Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાઇ‍વેટ લક્ઝરી બસવાળાઓનો પ્રવાસીઓ સાથેનો ખેલ ખતરનાક

પ્રાઇ‍વેટ લક્ઝરી બસવાળાઓનો પ્રવાસીઓ સાથેનો ખેલ ખતરનાક

05 September, 2020 07:31 AM IST | Mumbai
Prakash Bambhrolia

પ્રાઇ‍વેટ લક્ઝરી બસવાળાઓનો પ્રવાસીઓ સાથેનો ખેલ ખતરનાક

તલાસરી પાસેની બૉર્ડર પર દરરોજ આવી રીતે સેંકડો પ્રાઇવેટ લક્ઝરી બસો ઊભી રાખી દેવાય છે.

તલાસરી પાસેની બૉર્ડર પર દરરોજ આવી રીતે સેંકડો પ્રાઇવેટ લક્ઝરી બસો ઊભી રાખી દેવાય છે.


મુંબઈ સહિત ગુજરાત અને દેશભરમાં કોરાનાના કેસ વધી રહ્યા હોવા છતાં કેટલાક લોકો થોડા રૂપિયા કમાવા માટે દરરોજ હજારો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાની ચોંકાવનારી માહિત મળી છે. ગુજરાત, રાજસ્થાન અને બીજાં રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતી લક્ઝરી બસના સંચાલકો ૨૪ પૅસેન્જરની પરમિશન હોવા છતાં બસમાં ૩૬થી ૪૦ મુસાફરોને બેસાડીને સોશ્યલ ડિસ્ટન્સિંગ ઉપરાંતના નિયમોનો ભંગ કરી રહ્યા છે. બુકિંગ કરાવનારાઓનાં નામ આરટીઓને સોંપેલા લિસ્ટમાંથી કાઢીને તેમને પ્રાઇવેટ કારમાં બેસાડીને બૉર્ડર ક્રૉસ કરાવતા હોવાથી તેમને કોરોનાના મુખમાં ધકેલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારના ત્રણથી ચાર લોકોનાં નામ બુકિંગ કરાવતી વખતે આપ્યાં હોવા છતાં એમાંથી એક કે બે જણનાં નામ જ બસવાળાઓ આરટીઓ ઑફિસમાં આપે છે એથી જેમનાં નામ લિસ્ટમાં ન હોય તેમને ગુજરાત-મહારાષ્ટ્રની હોટેલો પાસે બસમાંથી ઉતારી દેવાય છે. બસ-ડ્રાઇવર બસમાં ૨૪ જ પૅસેન્જર હોવાનું લિસ્ટ આરટીઓને દેખાડે છે. બસમાંથી ઉતારી દેવાયેલા મુસાફરોને પ્રાઇવેટ કારમાં ઠાંસી-ઠાંસીને ભરી દઈને બૉર્ડર ક્રૉસ કરાવીને મહારાષ્ટ્ર બાજુની ચારેક કિલોમીટર દૂર આવેલી હોટેલો પાસે કલાકો સુધી ઊભા રાખવામાં આવે છે. બસનું ચેકિંગ થયા બાદ તેઓ અહીં પહોંચે છે અને ત્યાર બાદ આ પૅસેન્જરોને ફરી પાછઝા એમાં ચડાવી દેવાય છે.



bus


લિસ્ટમાં જેમનાં નામ ન હોય તેમને આવી રીતે હોટેલોની બહાર ઊભા રખાય છે.

પરિવારના તમામ લોકોનાં નામ આઇડેન્ટિટી કાર્ડ સાથે આપ્યાં હોવા છતાં જેમનાં નામ ન હોય તેમને બૉર્ડર પહેલાં ઉતારી દેવા બાબતે કોઈ મુસાફર સવાલ કરે ત્યારે બસ-ડ્રાઇવરો તેમની સાથે ઝઘડો કરે છે અને કહે છે કે આરટીઓને ૩૬ નામ આપ્યાં હતાં, પરંતુ તેમણે ૨૪ મુસાફરોની જ પરવાનગી આપી હોવાથી અમે કંઈ ન કરી શકીએ. બસમાં બેસવું હોય તો બેસો, નહીં તો ચાલતી પકડો એવા જવાબ આપવાની સાથે મારામારી પર ઊતરી આવવાની પણ કેટલીક ઘટનાઓ દરરોજ બની રહી હોવાનું જાણવા મળ્યું છે.


એક પ્રવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેમનાં નામ બસના લિસ્ટમાં નહોતાં તેમને પ્રાઇવેટ કારમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. સવારના સમયે અસંખ્ય બસો બૉર્ડર પાસેની હોટેલોની બહાર ઊભી હતી એથી કારવાળાઓ અસંખ્ય લોકોને એમાં બૉર્ડર ક્રૉસ કરાવીને સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરીને લોકોને કોરોનાના મુખમાં ધકેલી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે બૉર્ડર પર બસ કે પ્રાઇવેટ કારનું કોઈ ચેકિંગ નથી થતું.

કલાકો સુધી ઊભા રખાય છે

મહારાષ્ટ્ર-ગુજરાત બૉર્ડરની બન્ને બાજુએ પ્રાઇવેટ કારમાં લોકોને બૉર્ડર ક્રૉસ કરવાનો ખેલ ચાલતો હોવાથી લોકોએ કલાકો સુધી અહીં ખુલ્લામાં ઊભા રહેવું પડે છે. બસની ટિકિટના પૂરા રૂપિયા આપ્યા બાદ બસવાળાઓ થોડા રૂપિયા કમાવા માટે આવી રીતે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

લિસ્ટ મુજબ જ પરમિશન અપાય છે

ગુજરાત ટ્રાન્સપોર્ટ કમિશનરેટના અસિસ્ટન્ટ ડિરેક્ટર અંકિત યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લક્ઝરી બસવાળાઓને કોવિડના નિયમ મુજબ ૨૪ પૅસેન્જર્સની જ પરમિશન અપાય છે. તેઓ જેટલા પૅસેન્જરોનું લિસ્ટ સંબંધિત આરટીઓ કે કલેક્ટર ઑફિસમાં આપે છે એ બધાને મંજૂર કરાય છે. અમારા તરફથી કોઈનાં નામ ઓછાં કે વધતાં કરાતા નથી. પ્રાઇવેટ બસવાળાઓ જો પૅસેન્જરોને અમારે કારણે હેરાન થવું પડી રહ્યું હોવાનું કહેતા હોય તો તેઓ ખોટું બોલી રહ્યા છે.’

આવું થતું હોવાની અમને ખબર નથી

થાણે આરટીઓના ઇન્ચાર્જ રવિ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડના નિયમ મુજબ પ્રાઇવેટ બસોમાં ૨૪ પૅસેન્જર્સની પરવાનગી અપાય છે. તેઓ બૉર્ડર પર વધારે બેસાડેલા પૅસેન્જરોને ઉતારીને કારમાં બૉર્ડર ક્રૉસ કરાવતા હોય તો એની અમને ખબર નથી. આ બાબતે તપાસ કરીને અમે સંબંધિતો સામે કડક કાર્યવાહી કરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2020 07:31 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK