કોરોના કૅરઃ કન્ટ્રોલથી ઉત્તમ બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે કન્ટ્રોલને જ પ્રાધાન્ય મળવું જોઈએ

Published: Mar 19, 2020, 11:19 IST | Manoj Joshi | Mumbai Desk

મેરે દિલ મેં આજ ક્યા હૈ? : ચાર લોકોને એકત્રિત થવાની મનાઈ છે ત્યારે ટ્રેનમાં ભરાઈ-ભરાઈને રહેવું હિતાવહ નથી. બહેતર છે કે ટ્રેન-બસનો ઉપયોગ કરવાનું ટાળો અને શક્ય હોય તો બહાર જવાનું પણ અવૉઇડ કરો.

કોરોનાવાયરસ
કોરોનાવાયરસ

ટ્રેન બંધ નથી કરવામાં આવી, બસો પણ હજી ચાલુ છે પણ એનો અર્થ એવો નથી કે આપણે ભાગતાં ફરવું અને ભાગતાં રહેવું. શક્ય હોય એટલો વપરાશ ટાળશો તો પરિસ્થિતિ કાબૂમાં રહેશે. ચાર લોકોને એકત્રિત થવાની મનાઈ છે ત્યારે ટ્રેનમાં ભરાઈ-ભરાઈને રહેવું હિતાવહ નથી. બહેતર છે કે ટ્રેન-બસનો ઉપયોગ કરવાનું ટાળો અને શક્ય હોય તો બહાર જવાનું પણ અવૉઇડ કરો. જરૂરી છે આ. કોરોનાના કૅરને પહોંચી વળવા માટે કન્ટ્રોલથી ઉત્તમ બીજું કંઈ છે જ નહીં. આ વાઇરસની દવા શોધાઈ નથી, શોધવાની બાબતમાં કામગીરી ચાલી રહી છે પણ એનું મારણ એટલી સહજ રીતે મળી શકે એવી શક્યતા પણ અત્યારના તબક્કે દેખાતી નથી. બહેતર છે કે સારવારને બદલે સાવધાની પર ધ્યાન આપીએ...અને જ્યારે મેડિસિનનો અભાવ હોય ત્યારે એ જ કરવું જોઈએ. કૅન્સરની કોઈ સારવાર નથી. જો તમને એવું લાગતું હોય કે કૅન્સરની સારવાર છે તો એના સ્ટેજ પર અસર કરે છે. કૅન્સર કયા સ્ટેજ પર છે એ મુજબ એની સારવાર નક્કી થાય છે, પણ જો સ્ટેજ જોખમી સ્તર પરનું હોય તો કૅન્સરની કોઈ સારવાર નથી એ તમારે સ્વીકારી લેવું પડે. કોરોનાની પણ સારવાર નથી અને કોરોના ચેપી છે એની જ આ બધી લપ છે.

બે દિવસ પહેલાં વાત થઈ કે કોરોનાનાં લક્ષણો પણ સામાન્ય ફ્લુ અને શરદી-ઉધરસ જેવાં છે, આ થઈ તેના બીજા નંબરના જોખમની વાત. અત્યારે ડ્યુઅલ સીઝન છે. સૌ કોઈને આ ડ્યુઅલ સીઝન નડી રહી છે અને દરેક પાંચમી વ્યક્તિનું શરીર આ ડબલ સીઝન સામે રિએક્ટ થઈ રહ્યું છે. એ જ રીતે રિએક્ટ થઈ રહ્યું છે જાણે કે કોરોનાનો પ્રારંભ હોય. આવા તબક્કે કડક હાથે કામ લેવું એ જ બેસ્ટ રસ્તો છે અને આ જ રસ્તો અત્યારે આપણે અપનાવીએ છીએ.

કોરોના સેકન્ડ સ્ટેજમાં આપણા દેશમાંથી પસાર થાય છે અને અત્યારે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ કૅન્સરના થર્ડ સ્ટેજને જમ્પ મરાવવાની છે. કોરોનાના સ્ટેજ વિશે જાણકારી ન હોય તો એ મેળવી લેવી જોઈએ. પહેલા સ્ટેજમાં પહેલો પેશન્ટ જોવા મળે છે. બીજું સ્ટેજ જે છે એમાં વાઇરસ એક્ટિવ થઈને એક કરતાં વધારે પેશન્ટમાં દેખાવાનો શરૂ થાય છે. ત્રીજા સ્ટેજમાં એ વાઇરસ માસ એટલે કે સમૂહને અડફેટે લેવાનું ચાલુ કરે છે અને ચોથા સ્ટેજમાં કોરોના મુક્ત શહેર કે દેશ જાહેર થાય છે. આપણે બે સ્ટેજ ક્રોસ કરી લીધા છે અને ત્રીજું સ્ટેજ જોખમી છે. આ ત્રીજા સ્ટેજમાં આપણે દાખલ થવું ન પડે કે કોરોના એ સ્ટેજમાં ભારતને ઢસડી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આ ત્રીજું સ્ટેજ ભારોભાર જોખમી છે અને એટલું તો તમને પણ સમજાઈ રહ્યું હશે. ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને દેશની અન્ય રાજ્ય સરકાર આ જ દિશામાં કામ કરી રહી છે કે આપણે હવે સીધા ચોથા સ્ટેજ પર દાખલ થઈએ અને કોરોનાનો અંત આવે. આવતાં પંદર દિવસ જોખમી છે અને એ જોખમને જ આપણે ટાળવાનું છે. પ્રશાસનને સાથ આપવાનો છે અને તેમણે બનાવેલા નિયમોનું પાલન કરવાનું છે. જો આ કામ થઈ શક્યું તો...અને તો જ કોરોનાની સામે આપણે અડીખમ ઊભા રહી શકીશું.
એક વાત યાદ રાખજો, વાંરવાર કહેવાનું મન થાય છે : સારવાર કરતાં પણ સાવધાની ચડિયાતી છે અને આપણે સાવધાનીનો માર્ગ અપનાવેલો રાખવાનો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK