મુંબઈમાં કોવિડ વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો હોવાનું લાગે છે. ગઈ કાલે ડિસેમ્બર ૨૦૨૦ બાદ એક જ દિવસમાં સૌથી વધુ ૮૨૩ નવા કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં કોવિડના કુલ કેસની સંખ્યા ૩,૧૭,૩૧૦ થઈ છે, જ્યારે વધુ પાંચ દરદીનાં મૃત્યુ સાથે મૃત્યાંક ૧૧,૪૩૫ થયો હતો. નવા કેસમાં વધારો થવાથી શહેરમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૬૫૭૭ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે નવા નોંધાઈ રહેલા ૯૦ ટકા કેસ બિલ્ડિંગોમાંથી આવી રહ્યા છે. આ જ કારણસર પાલિકા જે બિલ્ડિંગમાં પાંચ કે એથી વધુ કેસ નોંધાશે એ સીલ કરવાનું વિચારી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકા અધિકારીએ જણાવ્યા મુજબ બુધવાર અને ગુરુવારે ૭૦૦થી વધુ કોવિડના નવા કેસ આવ્યા બાદ ગઈ કાલે ૮૨૩ નવા કેસ નોંધાયા હતા, જે ડિસેમ્બર ૨૦૨૦ બાદનો સૌથી મોટો આંકડો છે. ગુરુવાર સુધી મુંબઈમાં કોવિડના નવા કેસ વધવાની ટકાવારી ૦.૧૭ ટકા હતી, જે શુક્રવારે ૦.૧૮ ટકા થઈ છે. અગાઉ ૪૧૭ દિવસે કેસ ડબલ થતા હતા એ હવે ૩૯૩ દિવસ થયા છે એટલે ચિંતા વધી છે.
ઘાટકોપરના ‘એન’ વૉર્ડમાં કોવિડના વધુ કેસ ધરાવતી ૨૧ ઇમારત સીલ કરાઈ છે, જ્યારે મુલુંડના ‘ટી’ વૉર્ડમાં છેલ્લા ૧૦ દિવસમાં ૩૮૭ કેસ ઊંચી ઇમારતોમાંથી આવ્યા છે.
ઘાટકોપરના ‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અજિતકુમાર આંબીએ કહ્યું હતું કે ‘અત્યારે નોંધાઈ રહેલા ૯૦ ટકા કેસ સ્લમ નહીં, પણ બિલ્ડિંગોમાં છે. આ જ કારણસર પાલિકાએ પાંચથી વધુ કેસ નોંધાય એ ઇમારત સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ વૉર્ડમાં જોકે ચિંતાજનક નવા કેસનો વધારો નથી થયો, પણ અહીં અત્યારે ૨૧ ઇમારતો સીલ છે.’
મુલુંડના ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિશોર ગાંધીએ કહ્યું કે ‘છેલ્લા ૧૦ દિવસમાં અહીં નોંધાયેલા કોવિડના કુલ કેસમાંથી ૩૮૭ ઇમારતો અને ૪ સ્લમના છે. આ વૉર્ડમાં ૩૦ ટકા લોકો સ્લમમાં રહે છે એથી અહીં દરરોજ ૧૦૦ નવા કેસ નોંધાવા જોઈએ એની સામે માત્ર ૧ ટકા કેસ જ આવી રહ્યા છે. ૧૯૦ ઇમારતમાં ૩૮૭ કેસ નોંધાતાં બિલ્ડિંગદીઠ બેથી ત્રણ કેસ આવી રહ્યા છે.’
નવા કેસ ફરી વધી રહ્યા હોવાથી પાલિકા દ્વારા વાઇરસને ટ્રેસ કરવા માટે ટેસ્ટિંગમાં પણ વધારો કરાયો છે. દરરોજ સરેરાશ ૧૫,૦૦૦ લોકોની કોવિડ-ટેસ્ટ થાય છે.
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી હતી; પરંતુ હવે ધારાવી, માહિમ અને દાદરમાં ફરી કેસ વધી રહ્યા છે. ધારાવી કરતાં માહિમમાં વધારે દરદીઓ છે. છેલ્લા ૨૪ કલાકમાં માહિમમાં નવા ૧૩ કોવિડ પેશન્ટ નોંધાવાની સાથે અહીં ઍક્ટિવ કેસનો આંકડો ૧૧૮ થયો છે. દાદરમાં નવા ૩ કેસ નોંધાયા હતા, પરંતુ અહીં પણ ઍક્ટિવ કેસ ૯૪ થવાથી અહીંની સ્થિતિ પર પાલિકા વિશેષ ધ્યાન આપી રહી છે.
ફેરિયાઓનો બહિષ્કાર
28th February, 2021 08:13 ISTસોસાયટીઓએ ફરી રાખવી પડશે લોકોની અવરજવરની નોંધ
28th February, 2021 08:09 ISTDeshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 IST