છે, આપણે દિવસમાં ચાર વાર આ નાકા પાસેથી પસાર થઈએ છીએ, પણ તેના હોવાની‌ આપણે ક્યારેય નોંધ લેતા નથી. એ જ રીતે થોડેક દૂર ચોકમાં સરસમજાનું વૃક્ષ ઊભેલું છે અને અહીંથી દિવસમાં ચાર વાર આપણે પસાર થઈએ છીએ, પણ એકેય વાર આ વૃક્ષની શાખાઓ, એના પર લહેરાતાં સરસમજાનાં પર્ણો, શાખાઓ પર ઊડાઊડ કરતાં પક્ષીઓ આ કશાની આપણે આવતાજતા એકેય વાર નોંધ લેતા નથી, પણ શેરીના નાકા પર બેઠેલો મોચી જે દિવસે ત્યાં નથી બેસતો અથવા તો ચોકમાં ઊભેલું આ વૃક્ષ ત્યાંથી પડી જાય છે, બીજા દિવસે આ શેરીના નાકા પાસેથી કે આ ચોક પાસેથી પસાર થતી વેળાએ આપણને સૂનું-સૂનું લાગે છે. આ સૂનકાર શેનો છે એની જ પહેલાં તો ખબર પડતી નથી. સૂનકારની પ્રતીતિ થાય છે. આપણા અસ્તિત્વમાંથી જ કશુંક ખરી ગયું હોય એમ લાગે છે, પણ જે હતું એ ન હતું થઈ ગયું એ શું છે એ તરત જ જડતું નથી. આ જે હતું એ ન હતું થઈ ગયું, છે એ નથી થયું અને આ ખાલિપા સાથેના નવા હોવાથી પણ આપણે થોડા સમયમાં ટેવાઈ જઈએ છીએ. હવે આ નથી એ જ છે એમ લાગવા માંડે છે.

કોરોનાથી કશુંક હતું ન હતું થયું. આ કોરોના માત્ર એક વૈશ્વિક મહામારી હોય ત્યાં સુધી એ શિક્ષણ છે, એક ચર્ચા છે, એ પરસ્પર આવા કાળમાં શું થઈ શકે એવો બૌદ્ધિક મુદ્દો છે, પણ આ કોરોના ઉંબરાને આંબી જાય છે ત્યારે માત્ર ખાલીપો અને ખાલીપો જ છે. આવા વખતે કોરોના કક્કાનો ‘ક’ નથી, પણ છેલ્લો અક્ષર ‘જ્ઞ’ છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK