15 ઑગસ્ટે લૉકડાઉનથી રંગભૂમિને આઝાદી?

Published: Jul 29, 2020, 07:28 IST | Rashmin Shah | Mumbai

હા, અનલૉક 3.0ની તૈયારી ચાલુ થઈ ગઈ છે ત્યારે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ મલ્ટિપ્લેક્સ પહેલાં ઑડિટોરિયમને અનલૉક કરવાની સંભાવના પર કામ કરી રહી છે, જેથી માત્ર થિયેટર પર જીવતા આર્ટિસ્ટોને રાહત મળે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

લૉકડાઉન પછી શરૂ થયેલી અનલૉક સિરીઝમાં દેશ જ્યારે ત્રીજા ફેઝમાં એન્ટર થવા જઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ મલ્ટિપ્લેક્સ પહેલાં ઑડિટોરિયમ ખોલવાની સંભાવના પર વિચારણા કરી રહી છે અને એ માટેનું મુખ્ય કારણ થિયેટર-આર્ટિસ્ટ છે. મરાઠી થિયેટર સાથે સંકળાયેલા મોટા ભાગના કલાકારો માત્ર થિયેટર પર આધારિત છે તો સાથોસાથ ગુજરાતી થિયેટર આર્ટિસ્ટનું પણ એવું જ છે. આ આર્ટિસ્ટનું કામ શરૂ થાય અને તેમનો જીવનનિર્વાહ આગળ વધે એવા હેતુથી ગવર્નમેન્ટ આ દિશામાં વિચારી રહી છે તો સાથોસાથ એ પણ હકીકત છે કે મલ્ટિપ્લેક્સ કરતાં ઑડિટોરિયમનું એક સીમિત ક્રાઉડ છે જેને લીધે ઑડિટોરિયમના શો પણ મર્યાદિત હોય છે એટલે ધીમી શરૂઆતનો નિયમ પણ અહીં આપોઆપ લાગુ પડી શકે છે. જો દરરોજ એક જ શિફ્ટમાં કામ કરવામાં આવે તો પણ ઑડિટોરિયમ સૅનિટાઇઝ કરવા માટે પૂરતો સમય મળી રહે અને ધારો કે શનિ-રવિ પૂરતું જ ઑડિટોરિયમ ખોલવામાં આવે તો ઑડિટોરિયમના સંચાલક પાસે પાંચ દિવસ જેવો મોટો પિરિયડ મળી રહે, જેમાં આખું ઑડિટોરિયમ આરામથી સૅનિટાઇઝ થઈ શકે.

મલ્ટિપ્લેક્સમાં ત્રણથી ચાર સ્ક્રીન હોય છે, જેમાં કદાચ ઑડ-ઈવન ફૉર્મ્યુલા વાપરવામાં આવે અને એક સ્ક્રીનનો શો પૂરો થયા પછી જ બીજી સ્ક્રીનનો શો શરૂ કરવો એવી ગાઇડલાઇન સેન્ટ્રલ ગવર્નમેન્ટ વિચારી રહી છે એના પરથી ઑડિટોરિયમનો વિચાર આવ્યો અને એની અમલવારી પર વિચારણા તથા સંભાવના ચકાસવાનું કામ શરૂ થયું છે. જો બધું ક્ષેમકુશળ પાર પડ્યું અને તમામ પ્રશ્નોના જવાબ હકારાત્મક આવ્યા તો બની શકે કે પંદરમી ઑગસ્ટના સ્વતંત્રતા દિનથી રંગભૂમિને કોરોનામાંથી મુક્તિ મળી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK