ન ટિકિટના પૈસા, ન ઘરે ખાવાનું ખરીદવાના પૈસા, માઇગ્રન્ટ્સ પાસે એક જ વિકલ્પ

Published: May 06, 2020, 07:49 IST | Ranjeet Jadhav | Mumbai

હજારો કિ.મી. ચાલીને ઘરે પહોંચવાનો નિર્ણય: ઉત્તર પ્રદેશ અને વિદર્ભના હજારેક હિજરતી મજૂરો પરિવાર સાથે પગપાળા નીકળ્યા છે

પરપ્રાંત રામલાલ અને તેનો પરિવાર તેમનો બધો સામાન લઈ જાય છે
પરપ્રાંત રામલાલ અને તેનો પરિવાર તેમનો બધો સામાન લઈ જાય છે

કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી અન્ય રાજ્યોમાંથી આવતા હિજરતી મજૂરોની સમસ્યા સૌથી મોખરે રહી છે. સ્થળાંતરી શ્રમિકોની વતનમાં જવાની માગણી સ્વીકારતાં વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ બીજી બાજુ હજારો મજૂરો ચાલતાં નાગપુર અને છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચવા મુંબઈથી રવાના થયા છે. બળબળતા ઉનાળામાં પરિવાર સાથે સવારે આરામ અને રાતે ચાલવાનો ક્રમ જાળવીને પાંચ-પંદર કિલોમીટર નહીં, ૧૬૦૦ કિલોમીટર જેટલું અંતર પૂરું કરવા નીકળેલા મજૂરોને મોતનો જરાય ડર નથી. એ લોકો કહે છે, ‘ગરીબોનું કોઈ ધણીધોરી કે રખેવાળ નથી.’

મુંબઈ તથા આસપાસનાં શહેરો (મુંબઈ મહાનગર પ્રદેશ)ની બાંધકામ હેઠળની ઇમારતોના મોટા ભાગના મજૂરો પગપાળા નીકળી પડ્યા છે. કામ કરવાના સ્થળે ખોરાક અને જીવન જરૂરિયાતની સામગ્રીના અભાવે એ લોકોએ વતન ભણી પગપાળા પ્રવાસ શરૂ કર્યો છે. ગઈ કાલે મુંબઈ-આગ્રા રોડ પર થાણે-કલ્યાણ જંક્શન વિસ્તારમાં ઓછામાં ઓછા ૧૦૦૦ જેટલાં પુરુષો-મહિલાઓ અને બાળકો ચાલતાં જોવા મળ્યાં હતાં. એ લોકો કહે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્થળાંતરિત મજૂરોની વ્યથા પર ગંભીરતાથી ધ્યાન આપતી નથી અને સ્થાનિક સત્તાવાળાઓ સહકાર આપતા નથી. સ્થાનિક સત્તાવાળાઓ તેમને વતન જવાની પદ્ધતિ કે સત્તાવાર કાર્યવાહી સમજાવતા નથી. તેમનામાંથી મોટા ભાગના લોકોએ સરકારી ટ્રાન્સપોર્ટેશનની બસમાં બેસવાના ઉદ્દેશથી સરકારનાં ફૉર્મ્સ ભરવા ઉપરાંત મેડિકલ સર્ટિફિકેટ્સ તેમ જ પોલીસના સિક્કાવાળા અન્ય આવશ્યક દસ્તાવેજો પણ મેળવ્યા છે, પરંતુ તેમને એ દસ્તાવેજો મેળવ્યા પછી આગળ શું કરવું એ કોઈ કહેતું નથી.

પત્ની, પુત્રી અને પુત્ર સાથે કિસન પવાર નાગપુર પાસેના ગામમાં જવા નીકળ્યો છે. કિસન પવારે વતનની દિશામાં આગળ વધતાં જણાવ્યું કે ‘કામ કે પૈસા વગર થાણેમાં રહેવાથી જીવન વધારે બોજરૂપ બની જશે એથી અમે ૮૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ શરૂ કર્યો છે. ગઈ કાલે રાતે કલ્યાણ ફાટા પાસે થોડો આરામ કર્યા પછી અમે આગળ ચાલવાનું શરૂ કર્યું છે.’

મોટા ભાગના હિજરતી મજૂરો હાઇવેના કિનારે સૂતા હોવાથી રાતે ઊંઘમાં એ લોકો અકસ્માતનો ભોગ બને એવી શક્યતા પણ હોય છે.

વિદર્ભના ગોંદિયા જિલ્લામાં રહેતો ૨૮ વર્ષનો રાજેશ પવાર થાણેમાં કોઈ કામ ન હોવાને કારણે પત્ની અને પુત્ર સાથે વતનના ઘર ભણી રવાના થયો છે. રાજેશ કહે છે કે ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા કપરા દિવસો કોઈએ સહન કરવાના ન આવે. ગરીબોની કોઈને પરવા નથી. એટલે ૮૦૦ કિલોમીટર ચાલીને પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ મારી પાસે બચ્યો નથી. અમારી પાસે બસની ટિકિટ લેવાના કે ફૂડ ખરીદવાના પૂરતા પૈસા પણ નથી. ભગવાન જાણે શું થશે! મારે માટે મારી એક વર્ષની દીકરીની સુરક્ષા મહત્વની છે.’

થાણેમાં બાંધકામ-મજૂરીકામ કરતા સુહૈલ અહમદ અને ઇર્શાદ ખાન ઉત્તર પ્રદેશના મહારાજ ગંજ સુધી ૧૬૦૦ કિલોમીટરનો પ્રવાસ પગપાળા કરી રહ્યા છે. તેમનો એક જોડીદાર લંગડાતા પગે ઉત્તર પ્રદેશ પહોંચવા ચાલી રહ્યો છે. પોતાનું નામ ન આપવાની શરતે આ દિવ્યાંગ વ્યક્તિએ કહ્યું કે ‘આમ પણ અમે મરી ગયા હોત, કારણકે અમારી પાસે ખાવાનું કાંઈ નહોતું. એના કરતાં ઘરે પહોંચવાની આશા સાથે ચાલતો રહું છું. વધુમાં વધુ શું થશે, ચાલતાં-ચાલતાં મરી જઈશને!’

ઇર્શાદ ખાને કહ્યું કે ‘અમે થાણેમાં સરકારી ટ્રાન્સપોર્ટની ઘણી રાહ જોઈ. દસ્તાવેજો અને મેડિકલ સર્ટિફેકેટ્સ મેળવવા માટે અમે એકથી બીજી સરકારી કચેરીઓમાં રખડ્યા. ફૉર્મ્સ ભર્યાં, પરંતુ અમારા પ્રવાસની કોઈ જોગવાઈ ન થઈ. અમારી પાસે હજારેક રૂપિયા બચ્યા છે. એ રકમ પૂરી થાય એ પહેલાં અમે વતન પહોંચી જવા માગીએ છીએ.’

‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા કપરા દિવસ કોઈએ સહન ન કરવા પડે. ગરીબોની કોઈને પરવા નથી, એથી ૮૦૦ કિલોમીટર ચાલીને પહોંચવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. - વિદર્ભ ચાલતો નીકળેલો રાજેશ પવાર

આમ પણ અમે મરી ગયા હોત, કારણ કે ખાવાનું કાંઈ નહોતું. એના કરતાં ઘરે પહોંચવાની આશાએ ચાલતો રહું છું. વધુમાં વધુ શું થશે, ચાલતાં-ચાલતાં મરી જઈશને! - યુપી ચાલતો નીકળેલો દિવ્યાંગ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK