તમે પણ જોવા નીકળો છો કે કરફ્યુમાં કોઈ ફરવા નીકળ્યું છે ખરું?

Published: Mar 26, 2020, 18:41 IST | Varsha Chitaliya | Mumbai

ભલે આ વાંચીને તમને હસવું આવ્યું હશે, પણ આ વાતને ગંભીરતાથી નહીં લઈને આપણે જાણે-અજાણે સમાજનું, રાષ્ટ્રનું અને આપણું પોતાનું અહિત કરી રહ્યા છીએ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભલે આ વાંચીને તમને હસવું આવ્યું હશે, પણ આ વાતને ગંભીરતાથી નહીં લઈને આપણે જાણે-અજાણે સમાજનું, રાષ્ટ્રનું અને આપણું પોતાનું અહિત કરી રહ્યા છીએ. કેટલીક બાબતોમાં આપણી અવળચંડાઈ છોડીને આવનારા સમયમાં આપણે ઘરમાંથી ન નીકળીને પણ બહુ મોટી સેવા કરી રહ્યા છીએ એ સમજવું જરૂરી છે.

હાલમાં કોવિડ-૧૯ નામનો વાઇરસ મહામારી બનીને સામે આવ્યો છે. ચીનથી શરૂ થયેલા કોરોનાએ વિશ્વભરના દેશોને ભરડામાં લીધો છે અને દરરોજ મૃત્યુ પામનારાઓ અને આ રોગના સંક્રમણમાં આવનારા દરદીઓની સંખ્યા વધતી જાય છે. પોતાના દેશના નાગરિકોને ભયાનક રોગના સંક્રમણથી બચાવવા જે-તે દેશની સરકાર અને મેડિકલ ટીમ ખડેપગે સેવા આપી રહી છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી રહેલા કોરોનાના સંક્રમણની કડીને તોડવા જનતા કરફ્યુની અપીલ કરી હતી અને એ પછીયે પરિસ્થિતિ ગંભીર જણાતાં ૨૧ દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.

જોકે વડા પ્રધાનની અપીલ બાદ સોશ્યલ મીડિયા પર રાબેતા મુજબ સાચાં-ખોટાં સલાહ-સૂચનો આપતા મેસેજોનું સંક્રમણ વધી રહ્યું છે. આમેય ઘણા દિવસથી અફવાઓનું બજાર ગરમ છે. ફેક ન્યુઝની વચ્ચે વૉટ્સઍપ પર એક જોક વાંચ્યો, ‘ઘણા તો કરફ્યુમાં પણ બધું બંધ છે કે નહીં એ જોવા માટે બહાર નીકળશે. આપણી પ્રજા નહીં સુધરે.’ ખરેખર, આવું થઈ પણ રહ્યું છે ને! આપણે આવી અકોણી પ્રજા જ છીએ. જનતા કરફ્યુ પૂરો થતાં અનેક જગ્યાએ લોકો સોશ્યલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરી રોડ પર જોવા નીકળી ગયા હતા કે બહાર શું ચાલે છે.      

આ પ્રકારની માનસિકતા કાયમ જોવા મળે છે. ચોમાસામાં ટીવીમાં બતાવે કે ટ્રૅક પર પાણી ભરાઈ જવાના લીધે ટ્રેનો અટકી ગઈ છે અથવા ફલાણા વિસ્તારમાં ઘૂંટણ સુધીનાં પાણી ભરાઈ ગયાં છે એવા મેસેજ વૉટ્સઍપ પર આવ્યા નથી કે આપણા વિસ્તારના હાલચાલ પૂછવા નીકળી પડીએ છીએ એટલું જ નહીં, ચોપાટીના દરિયાકિનારે રહેતા હોઈએ એવી ફીલિંગ સાથેના ફોટો પોસ્ટ કરીને પોરસાઈએ છીએ. ક્યાંક મારામારી થઈ હોય, આંદોલનો ચાલતાં હોય, દેશ કે રાજ્યમાં બંધનું એલાન થયું હોય ત્યારે તમાશો જોવાની બહુ મજા પડે છે. લોકો કાયદાનું યોગ્ય પાલન (આપણે ભલે ન કરીએ) કરે છે કે નહીં એની પંચાત કરવાની કુટેવ પડી ગઈ છે. ભલા માણસ જ્યારે સરકાર અને પ્રશાસન એનું કામ કરી રહ્યાં છે તો એમાં અડચણ કેમ ઊભી કરો છો? સામાજિક જવાબદારી જેવું કશું તમને સમજાય છે કે નહીં? સોશ્યલ મીડિયા પર દેશસેવા અને સમાજસેવાના સંદેશાઓ પાઠવવાથી તમે કોઈનું હિત નથી કરી રહ્યા. કટોકટીના સમયે કઈ રીતે વર્તવું જોઈએ એની સમજ કેળવાય એ જ સાચી સેવા છે. આજે ચારે બાજુ સોશ્યલ ડિસ્ટન્સ અને સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીની વાતો થઈ રહી છે ત્યારે એના સાચા અર્થને સમજવો ખૂબ જરૂરી છે.

સમાજ અને રાષ્ટ્રનું હિત

આરોગ્ય સેવાઓ પર દબાણ ઘટાડવા અને રોગના ફેલાવાને અટકાવવા અત્યારે સોશ્યલ ડિસ્ટન્સને સર્વાધિક પ્રાધાન્ય આપવાની અપીલ થઈ છે ત્યારે લોકોએ પરાણે કે ફરજિયાતપણે કામધંધો બંધ કર્યો છે અને બહારગામનાં પ્લાનિંગ કૅન્સલ કર્યાં છે. જોકે આ વખતે મોટા ભાગના પંચાતિયાઓ ભયના લીધે કૂણા પડ્યા છે અને ઘરમાં ભરાઈ દેશની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તેમ છતાં સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હોય એવા અનેક કેસ સામે આવ્યા છે. બૉલીવુડ સિંગર કનિકા કપૂરનું ઉદાહરણ જોઈ લો. વિદેશથી આવ્યા બાદ સામાજિક મેળાવડાથી દૂર રહેવાની જગ્યાએ તેણે પાર્ટીઓ કરી અનેક લોકોના જીવ જોખમમાં મૂકી બેજવાબદારીભર્યું કામ કર્યું છે. ખેર, આ બાબતે સરકાર કડક હાથે કામ લેશે. આ કોરોના-બોરોના મારું કંઈ બગાડી નહીં શકે એવા વહેમમાં અનેક લોકો સોશ્યલ ડિસ્ટન્સની અપીલને ગંભીરતાથી નથી લઈ રહ્યા.

વાસ્તવમાં કોઈ પણ બાબતની ગંભીરતા ત્યાં સુધી આપણને નથી સમજાતી જ્યાં સુધી એનો સ્વ અનુભવ થતો નથી. બોરીવલીનાં સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર હિરલ શાહ કહે છે, ‘સોશ્યલ ડિસ્ટન્સનો અર્થ ઘણો વાઇડ છે. સાઇકોલૉજિકલ પૉઇન્ટથી જોઈએ તો માનવી સમાજમાં અને જૂથમાં રહેવા ટેવાયેલો છે. પરિવાર અને મિત્રોના સાથ વગર એકલા તો તૂટી જવાય. માનસિક રોગીઓની વાત કરીએ ત્યારે એનો જુદો અર્થ નીકળે છે. સામાજિક પ્રવાહમાંથી ફેંકાઈ જવાના લીધે વ્યક્તિ માનસિક તાણનો ભોગ બને છે અથવા કોઈ રોગના લીધે તેઓ એકલવાયું જીવન ગાળતા હોય છે. તેમના માટે સોશ્યલ ડિસ્ટન્સ જીવલેણ બની શકે છે. અહીં અમારો પ્રયત્ન એ જ હોય છે કે તેઓ ફરીથી સામાજિક જીવનમાં ભળે. જોકે કોવિડ-૧૯એ સોશ્યલ ડિસ્ટન્સની વ્યાખ્યા બદલી નાખી છે. વર્તમાન પરિસ્થિતિમાં કુદરતના આ નિયમથી વિરુદ્ધ માનવીએ પોતાના, પરિવારના અને રાષ્ટ્રના હિત માટે શારીરિક એકાંતવાસને સ્વીકારવો જરૂરી છે. ફિઝિકલ ડિસ્ટન્સ રાખી એકબીજાને મૉરલ સપોર્ટ કરવાનો છે. ન કરે નારાયણ ને તમારી આસપાસ રહેતી કોઈ વ્યક્તિ આ રોગનો ભોગ બને તો તમારે દરદી સાથે કનેક્ટ રહીને એનાથી દૂર રહેવાનું છે. સોશ્યલ ડિસ્ટન્સનો સાચો અર્થ આ થાય છે. તમે પૂછો છો કે આપણે અવળચંડાઈ કેમ કરીએ છીએ? કેમ કાયદાનું પાલન નથી કરતા? તો હું કહીશ કે પ્રતિબંધનું ઉલ્લંઘન કરવું એ માનવસહજ સ્વભાવ છે. આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવાની ઉત્કંઠા એને આમ કરવા પ્રેરે છે. કેટલાક લોકો પોતાની હિંમતની ચકાસણી કરવા નીકળી પડે છે, જે જરાય યોગ્ય નથી. સોશ્યલ ડિસ્ટન્સની અપીલ કોઈ ફરમાન નથી, તમારી સલામતી માટે છે. તમે સલામત રહેશો તો બીજાને મદદરૂપ થઈ શકશો.’

હેલ્ધી અપ્રોચ

હમણાં તો ફફડાટ છે એટલે બધા શાંત બેઠા છીએ અને સોશ્યલ ડિસ્ટન્સને સ્વીકારી લીધું છે. આમાંથી બોધપાઠ લઈ સમાજના હિત માટે દરેક વ્યક્તિએ હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરવાની દિશામાં ડગલું માંડવાનું છે એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘હવે પછીની હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે સોશ્યલ ડિસ્ટન્સનું લેસન કામ લાગશે. તમે સહેજ પણ બીમાર હો ત્યારે લોકોને મળવાનું ટાળો. એ દિવસથી નોટબુકમાં રોજ કોના સંપર્કમાં આવ્યા એનો રેકૉર્ડ રાખવા માંડો. આમ કરવાથી તમને ખયાલ આવશે કે તમે કેટલા‍ લોકોને રોગ પાસ ઑન કરો છો (આ કામ અત્યારે પણ કરજો). આ સમજ કેળવાશે તો તમે ઑટોમૅટિકલી બીમાર હશો ત્યારે ઓછામાં ઓછા લોકોને મળવાનું રાખવા લાગશો. તેમની સાથે વાતચીત દરમિયાન અંતર રાખશો એટલું જ નહીં, તમારાં સંતાનોને પણ હેલ્ધી લાઇફસ્ટાઇલની સાચી કેળવણી આપી શકશો.’           

સામાજિક જવાબદારી

વર્તમાન પરિસ્થિતિમાં સામાજિક જવાબદારી એ જ કે તમે ઘરની અંદર રહો. હિરલબહેન કહે છે, ‘કોઈને નડવું નહીં, કોઈને હાનિ ન પહોંચે એ જોવું, કોઈનું અહિત ન થાય એનું ધ્યાન રાખવું એનાથી વિશેષ સમાજ કે રાષ્ટ્રની સેવા હોઈ જ ન શકે. આ તમારી નૈતિક જવાબદારી છે. હાલમાં દેશમાં કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે ઘણા લોકોએ પોતાની સામાજિક જવાબદારીનું પાલન કર્યું નથી કે કરતા નથી એનું કારણ છે તેમનો ઉછેર અને આંધળું અનુકરણ કરવાની કુટેવ. સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા રાતોરાત નથી કેળવાતી, એને કાયમી ધોરણે જીવનમાં ઉતારવી પડે છે. આપણે ઘણી વાર અખબારોમાં કે સોશ્યલ મીડિયામાં વાંચીએ છીએ કે ફલાણા ગ્રુપના લોકોએ આજે જુહુના દરિયાકિનારાને સ્વચ્છ કર્યો, કોઈ પરિવારના સભ્યોએ અનાથ આશ્રમમાં જઈ બર્થ-ડે સેલિબ્રેટ કર્યો, કોઈએ ગરીબ મજૂરોનાં સંતાનોને શિક્ષિત કરવાનું બીડું ઉપાડ્યું વગેરે. શરૂઆતથી જ તમે આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા રહેશો અને તમારાં સંતાનોને સમાજ ઉપયોગી થવાની કેળવણી આપી હશે તો કટોકટીના સમયે તમે સંયમ અને ધીરજ રાખી શકશો. બીજાની વેદનાને સમજી શકશો.’

ઇન્ટરનેટ પર સંયમ

આર્થિક મદદ કરવી સારી વાત છે, પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે તમારું યોગદાન શું હોવું જોઈએ એ તમારી વર્તણૂક નક્કી કરે છે એવો મત વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘આજના જેટ યુગમાં ઇન્ટરનેટ અત્યંત ઉપયોગી સાધન બનીને ઊભરી આવ્યું છે પણ આ જ પ્લૅટફૉર્મ પર આપણે સંયમ નથી રાખી રહ્યા. રાજકીય અનિશ્ચિતતા, વૈશ્વિક મંદી, આંદોલનો કે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના હોય ત્યારે વ્યક્તિગત સંયમ ન રાખો તો પબ્લિકમાં પૅનિક ક્રીએટ થાય. સોશ્યલ મીડિયા પર આવતા ફેક સંદેશાઓ પાસ ઑન ન કરવા તેમ જ અફવાઓનું ખંડન કરવું એ પણ સામાજિક જવાબદારીનો જ એક મહત્વનો ભાગ હોવો જોઈએ. અત્યાર સુધી જો તમે આ જવાબદારી નથી નિભાવી તો હવે પછી આવનારા સમયમાં તમારા હાથે કોઈનું અહિત ન થાય અને ભયનું વાતાવરણ ઊભું ન થાય એ માટે વિચારવાનો સમય પાકી ગયો છે.’

સમાજ અને રાષ્ટ્રના હિતની વાત આવે ત્યારે દરેક વ્યક્તિએ સંયમ અને ધીરજ રાખવાં સૌથી જરૂરી છે. દરેક બાબતમાં સલાહ-સૂચનો આપવાની કે નિયમો તોડવા જેવી માનસિકતાને બાજુ પર મૂકી હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા હાથે અજાણતાં પણ કોઈનું અહિત ન થાય એ માટે શરૂઆતથી જ સામાજિક જવાબદારી ઉપાડો અને સંતાનોને પણ એની કેળવણી આપો

- હિરલ શાહ, સાઇકોલૉજિસ્ટ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK