મહારાષ્ટ્ર બાદ પંજાબમાં પણ વધી રહ્યા છે કોરોનાના ઍક્ટિવ કેસ

Published: 21st February, 2021 11:22 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

છ રાજ્ય વધારી રહ્યાં છે સરકારની ચિંતા, ગઈ કાલે નોંધાયા નવા ૧૪,૦૦૦ કેસ, ૨૨ દિવસનો રેકૉર્ડ તોડ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશના અનેક પ્રાંતમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યામાં ફરી ઉછાળો આવ્યો છે. ગઈ કાલે સમગ્ર દેશમાં ઍક્ટિવ કેસનો આંકડો ૧,૪૩,૧૨૭ પર પહોંચ્યો હતો. રોજના નવા ઍક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ મુખ્યત્વે કેરલા, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં નોંધાઈ છે. આરોગ્ય મંત્રાલયની અખબારી યાદીમાં છ રાજ્યમાં વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. ગઈ કાલે દેશમાં નવા ૧૩,૯૯૩ કેસ નોંધાયા હતા. બાવીસ દિવસ બાદ આટલા નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજિંદા કેસની સંખ્યા વધી રહી છે. ૨૪ કલાકમાં ૬૧૧૨ કેસ સાથે દેશમાં નવા કેસની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. કેરલામાં પણ કોરોનાના દરદીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મહારાષ્ટ્રની માફક પંજાબમાં પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી રોજ નોંધાતા ઍક્ટિવ કેસમાં વધારો થયો છે. ગઈ કાલે કેસનો દૈનિક આંકડો ૩૮૩ પર પહોંચ્યો હતો. છત્તીસગઢમાં ૨૪ કલાકમાં ૨૫૯ નવા ઍક્ટિવ કેસ નોંધાયા હતા. મધ્ય પ્રદેશમાં ૧૩ ફેબ્રુઆરીથી ફરી કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી છે. એ રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૯૭ કેસ નોંધાયા હતા.

આ છ રાજ્યમાં કોવિડ ગાઇડલાઇન્સના સખતાઈથી પાલનની અપીલો આરોગ્ય મંત્રાલય ઉપરાંત અન્ય વિભાગોનાં વહીવટી તંત્રો પણ કરી રહ્યાં છે. ૨૧,૦૨,૬૧,૪૮૦ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી. છેલ્લા ૧૩ દિવસથી પૉઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. હાલમાં ટેસ્ટ પૉઝિટિવિટી રેટ (ટીપીઆર) ૫.૨૨ ટકા છે. ૧,૦૭,૧૫,૨૦૪ લોકોને કોરોના પ્રતિકારક રસીના ડોઝ અપાયા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.  

રોજના ૪૦થી ૫૦ હજાર: આ વૅક્સિનેશનનો ટાર્ગેટ

શુક્રવાર સાંજ સુધીમાં કોવિડ-19ની એક કરોડ કરતાં વધુ રસી આપીને વૈશ્વિક મહામારી સામેની લડતમાં સૌથી વધુ રસી આપનારા દેશોમાં ભારતે બીજું સ્થાન હાંસલ કર્યું છે. ભારત હાલના દૈનિક ૧૦,૦૦૦થી વધારીને ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ લોકોને રસી આપવાની યોજના ઘડી રહ્યું છે. ભારતે ૩૪ દિવસમાં એક કરોડ ૪ લાખ લોકોને રસી આપી છે, જ્યારે કે અમેરિકાએ માત્ર ૩૧ દિવસમાં લગભગ આટલા જ લોકોને રસી આપી હતી. વિવિધતા ધરાવતા ભારત જેવા દેશ માટે આ એક બહુ મોટી સિદ્ધિ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK