ગુજરાતમાં જાહેર થયું કોરોના વેકેશન

Published: Mar 16, 2020, 11:20 IST | Gandhinagar

૩૧મી માર્ચ સુધી શાળા-કૉલેજો, મૉલ-થિયેટરો બંધ રાખવાનો આદેશ બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે જાહેરમાં થૂંકનારને ૫૦૦ રૂપિયા દંડ ફટકારાશે

ગુજરાતમાં જાહેર થયું કોરોના વેકેશન
ગુજરાતમાં જાહેર થયું કોરોના વેકેશન

વધતાં જતાં કોરોના વાઇરસના કિસ્સાઓને પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગઈ કાલે આરોગ્ય કમિશનર જયંતી રવિએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે ૩૧ માર્ચ સુધી શાળા અને કૉલેજ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહીં મૉલ અને મલ્ટિપ્લેક્સ અને સ્વિમિંગ પૂલ પણ બે અઠવાડિયાં સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરમાં થૂંકનારને ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. 

ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે પ્રેસ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં સોમવાર એટલે કે તારીખ ૧૬ માર્ચથી ૩૧ માર્ચ સુધી તમામ શાળા અને કૉલેજો બંધ રાખવાનો આદેશ અપાયો છે. સાથે જ તેઓએ કહ્યું કે મૉલ-મલ્ટિપ્લેક્સ અને સ્વિમિંગ પૂલ પણ બે અઠવાડિયાં સુધી બંધ રાખવા માટે આદેશ કરાયો છે. ધાર્મિક સંસ્થાઓને પણ લોકોને ભેગાં થાય તેવાં કાર્યક્રમો ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આંગણવાડી પણ બે અઠવાડિયાં સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જોકે શિક્ષકો અને સ્ટાફે ઑફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય કમિશનરે સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવા માટે લોકોને સૂચન કર્યું હતું.

આરોગ્ય કમિશનરે જણાવ્યું કે કોરોના વાઇરસ માટે ૧૦૪ હેલ્પલાઈન કાર્યરત છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશનર વચ્ચે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના આ નિર્ણયને શાળા સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો હતો. એટલું જ નહીં પણ ગુજરાતના ડૉક્ટરોએ પણ સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને આવકાર્યો હતો. તો ધાર્મિક સંસ્થાનોએ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
જોકે સરકારની આ જાહેરાતથી એક વર્ગ ખૂબ જ નિરાશ થયો હતો અને તે હતો ઑફિસમાં કામ કરનાર વર્ગ. તે લોકોએ પણ મનમાં સરકારને વિનંતી કરી કે ઑફિસો પણ બંધ કરવામાં આવે તેવો કોઈ આદેશ સરકાર કરે. જેને કારણે તેઓને પણ બે અઠવાડિયાં સુધી રજા મળી શકે. આવા મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા.

સુરતમાં કોરોના વાઇરસના બે શંકાસ્પદ કેસ નોંધાતાં ચકચાર

સુરતમાં કોરોના વાઇરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અડાજણના યુવકને શરદી-ખાંસીની તકલીફ સામે આવતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બન્ને શખસ ફેબ્રુઆરી માસમાં વિદેશથી સુરત આવ્યા હતા. જેમાંથી એક યુવક દુબઈ અને બીજો સિંગાપોરથી આવ્યો હતો. બન્ને યુવકના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં આઠ જેટલા શંકાસ્પદ કેસ જે પૈકી છ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના વાઇરસના કેર બાદ અત્યાર સુધી સુરતમાં ૭૨૬ અને જિલ્લામાં ૬૦ લોકો વિદેશથી પરત ફર્યા છે. જે પૈકી હાલ ૨૭૪ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.

કોરોનાથી ગભરાશો નહીં, કંઈ તકલીફ હશે તો હું કથા છોડી દઈશઃ મોરારિબાપુ

રાજુલા પંથકમાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના સેવાર્થે કથાકાર મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. ૧૪ માર્ચે બપોર બાદ રામપરા વૃંદાવન બાગ આશ્રમથી હાથી, ઘોડા, ગાડા સાથે વાજતેગાજતે પોથીયાત્રા નીકળી હતી. અહીં કથાના આરંભે બાપુએ જણાવ્યું હતુ કે કોરોનાથી સાવચેત રહો, ડરવાની જરૂર નથી, કંઈ તકલીફ લાગશે તો હું કથા છોડી દઇશ. કાંતિભાઈ તેના ઘરે અને હું તલગાજરડા. મને આખા વિશ્વની ચિંતા છે. જરૂર પડશે તો કથા બંધ પણ રાખીશું. કથા દરમ્યાન વૃંદાવન બાગના રાજેન્દ્રદાસ બાપુ, જગન્નાથ મંદિર અમદાવાદના દિલીપદાસબાપુ, રામમંદિરના અધ્યક્ષ મહંત, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કલાકાર સાંઇરામ દવે, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેર, કથાના યજમાન પરિવાર સહિત અનેક સાધુ-સંતો અને મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે કથા દરમ્યાન મોરારિબાપુએ કોરોના અંગે મહત્ત્વની ટકોર કરી શ્રોતાઓને કહ્યું હતું કે ઘરે ટીવી જોવો, અહીં ન આવો તો ચાલશે, સાવધાન રહો, ડરવાની જરૂર નથી, આપણે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના છીએ, જરૂર પડશે તો આપણે કથા બંધ કરીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK