19 લાખ કરોડ, પાંચ મહિનામાં રીટેલ વેપારીઓનું આટલું અધધધ નુકસાન થયું

Published: Sep 06, 2020, 07:32 IST | Mumbai correspondent | Mumbai

દુકાનો તો ઊઘડી ગઈ પણ ગ્રાહકો ક્યાં? છેલ્લા પાંચ મહિનામાં દેશના રીટેલ વેપારીઓની કફોડી હાલત, ૧૯ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ

પાંચ મહિનામાં દેશના રીટેલ વેપારીઓની કફોડી હાલત
પાંચ મહિનામાં દેશના રીટેલ વેપારીઓની કફોડી હાલત

કોરોના મહામારીના કારણે લૉકડાઉનમાં ૮૦થી વધુ દિવસ દુકાનો બંધ રાખવી પડી હતી અને એ બાદ અનલૉકમાં ઑડ-ઇવન રીતે દુકાનો શરૂ કરાઈ હતી. ધંધાને રિસ્પૉન્સ મળી રહ્યો ન હોવાથી આ ફૉર્મ્યુલા પણ ચાલી નહોતી. અંતે વેપારીઓની માગણી ધ્યાનમાં લઈને બધા દિવસ દુકાનો ખોલવાનો આદેશ શાસન દ્વારા અપાયો હતો. એમ છતાં, આ મહામારીને કારણે છેલ્લા પાંચ મહિનામાં ભારતના રીટેલ વેપારમાં અંદાજે ૧૯ લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે, જેનું સીધું પરિણામ ઘરેલુ વ્યાપાર પર પડ્યું છે. લૉકડાઉન બાદ અનલૉકના ૩ મહિના થવા આવ્યા છતાં ભારતભરના વેપારીઓ ભારે આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે. દુકાનો ખોલીને એને શણગારીને દુકાનદારો અને સ્ટાફ બેઠો છે, પરંતુ ના બરાબર ગ્રાહકો આવી રહ્યા છે. એવામાં ઈ-કૉમર્સ કંપનીઓ પણ રીટેલ વેપારને મુશ્કેલીમાં મૂકી રહી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં આપેલા માલની રકમ ફેબ્રુઆરી-માર્ચ સુધી મળી જવી જોઈએ, એ રકમ હાલ સુધી બજારમાં મળી નથી, જેથી વેપારનું અસ્તિત્વ જ ડેન્જર ઝોનમાં આવી ગયું છે. મુંબઈના વેપારીઓ ત્રણેક મહિનાથી સ્ટાફને જેમ-તેમ બોલાવે છે, પરંતુ દુકાનોમાં ગ્રાહકો ના બરાબર હોવાથી આખો દિવસ દુકાનો ખોલીને ફક્ત બેસી રહેવું પડે છે.

રીટેલ વેપાર વિશે કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ) દ્વારા જાણવા મળ્યું હતું કે ‘ભારતભરનાં રીટેલ બજારમાં વિવિધ રાજ્યોનાં ૨૦ મુખ્ય શહેરોને ધ્યાનમાં લેવામાં આવે છે, કારણ કે આ શહેર રાજ્યોમાં સામાન વિતરણનાં મોટાં કેન્દ્ર છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, નાગપુર, રાયપુર, ભુવનેશ્વર, રાંચી, ભોપાલ, સુરત, અમદાવાદ વગેરેનો સમાવેશ છે. આ શહેરોથી વાતચીત કરીને આ આંકડો લેવામાં આવ્યો છે, જેના પરથી અંદાજ લગાડી શકાય છે કે ભારતમાં કોરોનાને કારણે વેપાર પર કેવી ગંભીર અસર થઈ છે, જે હાલમાં તો સંભાળી શકાય એમ નથી. રીટેલ વેપાર બધી બાજુએથી માર વેઠી રહ્યો છે અને જરૂરી પગલાં ન લેવાયાં તો ૨૦ ટકા જેટલી દુકાનો બંધ કરવા પર મજબૂર થવું પડશે અને એનાથી મોટી સંખ્યામાં બેરોજગારી વધી શકશે.’

વેપારીઓને કયા મહિનામાં કેટલું નુકસાન?

મહિનો ઘરેલુ વ્યાપારમાં અંદાજે નુકસાન
એપ્રિલ પાંચ લાખ કરોડ રૂપિયા
મે સાડાચાર લાખ કરોડ રૂપિયા
જૂન (અનલૉક બાદ) ચાર લાખ કરોડ રૂપિયા
જુલાઈ ૩ લાખ કરોડ રૂપિયા
ઑગસ્ટ ૨.૫ લાખ કરોડ રૂપિયા

સામાન્ય નાગરિકો કોરોનાને કારણે ભયભીત થઈ ગયા હોવાથી સ્થાનિક ગ્રાહક બજારમાં આવી રહ્યા નથી, જ્યારે એવા લોકો જે પાડોશી રાજ્યોમાં સામાન ખરીદે છે તે લોકો પણ મહામારીને કારણે ભયથી અને અન્ય રાજ્યોમાં જવા વાહનવ્યવહાર, રેલવે-સેવા પણ મળી રહી ન હોવાથી બજારમાં આવી શકતા નથી. કૅઇટના પદાધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારથી આગ્રહ કર્યો છે કે વેપારીઓની સ્થિતિ જોઈને રીટેલ વેપારને ફરીથી સ્થાપિત કરવા જરૂરી પગલાં લે. જો ૨૦ ટકા દુકાનો બંધ થઈ ગઈ તો દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે તેમ જ રાજ્યનું આર્થિક બજેટ પણ એકદમ હલી જશે. એથી કેન્દ્રના ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણનો આગ્રહ છે કે વેપારીઓ પર વ્યાજ દેવાનો દબાવ બૅન્કો દ્વારા ન નાખવામાં આવે અને એ માટે બૅન્કોને જાણ કરવી જરૂરી છે તેમ જ અન્ય ક્ષેત્રની જેમ રીટેલ વેપારીઓની પાસે પણ વ્યાજ ન લેવું અને પૅનલ્ટી ન લગાડે એવી પણ માગણી છે.

થાણે-વેસ્ટમાં લેડીઝ સાડી અને ડ્રેસ-મટીરિયલની પટેલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની વિવિધ ત્રણ દુકાન ધરાવતા વિનય શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રીટેલના વેપારીઓની ખરા અર્થમાં બહુ હાલત થઈ છે. હાલમાં ૭૫ ટકાથી પણ વધુ વેપાર ડાઉન છે. આખા દિવસમાં ગણીને ફક્ત ૪થી ૫ ગ્રાહક આવે છે. બધી દુકાનમાં મળીને ૮૦નો સ્ટાફ છે, પરંતુ હાલમાં ૨૦ જ આવી શકે છે. તેમને પણ પગાર દેવો અઘરો થઈ ગયો છે. વેપારીઓની એવી હાલત છે કે પ્રૉફિટ તો જવા દો, પરંતુ મૂડી તોડીને કામ કરવું પડે છે. વાહનવ્યવહાર, રેલવે જ્યાં સુધી ખૂલશે નહીં ત્યાં સુધી ધંધો ચાલી શકે એમ નથી.’

બેલાપુરમાં રહેતા અને વાશી, મજિસ્દ બંદરમાં ઘી-તેલની દુકાન ધરાવતા તરુણ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું હોલસેલ અને રીટેલ બન્ને કામકાજ છે. ફક્ત ૨૫ ટકા જેટલો જ ધંધો ચાલી રહ્યો છે. એમાં પણ છેલ્લા ૧૫ દિવસથી તો એકદમ ધંધો ડાઉન થઈ ગયો છે. લૉકડાઉનના કારણે લોકો સ્ટૉક કરીને ઘરમાં રાખતા હતા, પરંતુ હવે તો એની પણ ડિમાન્ડ નથી. પૈસાનું રોલિંગ જ એકદમ ધીમું થઈ ગયું છે. ઘી-તેલ ખાવા-પીવાની વસ્તુઓ હોવા છતાં પણ આવી હાલત છે તો અન્ય ધંધાની હાલત વિશે અંદાજ લગાડી શકાય એમ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK