કોરોના વાઇરસનો ઇટલીમાં આતંક: એક જ દિવસમાં ૪૯નાં મોત

Published: Mar 08, 2020, 18:11 IST | Mumbai Desk

ચીનના વુહાનથી શરૂ થયેલું આ સંક્રમણ અત્યાર સુધી ૯૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયું છે. તો ઇટલીમાં કોરોના વાઇરસના લીધે શુક્રવારના રોજ ૪૯થી વધુ લોકોનાં મોત થયાં છે.

ઇટલીના રોમમાં માસ્ક પહેરીને ફરતા પ્રવાસીઓ. તસવીર : પી.ટી.આઇ.
ઇટલીના રોમમાં માસ્ક પહેરીને ફરતા પ્રવાસીઓ. તસવીર : પી.ટી.આઇ.

દુનિયાભરમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ચીનના વુહાનથી શરૂ થયેલું આ સંક્રમણ અત્યાર સુધી ૯૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયું છે. તો ઇટલીમાં કોરોના વાઇરસના લીધે શુક્રવારના રોજ ૪૯થી વધુ લોકોનાં મોત થયાં છે. આ એક જ દિવસમાં કોરોનાથી મરનારનો સૌથી મોટો આંકડો છે. ઇટલીમાં છેલ્લાં બે સપ્તાહમાં આ સંક્રમણથી મૃતકોની સંખ્યા ૧૯૭ થઈ ગઈ છે.

કોરોનાથી અત્યાર સુધી સૌથી વધુ મોત ચીનમાં થયાં છે. ત્યારબાદ બીજા નંબર પર ઇટલી છે. ઇટલીમાં આ સંક્રમણના અત્યાર સુધી ૪૬૩૬ કેસ સામે આવી ચૂકયા છે જે ચીન, દક્ષિણ કોરિયા અને ઇરાન બાદ સૌથી વધુ છે.

ઇટલી સરકારની તેના પર નજર છે કે શું કોરોનાનો ફેલાવો ઉત્તરથી થયો છે, જ્યાં સંક્રમણ ફેલાયા પહેલાંના ૧૦ દિવસ દરમ્યાન ઘણા લોકો સંક્રમિત થઈ ગયા હતા. હવે ઇટલીની ૨૨ જગ્યાઓ પર આ સંક્રમણથી લોકો પીડિત થયા છે.

વિશ્વભરમાં મૃત્યુઆંક ૩૪૦૦ને પાર

વિશ્વભરમાં કોરોના વાઇરસનો વ્યાપક ફેલાવો થયો છે. ચીનમાં શુક્રવારે વધુ ૨૮ લોકોનાં મોત થતાં વિશ્વભરના ૧૭ દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા ૩૪૦૬ થઈ ગઈ છે. બીજી બાજુ સંક્રમણના વધુ ૯૯ કેસ સામે આવ્યા છે. ચીનમાં સંક્રમણનું કેન્દ્ર વુહાનમાં નવા દરદીની સંખ્યામાં ઘટાડો થયો છે. બીજી બાજુ હુબેઈ પ્રાંતની બહાર સંક્રમણનો ફેલાવો જારી છે. બીજા દેશોમાંથી ચીન પાછા ફરેલા ૩૪ લોકોમાં પણ સંક્રમણની પુષ્ટી થઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે કહ્યું છે કે સંક્રમણના જોખમને લીધે અમેરિકામાં કેલિફોર્નિયાના તટ પર ઊભેલા ક્રૂઝ-શિપ ગ્રાંડ પ્રિન્સેસમાં ફસાયેલા વધુ ૨૧ યાત્રીમાં સંક્રમણ જોવા મળ્યા છે.

કોરોનાના કારણે દુનિયાભરમાં મહત્તમ ૬.૮૦ કરોડ લોકોનાં મોત થઈ શકે છે

કોરોના વાઇરસના કારણે દુનિયામાં દોઢ કરોડ લોકોનાં મોત થઈ શકે છે એવો દાવો ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. મીડિયા રિપોર્ટમાં ઉપરોક્ત યુનિવર્સિટીના સંશોધકોને ટાંકીને કહેવાયું છે કે ઉપરોક્ત આંકડો ઓછામાં ઓછાં મોતનો છે. કોરોના વાઇરસની સ્થિતિ જો વધારે વણસે તો ૬.૮૦ કરોડ લોકોનાં મોત થઈ શકે છે જેમાં બ્રિટન અને અમેરિકા પણ બાકાત નહીં હોય. આ અભ્યાસમાં કોરોનાના અસરગ્રસ્તો પૈકી બે ટકા મોતને ભેટી શકે છે એવું અનુમાન કરાયું છે. હાલમાં વૈશ્વિક સ્તર પર આ ટકાવારી ૩.૪ ટકા છે. આ સ્ટડી પ્રમાણે ભારત અને ચીનમાં લાખોની સંખ્યામાં લોકો મોતને ભેટી શકે છે. અમેરિકામાં ૨.૩૦ લાખ લોકો એનો શિકાર થઈ શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK