કેરળમાં એક જ પરિવારના પાંચ લોકોને કોરોના વાઇરસ

Published: Mar 09, 2020, 08:10 IST | Mumbai Desk

પરિવારના ત્રણ લોકો ઇટલીથી પાછા ફર્યા, અન્ય બે જણને સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કેર વધી રહ્યો છે. ભારતમાં ૩૯ પૉઝિટિવ કેસ નોંધાયા છે. કેરળમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા છે. કેરળના સ્વાસ્થ્યપ્રધાન કે. કે. શૈલજાએ જણાવ્યું કે તમામ પૉઝિટિવ લોકોને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે પરિવારના ત્રણ લોકો ઇટલીથી પરત ફર્યા છે અને બે અન્ય લોકોને તેમના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. દુનિયાભરમાં કોરોનાની પકડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી ૩૨૦૦થી વધુનાં મોત થયાં છે. ચીનમાં મૃત્યુઆંક ૩૦૦૦ને પાર પહોંચી ગયો છે. ઈરાનમાં કોરોના વાઇરસથી ૧૧૦ જેટલા લોકોનાં મોત થયાં છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાઇરસના ૧૯૬ નવા કેસ નોંધાયા છે. ત્યાં અત્યાર સુધીમાં ૬૨૦૦ લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. અમેરિકાનાં ૨૮ રાજ્યોમાં કોરોના વાઇરસના ૩૨૯ મામલાની પુષ્ટિ થઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા ૧૫ પર પહોંચી છે. કૅલિફૉર્નિયામાં ગ્રૅન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપના ૨૧ લોકોના પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૯નાં મોત

અમેરિકામાં કોરોના વાઇરસને કેર દિવસે-દિવસે વધી રહ્યો છે. ન્યુ યૉર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ કોરોના વાઇરસના વધતા પ્રકોપને જોતાં શનિવારે ઇમર્જન્સીની સ્થિતિ જાહેર કરી દીધી છે. ન્યુ રોશેલમાં કોરોના વાઇરસના ૨૩ નવા મામલા સામે આવ્યા જે બાદ વેસ્ટ ચેસ્ટર કાઉન્ટીમાં આ વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૫૭ સુધી પહોંચી ગઈ છે.
ગવર્નર કુઓમોએ જાણકારી આપી કે કોરોનાથી સંક્રમિત મામલા હવે આખા દેશમાં ૭૬ થઈ ગયા છે અને આ આંકડો પાછલા કેટલાક દિવસોથી સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે રોકવે અને સારટોગા કાઉન્ટીમાં પણ નવા મામલા હતા. આ લોકો ન્યુ રોશેલના તે વકીલના સંપર્કમાં હતા જે આ વાઇરસના પહેલા રિપોર્ટ કરાયેલા મામલામાંથી એક હતો. કોરોના અત્યાર સુધીમાં ૭૦ દેશોમાં ફેલાયો છે, જ્યારે અમેરિકામાં મોતનો આંકડો ૧૯ સુધી પહોંચી ગયો છે.

ગવર્નરે વાઇરસ પર પોતાના ડેઇલી અપડેટમાં કહ્યું, ન્યુ રોશેલમાં સ્થિતિ સારી નથી. જેવું અમે જોયું છે સંખ્યા વધી રહી છે. આ વાઇરસના એકથી બે મામલા, બેથી ચાર, પછી ૧૨ અને સંખ્યા ૨૦૦, ૪૦૦ અને ૮૦૦ સુધી જઈ શકે છે. આપણે એના પર કાબૂ મેળવવો પડશે.

ઇટલીમાં સૌથી વધુ ૨૩૩નાં મોત

ચીનમાં કોરોના વાઇરસનો પ્રભાવ ઘટી રહ્યો છે. અહીં શનિવારે માત્ર ૨૭ લોકોનાં મોત થયાં છે, જ્યારે સંક્રમણના ૪૧ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તમામ મામલાઓ દેશના સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતના છે. ચીન બાદ સૌથી વધુ ઇટલીમાં ૨૩૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૫૮૮૩ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે.

ઇટલીમાં કોરોના વા‍ઇરસનું જોખમ વધી રહ્યું હોવાથી સરકારે કર્ફ્યુ લાગુ કરી જાહેર સ્થળો બંધ કરવા આદેશ આપ્યો છે. સરકારે સિનેમા, થિયેટર અને મ્યુઝિયમ સહિતનાં સ્થળો બંધ રાખવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન જ્યુસેપ કોન્ટેએ જાહેરનામા પર હસ્તાક્ષર કરીને એને તાત્કાલિક અમલમાં લાવવા જણાવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ ચીનની બહાર ૨૧,૧૧૪ લોકો સંક્રમિત થયા છે અને ૪૧૩ લોકોનાં મોત થયાં છે. ચીનના હેલ્થ કમિશને રવિવારે કહ્યું કે શનિવારે હૉસ્પિટલમાંથી ૧૬૬૦ લોકોને રજા મળી છે. અહીં અત્યાર સુધીમાં ૫૭,૦૬૫ નાગરિકો ઠીક થઈ ચૂક્યા છે. ચીનમાં સૌથી વધુ હુબેઈ પ્રાંતમાં ૬૭,૭૦૭ લોકો સંક્રમિત થયા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાઇરસના સંક્રમિત સાથે હાથ મિલાવ્યો!?

અમેરિકામાં ટોચના રાજકીય કન્ઝર્વેટિવ્સના એક સંમેલનમાં એક વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત મળ્યો છે. આ સંમેલનમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ સામેલ થયા હતા. કાર્યક્રમના આયોજક અમેરિકન કન્ઝર્વેટિવ યુનિયનના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રના હવાલાથી શનિવારના રોજ ટ્‌વીટ કરી આ વાઇરસ સંમેલન પહેલાં ફેલાયો હતો. ન્યુ જર્સીની એક હૉસ્પિટલે વ્યક્તિની તપાસ કરી અને પૉઝિટિવ ગણાવ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK