Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : જેની રાહ જોવાતી હતી એ પ્લાઝમા થેરપીની ડિમાન્ડ સાવ ઓછી છે

મુંબઈ : જેની રાહ જોવાતી હતી એ પ્લાઝમા થેરપીની ડિમાન્ડ સાવ ઓછી છે

22 July, 2020 07:00 AM IST | Mumbai
Arita Sarkar

મુંબઈ : જેની રાહ જોવાતી હતી એ પ્લાઝમા થેરપીની ડિમાન્ડ સાવ ઓછી છે

પ્લાઝમા થેરપી

પ્લાઝમા થેરપી


કોરોના ઇન્ફેક્શનની સારવારમાં પ્લાઝમા થેરપીની સારવાર અસરકારક હોવાનું જાણ્યા પછી એની બે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. એ ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામ આવે ત્યાર સુધી ઇમર્જન્સી કેસમાં ઑફ્ફ લેબલ (આઉટસાઇડ ક્લિનિકલ ટ્રાયલ્સ) પ્લાઝમા થેરપીના વપરાશની છૂટ નિયમો હેઠળ આપવામાં આવી છે. એ નિયમાનુસાર જોગવાઈ હેઠળ પ્લાઝમા થેરપીને ઝાઝો પ્રતિસાદ મળતો નથી. પ્લાઝમા થેરપી મોંઘી નહીં હોવાને કારણે પ્રાઇવેટ હૉસ્પિટલો એને અપનાવતી નહીં હોવાનું કહેવાય છે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘અત્યાર સુધીમાં પચીસ દરદીઓની પ્લાઝમા થેરપીથી સારવાર કરવામાં આવી એમાંથી ફક્ત એક દરદી મૃત્યુ પામ્યો છે. અન્ય તમામ સાજા થયા છે. પ્લાઝમા ડોનેટ કરવાનો હોય છે. એ પ્રક્રિયા ઝાઝી ખર્ચાળ નહીં હોવાથી પ્રાઇવેટ હૉસ્પિટલોને ખાસ કોઈ કમાણી થતી નથી. સરકારી હૉસ્પિટલોમાં આ થેરપીથી સાજા થયેલા દરદીઓની સંખ્યા મોટી છે. અમે પ્રાઇવેટ હૉસ્પિટલોને એ ડિસ્ચાર્જ થયેલા દરદીઓની કૉન્ટૅક્ટ ડિટેઇલ્સ આપી શકીએ છીએ. જે રીતે શક્ય હોય એ રીતે મદદ કરવા અમે તૈયાર છીએ.’



ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (ICMR) અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ પ્લેટિના હેઠળ એમ બે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલે છે, પરંતુ કોરોના ઇન્ફેક્શનનો મરણાંક સતત વધી રહ્યો હોવાથી ડિરેક્ટોરેટ ઑફ મેડિકલ એજ્યુકેશન અૅન્ડ રીસર્ચ(DMER)ના હોદ્દેદારોએ પ્લાઝમા થેરપીના ઑફ્ફ લેબલ વપરાશની છૂટ આપી હતી. ૨૯ જૂને તીવ્ર લક્ષણો ન હોય અને દવાઓના ઉપયોગથી તબિયતમાં ફેર ન પડતો હોય એવા દરદીઓની સારવારમાં પ્લાઝમા થેરપી અજમાવવાની પરવાનગી DMER તરફથી આપવામાં આવી હતી. ઑફ્ફ લેબલ યુઝ માટે મંજૂરીની જરૂર નથી હોતી. એ થેરપી અપનાવતી પ્રાઇવેટ હૉસ્પિટલોએ રાજ્ય સરકાર અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને જાણ કરવાની રહે છે.


પ્લાઝમા થેરપીના ઑફ્ફ લેબલ યુઝ માટે માંડ પચીસથી ત્રીસ અરજીઓ મળી હોવાનું DMERના અધિકારીઓએ જણાવ્યું હતું. સૈફી, ભાટિયા, ગ્લોબલ અને ફોર્ટિસ હૉસ્પિટલોએ પ્લાઝમા થેરપીનો ઉપયોગ કર્યો નથી. પ્લાઝમા થેરપીના વપરાશ બાબતે હિન્દુજા, જસલોક, રિલાયન્સ અને નાણાવટી હૉસ્પિટલોએ કોઈ કમેન્ટ કરી નહોતી. વોકાર્ટ હૉસ્પિટલમાં પ્લાઝમા થેરપીના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડૉ. બહેરામ પારડીવાલાએ જણાવ્યું હતું કે ‘કેટલાક દરદીઓને દવાઓ લાગુ પડતી નહોતી એટલે એમને સહાનુભૂતિના ધોરણે પ્લાઝમા થેરપી આપવામાં આવી હતી. તેઓ સાજા થયા છે. જે દરદીઓને શ્વાસ રુંધાવાની સાધારણ તકલીફ હોય અને ઑક્સિજન સેચ્યુરેશન ઘટતું હોય એમને પ્લાઝમા થેરપીથી લાભ થાય છે.’

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે બાળકોમાં દેખાય છે નવી બીમારીના લક્ષણો, ચિંતામાં વધારો


લીલાવતી હૉસ્પિટલમાં ત્રણ દરદીઓના ઉપચારમાં પ્લાઝમા થેરપી વપરાઈ હતી. એમાંથી બે દરદીઓ સાજા થયા અને એક દરદી મૃત્યુ પામ્યો હતો. લીલાવતી હૉસ્પિટલના પલ્મોનોલૉજિસ્ટ ડૉ. જલીલ પારકરે જણાવ્યું હતું કે ‘પ્લાઝમા થેરપીનાં પરિણામો આશ્ચર્યજનક છે, પરંતુ એની અસરકારકતા દરેક દરદી માટે જુદી જુદી હોય છે. દરદીની સ્થિતિ કેટલી ઝડપથી કથળી રહી છે અને એને અન્ય બીમારીઓ કેવી અને કેટલા પ્રમાણમાં છે એની વિચારણા કરીને અમારે નિર્ણય લેવાનો હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 07:00 AM IST | Mumbai | Arita Sarkar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK