વબા ફૈલી હુઈ હૈ હર તરફ

Published: Mar 22, 2020, 20:33 IST | Kana Bantwa | Mumbai Desk

Come On જિંદગી : પ્રકૃતિ અને મનુષ્યના યુદ્ધનો નવો અધ્યાય કોરોનાના નામે શરૂ થયો છે. પ્રકૃતિની થપાટો લાખો વર્ષોથી ખમતા આવેલા માનવીની અંતે જીત જ થઈ છે. આ વખતે પણ થશે, પરંતુ આ વખતે લડવામાં તમારે જોડાવું જ પડશે, દરેકે, ફરજિયાત

એક વિચિત્ર ખોફ હવામાં પ્રસરેલો છે. અદૃશ્ય દુશ્મનના ભણકારા સતત સંભળાયા કરે છે. એની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે અને જ્યાં એ નથી હોતો ત્યાં પણ હશે તો? એ ડર માણસોના મનનો કબજો લઈને બેઠો છે. ક્યારેય નહીં અટકતી ‘મુંબઈ નગરિયા’ ખોડંગાવા માંડી છે. આજે રવિવારે તો જનતા કરફ્યુ છે એની અસર દેખાઈ રહી છે, પણ ચાલુ દિવસોમાંયે મૉલ, થિયેટર, જિમ, સ્કૂલ, કૉલેજ, પાર્ક બધું બંધ છે. ટ્રેનો પણ કદાચ બંધ થાય. આમ અટકી પડવું મુંબઈની ફિતરત નથી. આ તો દોડતું-ભાગતું શહેર છે. ક્યારેય સ્થિર નહીં બેસવાનાં શાપ કે વરદાન છે આ શહેરને. કોરોનાએ એને હંફાવી દીધું છે. માત્ર મુંબઈ જ નહીં, આખી દુનિયા અને દેશની આ જ હાલત છે અને મુંબઈગરાઓ જેને દેશ કહે છે એ ગુજરાતની પણ એ જ હાલત છે. કોરોના નામનો અદૃશ્ય દુશ્મન માનવજાત સામે ખતરો બનીને ઊભો છે. કુદરત ગ્રેટ બૅલૅન્સર છે. એ ગમે તેમ કરીને સંતુલન સાધી જ લે છે. અસંતુલન પ્રકૃતિને ફાવતું નથી. જંગલમાં ઝાડ, ઝાડી-ઝાંખરાં વધી પડે કે પશુ-પ્રાણી, પંખી, જંતુ વધી પડે ત્યારે પ્રકૃતિ એમાં દાવાનળ લગાડે છે. આખું જંગલ બળીને ભસ્મ થઈ જાય છે. રાખ સિવાય કશું જ બચતું નથી. પછી ધીમે-ધીમે પ્રકૃતિ ત્યાં નવસર્જન કરે છે. આ એનું બૅલૅન્સિંગનું કામ છે. વર્ષો વીતી જાય છે એ જમીનમાં નવસર્જન થવામાં, પણ પ્રકૃતિને કોઈ ઉતાવળ નથી હોતી. માણસને ઉતાવળ હોય છે. માણસ માટે સમયનું માપ છે. સમય માણસની મર્યાદા છે, પ્રકૃતિની નહીં. પ્રકૃતિનો સમય બહુ વિસ્તરેલો હોય છે, બ્રહ્માના દિવસ જેવો. માણસને જીવન માટે ૭૦થી ૧૦૦ વર્ષ જ હોય છે, પ્રકૃતિ માટે કરોડો વર્ષ, પણ મોટો સમયગાળો નથી, કારણ કે એ સમયથી પર છે. સમય એને સ્પર્શી શકતો નથી. એ સમયને પોતાની ઇચ્છા મુજબ ચલાવે છે. માણસ સમયના આધારે વિચારે છે, પ્રકૃતિ નિજાનંદ મુજબ વર્તે છે, એટલે જ કુદરત અને બ્રહ્મને સમાન માનવામાં આવ્યાં છે, લગભગ એક જ ગણી લેવામાં આવ્યાં છે. માણસે આ જ દુનિયમાં જે કશું ઊભું કર્યું છે એ બધું પ્રકૃતિ સામે લડીને બનાવ્યું છે. પ્રકૃતિની વિરુદ્ધ જઈને કર્યું છે. પ્રકૃતિના નિયમોને તોડી શકાય એટલા તોડીને માણસે સફળતા મેળવી છે. પ્રકૃતિ ગુરુત્વાકર્ષણનો નિયમ લાવે તો માણસ એની સામે વિમાન–રૉકેટ બનાવે. પ્રકૃતિ નદીઓમાં પૂર લાવે તો માણસ ડૅમ બાંધે. પ્રકૃતિ દુષ્કાળ લાવે તો માણસ નહેરો, કૂવાઓ અને બંધો દ્વારા પાણી મેળવે. દુનિયા પર થયેલો તમામ વિકાસ પ્રકૃતિ સામેના વિજયથી થયો છે. કાળા માથાનો માનવી ગમે એટલી થપાટો ખાય તો પણ પ્રકૃતિ સામેની લડાઈ છોડતો નથી. માણસ પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન હોય તો પ્રકૃતિ સામે હાર સ્વીકારે જ નહીંને? શ્રેષ્ઠ સર્જન હંમેશાં સૃષ્ટ્રા, સર્જનહારને હરાવે જ. તો જ શ્રેષ્ઠ કહેવાય. લાખો વર્ષોથી ચાલી આવતી લડાઈમાં માનવીએ હાર માની નથી. હારવું એ મનુષ્યનો સ્વભાવ નથી. મનુષ્ય કોરોના સામે પણ હારશે નહીં. છેલ્લા શ્વાસ સુધી, રુધિરના છેલ્લા ટીપા સુધી લડી લેવાની ક્ષમતા જ માણસને માણસ બનાવે છે. કોરોના વાઇરસ ભલે લૅબોરેટરીમાં બન્યો હોય અથવા કુદરતી હોય, એ પ્રકૃતિનું જ સર્જન છે. વાઇરસ રહસ્યમય ચીજ છે. વિજ્ઞાનીઓ હજી સુધી એના વિશે કેટલીય બાબતો સમજી શક્યા નથી. વાઇરસ સુષુપ્તાવસ્થામાં હોય ત્યારે જડ હોય છે, નિર્જીવ હોય છે, અચેતન હોય છે, જીવંત હોતા નથી. જાગે ત્યારે જીવંત થાય છે અને હોસ્ટના શરીરના કોષનો જ ઉપયોગ કરીને પોતાનો વંશવેલો વધારે છે. કોઈ વાઇરસ વર્ષો સુધી સુષુપ્તાવસ્થામાં રહ્યા પછી અચાનક જાગ્રત થાય છે. અમુક સમય જાગ્રત રહ્યા પછી અચાનક એ કુંભકર્ણની જેમ ફરી સૂઈ જાય છે. એને જાગ્રત થવાનો કે સુષુપ્ત થવાનો આદેશ કોણ આપે છે એ જાણી શકાયું નથી. આ પૃથ્વી પર સૌથી ખતરનાક ચીજ વાઇરસ છે. કોરોના જ નહીં, સામાન્ય ફ્લુનો વાઇરસ પણ ધારે તો થોડા દિવસમાં જ પૃથ્વીની સંપૂર્ણ માનવજાતનો સફાયો કરી શકે. માણસે મોટા ભાગના વાઇરસની રસી શોધી લીધી છે, પણ દર વર્ષે એકાદ નવો વાઇરસ ફાટી જ નીકળે છે.

અત્યાર સુધીના વાઇરસ સામે લડવું સહેલું હતું, કોરોના સામે લડવું મુશ્કેલ છે. એમાં માત્ર સરકારો કે આરોગ્ય તંત્રનાં પગલાં પૂરતાં નથી. વિશ્વાસનો એક-એક નાગરિક સૈનિક બનીને આ લડાઈમાં ઊતરશે તો જ એને હરાવી શકાશે. કોરોના વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં માત્ર સ્પર્શથી જ ફેલાતો નથી, ચેપગ્રસ્ત વ્યક્તિ જે ચીજને અડે એના પર વાઇરસ રહી જાય છે અને બીજી વ્યક્તિ એ વસ્તુને અડે એટલે તેને પણ ચેપ લાગે છે. હાથ ધોવા, માસ્ક પહેરવા વગેરે સાવચેતીનાં પગલાં વિશે બહુ કહેવાઈ ગયું છે એટલે એની વાત આપણે અહીં નથી કરવી. માત્ર માસ્ક પહેરવાથી, સૅનિટાઇઝર્સ વાપરવાથી કે દર ૨૦ મિનિટે હાથ ધોવાથી કોરોનાને હરાવી નહીં શકાય. દરેક નાગરિકે સોશ્યલ આઇસોલેશન સ્વીકારવું પડશે. ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવીએ એ સૌથી મહત્ત્વનું છે. જનતા કરફ્યુ આ દિશામાંનું પગલું છે. સંભવ હોય ત્યાં સુધી ઘરમાં રહેવું જરૂરી છે. ભારત એવો દેશ છે કે અહીં જો કોરોના મહામારી વધુ ફેલાઈ જશે તો પછી એને કાબૂમાં લેવાનું લગભગ અશક્ય બની જશે. અહીં પ્રજાનો ઘણો ભાગ એવો છે કે તેમને હજી કોરોના શું ચીજ છે એ પણ જાણ નહીં હોય. અહીં ભણેલાઓ પણ હજી એટલા અબુધ છે કે વૉટ્સઍપ પર એવા મેસેજ મૂકે છે કે કોરોના આપણું શું બગાડી લેવાનો છે. બધા ખોટા ડરી ગયા છે. આવા અણસમજુઓ લોકોનું અહિત કરી રહ્યા છે. આજની સ્થિતિમાં ‘ડરના ઝરૂરી હૈ.’ ડર છે એટલે લોકો માસ્ક પહેરે છે. ડર છે એટલે થોડા ઓછા બહાર નીકળે છે. ડર છે એટલે ડિસઇન્ફેક્ટન્ટથી હાથ ધુએ છે. ડર છે એટલે હાથ મિલાવવાને બદલે નમસ્તે કરે છે. કેટલાક અભાગિયાઓ પોતપોતાની જ્ઞાતિનું નામ લખીને મેસેજ મોકલે છે કે અમારી જ્ઞાતિનું લોહી ગરમ હોવાથી કોરોના અમને નહીં થાય. આવા મૂરખાઓને જાહેરમાં કોરડા મારવાની સજા કરવી જોઈએ અને કોરડા પણ મીઠામાં બોળેલા હોવા જોઈએ. કોઈનું લોહી ગરમ કે ઠંડું હોતું નથી. કેટલાકને કોરોનાના જોક બનાવવાનો શોખ હોય છે. જોક ખરાબ નથી, પણ એનાથી પરિસ્થિતિની ગંભીરતા ઓછી થઈ જાય છે. કેટલાકને એવો ફાંકો હોય છે કે આપણને તો કશું ન થાય. આવા ફાંકા-ફોજદારો પોતાની સાથે અન્યનું પણ અહિત કરતા હોય છે.
કોરોના વધુ ખતરનાક એટલા માટે છે કે એ માત્ર છીંક, ખાંસી કે ઉચ્છ્વાસથી ફેલાતો નથી. એના વાઇરસ વસ્તુઓ, સપાટી, કપડાં વગેરેને ચોંટી જાય છે અને એના દ્વારા ટ્રાવેલ કરે છે. ન્યુ યૉર્કમાં વિમાનના દરવાજાના હૅન્ડલને કોઈ કોરોનાગ્રસ્તે પકડ્યું હોય પછી એ વિમાન મુંબઈ ઍરપોર્ટ પર ઊતરે અને અહીંનો કોઈ માણસ એ હૅન્ડલ પકડે એટલે તેને ચેપ લાગી શકે. વાઇરસ માત્ર જીવંત જ નહીં, અચેતન વસ્તુઓ દ્વારા પણ ફેલાઈ શકે છે. જે વ્યક્તિ ચેપગ્રસ્ત હોય તે જેને અડે એ બધું ચેપગ્રસ્ત થઈ જાય એટલો ચેપી કોઈ વાઇરસ હજી સુધી દેખાયો નહોતો એટલે મૂવમેન્ટ બંધ કરવી અને અલગ રહેવું એ જ સૌથી મોટો ઉપાય છે. જેને જૂનું બધું સારું લાગે છે એવા સ્યુડો પરંપરાવાદીઓ વળી તમને એવું કહેશે કે ગળો, હળદર અને કાળાં મરી ખાઓ, સુદર્શન ઘનવટી લો એટલે કોરોનાનો ખાતમો, આવી કોઈ વાતને ધ્યાનમાં લેશો નહીં. આ વસ્તુઓથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પણ એ બે–પાંચ દિવસ ખાવાથી વધતી નથી, નિયમિત, લાંબો સમય સેવન કરવાથી ક્રમશ: વધે છે. આ લખનાર પોતે વર્ષોથી ગળો (ગિલોય)નું સેવન નિયમિત કરે છે, પણ એનાથી કોરોના મટી જાય કે એનો ચેપ ન લાગે એવું કોઈને કહેતો નથી. આયુર્વેદ પર મને ખૂબ વિશ્વાસ છે, પણ બધા રોગનો સચોટ ઉપાય આયુર્વેદમાં છે એવું ક્યારેય માની ન શકાય. તુલસી, નાળિયેર વગેરે બાબતે પણ આવા દાવા તમે સોશ્યલ મીડિયા પર વાંચશો પણ અને માની લેશો નહીં.
‘વબા ફૈલી હુઈ હૈ હર તરફ,
અભી માહોલ મર જાને કા નઈ.’
રાહત ઇન્દોરીનો આ શેર અત્યારની પરિસ્થિતિને એકદમ ચોટડૂંક લાગુ પડે છે. ‘બુલાતી હૈ મગર જાને કા નઈ’ ગઝલના આ શેર છે. ‘બુલાતી હૈ મગર જાને કા નઈ’ ગઝલ કંઈક અચાનક જ સોશ્યલ મીડિયા પર સુપરડુપર હિટ થઈ ગઈ છે. એના પર ગીતો બન્યાં છે, મીમ્સ બન્યાં છે, મિલ્યન્સ લાઇક્સ અને વ્યુ એને મળે છે. આ શેરમાં કહેવાયું છે કે ‘વબા ફૈલી હુઈ હૈ હર તરફ.’ ચારે તરફ મહામારી ફેલાયેલી છે, પણ અત્યારે માહોલ મરી જવાનો નથી. આ જ શેર રાહત ઇન્દોરીએ એક મહેફિલમાં એવો કહ્યો હતો કે ‘અર્થિયાં હી અર્થિયાં ફૈલી હુઈ હૈ હર તરફ, અભી માહોલ મર જાને કા નઈ.’ જો આપણે કોરોના વિશે સતર્ક નહીં રહીએ, સાવધાન નહીં રહીએ, સચેત નહીં રહીએ, સંયમ અને સ્વચ્છતા નહીં રાખીએ તો જેમ ઇટલીમાં આ શેર સાચો પડ્યો છે એમ અહીં પણ થઈ શકે. આપણે બધાએ આ લડાઈ લડવાની છે, દરેક યોગદાન આપવાનું છે, કોરોનાને હરાવવાનો છે. વિજય નિશ્ચિત છે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK