મુંબઈ : 14 કરોડના 25 લાખ માસ્કનો ગેરકાયદે સંગ્રહ કર્યો

Published: Mar 25, 2020, 07:34 IST | Mumbai Correspondentm | Mumbai

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અંધેરી-ભિવંડીમાં ગોડાઉનોમાં દરોડો પાડીને ચારની ધરપકડ કરી: જીવન-મરણના જંગમાં બેશરમ વેપારીઓની કમાણીની હરકત

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસથી બચવા માટે એક તરફ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં માસ્ક મળતા નથી ત્યારે વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાના માસ્કનો ગેરકાયદે સંગ્રહ કરાતો હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. મુંબઈ પોલીસે અંધેરી અને ભિવંડીમાં દરોડો પાડીને ૧૪ કરોડ રૂપિયાની કિંમતના ૨૫ લાખ માસ્ક જપ્ત કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ આ માલ બાદમાં માર્કેટમાં ઊંચી કિંમતે વેચવાની વેતરણમાં હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું.

મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહને બાતમી મળી હતી કે આજકાલ કોરોના વાઇરસને લીધે ડિસ્પોઝેબલ માસ્કની માર્કેટમાં અછત ઊભી કરીને મોટી કમાણી કરવા માટે કરોડો રૂપિયાના માસ્કનો ગેરકાયદે સંગ્રહ અંધેરીના સહારા ગામ ખાતેના ગોડાઉનમાં કરાયો છે. કમિશનરે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૯ની ટીમે આ બાબતની જાણ કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

યુનિટ-૯ના ઇન્ચાર્જ મહેશ દેસાઈની આગેવાનીની ટીમે સહારા ગામ ખાતેના ગોડાઉનમાં ગઈ કાલે સવારે દરોડો પાડ્યો હતો. અહીંથી ૧૧,૦૧,૯૭,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૯,૬૦,૦૦૦ ૩ પ્લાય ડિસ્પોઝેબલ માસ્કનો જથ્થો મળી આવતાં પોલીસે ગોડાઉનમાં હાજર ત્રણ લોકો સામે વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.

આરોપીઓની પૂછપરછમાં આનાથી પણ મોટો જથ્થો ભિવંડીમાં રખાયો હોવાની માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે ભિવંડીમાં દરોડો પાડીને અહીંથી ૩,૧૨,૨૨,૦૦૦ કરોડની કિંમતના ૧૫,૬૧,૧૦૦ માસ્ક જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી હતી.

યુનિટ-૯ના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે ‘માસ્કનો આ જથ્થો વેપારીઓએ ગેરકાયદે સંગ્રહ કરીને બાદમાં એનું બ્લૅક માર્કેટિંગ કરવાનું વિચાર્યું હતું. આજે જ્યારે આપણે બધા જીવલેણ કોરોનાથી બચવા માટેના ફાંફા મારીએ છીએ ત્યારે કેટલાક લોકો આવી વિકટ સ્થિતિમાં પણ રૂપિયા કમાવાનું વિચારે છે એ માનસિકતા બરાબર નથી. જેમનો આ માલ છે તેમને પણ અમે પકડીને સખત હાથે કાર્યવાહી કરીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK