Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: જૈન સાધુ-સાધ્વીઓએ 20 કિલોમીટર સુધી જ વિહારનો નિર્ણય લીધો

મુંબઈ: જૈન સાધુ-સાધ્વીઓએ 20 કિલોમીટર સુધી જ વિહારનો નિર્ણય લીધો

31 May, 2020 08:26 AM IST | Mumbai
Mumbai Correspondent

મુંબઈ: જૈન સાધુ-સાધ્વીઓએ 20 કિલોમીટર સુધી જ વિહારનો નિર્ણય લીધો

જૈન સાધુ-સાધ્વીઓ

જૈન સાધુ-સાધ્વીઓ


ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે જૈન ધર્મના સાધુ-સાધ્વી ભગવંતો અગાઉ નક્કી કરાયેલા સ્થળે ચાર મહિના સ્થિર થવા માટે વિહાર આરંભશે. જો કે આ વર્ષે કોરોનાનું સંકટ અને દેશભરમાં લૉકડાઉન હોવાથી તમામ સંપ્રદાયના સાધુ ભગવંતોએ અત્યારે તેઓ જ્યાં હોય ત્યાંથી ૨૦ કિલોમીટરના દાયરામાં શક્ય હોય એવા સંઘમાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં હમણાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા ભાગના સાધુ ભગવંતોએ વહેલો ચાતુર્માસ પ્રવેશ આરંભ્યો છે. રાજ્ય સરકારે લૉકડાઉનમાં જૈન સાધુ-સાધ્વી ભગવંતોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે માસ્ક પહેરીને સલામત રીતે વિહાર કરવાની છૂટ આપી છે.

શ્રી જવાહર નગર જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ, ગોરેગામ સંઘમાં અત્યારે સુરતમાં બિરાજમાન આચાર્ય શ્રી યશોવિજયસૂરિ મ.સા.નું ચોમાસું આ વર્ષે નક્કી કરાયું હતું, પરંતુ તેમણે અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને સુરતમાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.



આવી જ રીતે કોલ્હાપુરમાં કુંભોજગિરિ તીર્થની ૧૫૦ વર્ષની ઉજવણી કરવા ગયેલા આચાર્ય શ્રી અભયશેખરસૂરિ મ.સા.નું આ વર્ષનું ચોમાસું મુલુંડમાં નક્કી કરાયું હતું, પરંતુ તેમણે પણ આજના સંજોગમાં લાંબો વિહાર કરવાનું જોખમ ટાળીને કોલ્હાપુરમાં જ રહેવાનું નક્કી કર્યું છે.


ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્ય પૂ. પારસમુનિ મ.સા. વર્તમાન સમયે મુંબઈ ઘાટકોપરમાં બિરાજમાન છે. તેમનું ચોમાસું રાજકોટ નક્કી થયું હતું, પરંતુ આજના વિકટ સમયમાં ઘાટકોપરથી રાજકોટનો વિહાર સુરક્ષિત ન હોવાથી શ્રી રાજાવાડી સ્થાનકવાસી જૈન સંઘ ઘાટકોપરમાં બિરાજમાન થશે. તેઓ ૨ જૂનની સવારે ચાતુર્માસ પ્રવેશ કરશે.

શ્રી જવાહર નગર જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘ, ગોરેગામ સાથે સંકળાયેલા અલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ચાતુર્માસની વિનંતી એક વર્ષ પહેલાં કરાય છે, પરંતુ અમે આચાર્ય શ્રી યશોવિજયસૂરિ મ.સા.ને બે વર્ષ પહેલાં ગોરેગામમાં પધારવાની વિનંતી કરી હતી. તેમણે ઇચ્છા દર્શાવી હતી, પરંતુ તેઓ પાલિતાણાથી સુરત સુધી પહોંચ્યા ત્યારે જ લૉકડાઉન થતાં ત્યાં જ રોકાઈ ગયા છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે તમામ સંપ્રદાયના સાધુ ભગવંતોએ લાંબો પ્રવાસ કરવાને બદલે ૨૦ કિલોમીટરના દાયરામાં જ આ વખતે વિહાર કરીને ચાતુર્માસ ગાળવાનો નિર્ણય લીધો છે.’


સાધુ-સાધ્વીના વિહાર વખતે સામાન્ય રીતે ૮થી ૧૦ વિહારસેવકો હોય છે, પરંતુ લૉકડાઉનને લીધે દૂરના સ્થળેથી આ સેવકોનું બધે પહોંચવું મુશ્કેલ હોવાથી ૩થી ૪ સેવકો જ વિહાર વખતે સાથે હોવાનું જાણવા મળ્યું હતું. બીજું, તાજેતરમાં પાલઘરમાં હિન્દુ સાધુઓની ટોળાએ હત્યા કરવાની ઘટના બનવાથી કેટલાક જૈન અગ્રણીઓએ સરકાર સમક્ષ વિહાર વખતે વિશેષ સુરક્ષાની માગણી કરી છે.

મુંબઈની જેમ ગુજરાત અને દેશભરમાં બિરાજમાન જૈન સાધુ-સાધ્વીઓ આ વર્ષે નક્કી થયેલાં સ્થળોએ વિહાર કરવાને બદલે તેઓ અત્યારે જ્યાં બિરાજમાન છે એની નજીકમાં જ ચાતુર્માસ કરવા એકાદ દિવસથી પ્રવેશ કરશે એવું જાણવા મળ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 08:26 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK