સપ્ટેમ્બર પહેલાં શૂટિંગ શક્ય નથી?

Published: May 10, 2020, 08:11 IST | Rashmin Shah | Rajkot

શરૂ નહીં થાય

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હા, પ્રૅક્ટિકલી કોઈ ફિલ્મનું શૂટ સપ્ટેમ્બર પહેલાં શરૂ નહીં થઈ શકે. બની શકે કે જે ફિલ્મનું બે-ચાર દિવસનું કામ બાકી હોય અને ૯૮ ટકા જેટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય એ ફિલ્મનું પૅચવર્કનું કામ કરવામાં આવે, પણ નવી અને ખાસ કરીને મોટા બજેટની કોઈ ફિલ્મનું શૂટ સપ્ટેમ્બર પહેલાં કે મલ્ટિપ્લેક્સ શરૂ થવાની જાહેરાત ન થાય એ પહેલાં શરૂ નહીં થાય

‘સિન્ટા’ના નામે ઓળખાતી સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશને કેટલીક ગાઇડલાઇન્સ બનાવીને ફિલ્મ શૂટિંગ જુલાઈમાં શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે, પણ પ્રૅક્ટિકલી એ શક્ય નથી એવું ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અશોક પંડિતનું કહેવું છે. અશોક પંડિતે કહ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બીજી કોઈ ઇન્ડસ્ટ્રી જેવી ઇન્ડસ્ટ્રી છે નહીં કે ફિફ્ટી પર્સન્ટ સ્ટાફ સાથે કે પછી સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે કામ કરી શકાય. એ અઘરું છે. બે-ચાર દિવસનું કામ બાકી હોય તો સ્ક્રિપ્ટ પર કામ કરીને કે પછી પૅચવર્ક જેવું નાનું કામ કરી શકાય, પણ ફિલ્મનું મૅક્સિમમ કામ બાકી હોય તો એ પ્રૅક્ટિકલી શક્ય નથી.’

વાત ખોટી નથી. રોમૅન્ટિક સીન કે પછી ફાઇટ સીક્વન્સમાં સોશ્યલ ડિસ્ટન્સ પાળવાનું કામ અઘરું છે. બીજું એ કે ફિલ્મ અને ટીવીનું શૂટિંગ બન્ને અલગ છે. ફિલ્મના શૂટમાં શૉટ્સનું વેરિયેશન હોય છે. ટીવી શૂટિંગમાં લિમિટેશન હોય છે અને એમાં લોકેશન પણ વેરિયેશન સાથેનાં નથી હોતાં. એક જ સેટ પર મોટા ભાગનું શૂટિંગ થતું હોય છે. એવા સમયે સોશ્યલ ડિસ્ટન્સ કે અડધા યુનિટ સાથે કામ કરવાનું શક્ય બને, પણ ફિલ્મ માટે એ પ્રૅક્ટિકલ નથી. સિન્ટાએ સૂચવેલી ગાઇડલાઇન્સમાં આર્ટિસ્ટ મેકઅપ ઘરેથી કરીને આવે એવું સૂચન પણ આપવામાં આવ્યું છે જે વાજબી રીતે ગળે ઊતરે એવી વાત નથી. એક ફિલ્મમેકરે કહ્યું કે ‘ફિલ્મના બધા આર્ટિસ્ટ પાસે ગાડી હોય એ જરૂરી નથી. લીડ સ્ટાર સિવાયના આર્ટિસ્ટ ઘરેથી મેકઅપ કરીને આવે તો સેટ પર પહોંચતા સુધીમાં એ મેકઅપ વિખેરાઈ જાય અને શૂટિંગને લાયક એ મેકઅપ ન રહે. આવા સમયે કેવી રીતે તમે એવી અપેક્ષા રાખી શકો કે આખી ફિલ્મ આ રીતે પૂરી કરવી.’

ફિલ્મ-રિલીઝની ખબર નથી ત્યારે...

મલ્ટિપ્લેક્સ અને થિયેટર ક્યારે શરૂ થશે એની હજી સ્પષ્ટતા દૂર-દૂર સુધી દેખાતી નથી ત્યારે શૂટિંગ શરૂ કરવાની ઉતાવળ એક પણ પ્રોડ્યુસર દેખાડવા રાજી નથી. ફિલ્મ રિલીઝ થવાની સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી ફિલ્મ બિઝનેસમાં નવું ઇન્વેસ્ટમેન્ટ આવે એ શક્યતા પણ નહીંવત્ છે. જો કોઈ એવી હિંમત કરે તો એક નહીં, અનેક જાતનાં રિસ્ક એમાં સમાયેલાં છે. એ રિસ્ક ફૅક્ટરને જોતાં પણ સપ્ટેમ્બર પહેલાં કોઈ ફિલ્મ શરૂ થાય અને એનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા નહીંવત્ છે.

આ પહેલાં પણ ધારો કે કોઈ ફિલ્મનું કામ શરૂ થયું તો પણ એ લો બજેટની ફિલ્મ જ બનશે. જે ફિલ્મમાં કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ ભૂલી શકાતું હશે એ જ પ્રોજેક્ટ આગળ વધે એવી પૂરી શક્યતા છે.

શૂટિંગ દરમ્યાન કેવા-કેવા રિસ્કનો સામનો કરવો પડી શકે છે?

1 ઓછા સ્ટાફ સાથે સેટ તૈયાર કરવાનું જોખમ લેવા પ્રોડ્યુસર તૈયાર નહીં થાય. ફિફ્ટી પર્સન્ટ સ્ટાફ સાથે સેટ તૈયાર કરવામાં સેટ મોડો તૈયાર થશે એ નક્કી છે, તો સાથોસાથ જો એ તૈયારી દરમ્યાન સેટ તૈયાર કરનાર કોઈને કોરોના પૉઝિટિવ આવ્યો તો આખો સેટ સીલ કરવાનું રિસ્ક પણ ઊભું રહે છે. એવું બને તો આખો પ્રોજેક્ટ અભેરાઈએ ચડી શકે છે.

2 શૂટિંગ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સનો નિયમ જરાય તૂટ્યો તો જાહેરનામાના ભંગની બીક રહેશે. જો એવું બનશે તો લેવાનારાં કાયદેસરનાં પગલાંને લીધે બધા લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

3 કરોડો રૂપિયાની ફી ચૂકવીને લેવામાં આવેલા લીડસ્ટારને જો કોરોના આવે તો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ધૂળમાં મળી જાય અને આખા યુનિટને ક્વૉરન્ટીન થવું પડે એ વધારામાં.

4 કોરોના સામે માસ-ઇન્શ્યૉરન્સની પૉલિસી હજી ક્લિયર થઈ નથી ત્યારે જો યુનિટમાંથી કોઈકને કોરોના પૉઝિટિવ આવે તો એની ટ્રીટમેન્ટની તમામ જવાબદારી પ્રોડ્યુસર પર આવે જે ખર્ચ પ્રાઇવેટ હૉસ્પિટલમાં લાખો રૂપિયામાં પહોંચે છે એટલે સ્વાભાવિક રીતે પ્રોડ્યુસર માટે એ પણ એક રિસ્ક રહે છે.

5 જ્યાં સુધી પ્રોડક્ટનો ખરીદદાર દેખાતો ન હોય ત્યાં સુધી કોઈ ઇન્વેસ્ટર પ્રોડક્ટ બનાવવા રાજી ન થાય. મલ્ટિપ્લેક્સ ચાલુ નહીં થાય ત્યાં સુધી ફિલ્મ બનાવવાની શરૂઆત કેમ કરવી એ યક્ષપ્રશ્ન પણ નડતરરૂપ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK