યાદ રહે, કોરોના અકબંધ છેઃ કાલથી નવરાત્રિ, પણ તમારા દિવસો તો ઘરરાત્રિના જ હોવા જોઈએ

Published: 16th October, 2020 14:51 IST | Manoj Joshi | Mumbai

કોઈને તકલીફ પડે એવું પગલું પણ ભરવું નહીં અને કોરોનાથી સલામત અંતર રાખીને સમય પસાર કરી લેવો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કાળવાણી કરતાં કહ્યું છે કે તહેવારોના દિવસોમાં કોરોનામાં ઉછાળો આવી શકે છે. સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે અને આ સત્તાવાર જાહેરાતને અવગણી શકાય એમ નથી, કારણ કે આ જ મંત્રાલયે એવી પણ અનાઉન્સમેન્ટ કરી છે કે શિયાળામાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા છે. આ બન્ને અનાઉન્સમેન્ટ ઑફિશ્યલ છે અને આ બન્ને અનાઉન્સમેન્ટ ક્યાંય ખાનગીમાં જાહેર કરવામાં નથી આવી. બાકાયદા અને સત્તાવાર રીતે એની જાહેરાત થઈ છે, પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું છે.
આવતી કાલથી નવરાત્રિ છે અને આ નવરાત્રિમાં જેટલાં માતાજીને યાદ કરવાના છે એટલા જ કોરોનાને પણ યાદ કરવાનો છે. આપણો સામાન્ય સ્વભાવ છે. તકલીફને, પીડાને અને મુશ્કેલીઓને આપણે સહજ રીતે ભૂલી જઈએ છીએ અને એટલે જ દેશમાં બનતી ગમખ્વાર ઘટનાઓને પણ આપણે બહુ ઝડપથી વીસરી જઈએ છીએ. જુઓ, સુશાંતસિંહ રાજપૂતના કેસને હવે સૌકોઈ ભૂલી જ ગયું છે. રિયા ચક્રવર્તીની અરેસ્ટ થઈ અને તેને જામીન પણ મળી ગયા અને એ બહાર પણ આવી ગઈ. સુશાંતકેસમાં એ પછી શું થયું એની કોઈ ચર્ચા જ નથી અને ચર્ચા નથી એ જ પુરવાર કરે છે કે કોઈ પૂછતું પણ નથી. સુશાંતકેસ ભલે ભુલાયો, પણ એ કેસની જેમ કોરોના ભુલાવો ન જોઈએ. કોરોના ભયાનક છે એ પણ ભુલાવું ન જોઈએ અને એ પણ ભુલાવું ન જોઈએ કે એ જીવલેણ છે.
નવરાત્રિ ભલે આવી ગઈ, ભલે બહાર સોસાયટીમાં દાંડિયાનાં પડઘમ સંભળાવા લાગ્યાં હોય, ભલે નવરાત્રિ સિંગર્સ ઘરમાં બેસીને ગાઈને તમને પોરસ ચડાવતા હોય. પોરસ ચડતો હોય તો પણ એ સિંગર્સની જેમ જ તમારે પણ ઘરમાં રહીને દાંડિયા રમી લેવાના છે અને ધારો કે એમ ન ગમે તો એવું ધારી લેવાનું છે કે આ વર્ષે દાંડિયા હતા જ નહીં, આ વર્ષે નવરાત્રિ આવી જ નથી. માતાજીની આરાધના માટે પણ મંદિરે નહીં જાઓ તો ચાલશે. માતાજી નારાજ નહીં થાય. અગાઉ પણ કહ્યું છે, સંતાન ફરજભૂલ કરે તો કોઈ માવડીને ગુસ્સો આવતો નથી, કોઈ માવડી નારાજ નથી થતી અને આ તો દેવીમા છે. દેવીમા કેવી રીતે તમાર પર નારાજ થઈ શકે?
એક વણમાગી સલાહ આપવાની છે. આ નવરાત્રિએ ધારો કે ઉપવાસ ન થાય તો પણ ચિંતા કરતા નહીં. કોઈની ધાર્મિક લાગણી દૂભવવાનો આશય નથી, પણ કોઈને નુકસાન ન થાય, કોઈ હેરાન ન થાય એવા ઉમદા ભાવ સાથે કહું છું. ધારો કે નવરાત્રિમાં ઉપવાસ કરતા હો, પણ આ વર્ષે ન થાય તો ચિંતા કર્યા વિના બેટંક જમીને, પેટ ભરીને માતાજીની આરાધના કરજો. ભૂખ્યા રહીને શરીરની ઇમ્યુનિટી ઘટાડવાને બદલે બહેતર છે કે ખાઈ-પીને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને પરિવારને ચિંતા ન આવે એવું પગલું ભરવું. સક્ષમતાની દલીલના કોઈ પુરાવા નથી હોતા અને એવા પુરાવા સંકટ સમયે કામ પણ નથી લાગતા એટલે તર્ક લડાવવાને બદલે ઉત્તમ એક જ છે, કોઈને તકલીફ પડે એવું પગલું પણ ભરવું નહીં અને કોરોનાથી સલામત અંતર રાખીને સમય પસાર કરી લેવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK