Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેસ ઘટ્યા છે, પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે દેશ ‌મહામારીથી મુક્ત છે

કેસ ઘટ્યા છે, પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે દેશ ‌મહામારીથી મુક્ત છે

13 February, 2021 11:55 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

કેસ ઘટ્યા છે, પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે દેશ ‌મહામારીથી મુક્ત છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેસ ઘટવા માંડ્યા છે અને એ સૌથી સારી વાત છે, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે કોવિડ દેશ છોડીને ચાલ્યો ગયો છે. ના, કોવિડ હજી પણ દેશમાં અને મુંબઈમાં છે અને એની સામે સલામતી ધરી રાખવી હજી પણ એટલી જ આવશ્યક છે. કોવિડની વૅક્સિન પણ આવી ગઈ અને ફ્રન્ટલાઇન વૉરિયર્સને એ આપવાનું શરૂ પણ થઈ ગયું, એનાં હકારાત્મક રિઝલ્ટ આવવાનાં પણ શરૂ થઈ ગયાં છતાં ભૂલવાનું નથી કે કોવિડ હજી પણ દેશમાં, મુંબઈમાં અકબંધ છે.

કોવિડની બાબતમાં આપણે માટે સૌથી સારી વાત જો કોઈ હોય તો એ જ છે કે છેલ્લા એક-દોઢ મહિનાથી કેસ જબરદસ્ત રીતે કાબૂમાં આવવાના શરૂ થઈ ગયા છે. કેસ કાબૂમાં આવ્યા છે, પણ સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત થઈ નથી કે દેશમાંથી કોવિડે વિદાય લઈ લીધી છે. કોવિડ ફરીથી ઊથલો મારી શકે છે અને એ જો ઊથલો મારશે તો આ વખતે ભયાનક રીતે સૌકોઈને હેરાન કરી મૂકશે એવું પણ સ્પષ્ટ લાગે છે. માણસો એને ભૂલવા માંડ્યા છે, લોકોને હવે કોવિડની અસર ક્યાંય દેખાઈ નથી રહી. તમે જઈને જુઓ જુહુ-ચોપાટી અને ગિરગામ ચોપાટી, ખરા અર્થમાં કીડિયારું ઊભરાયું હોય એવું વાતાવરણ દર વીક-એન્ડમાં દેખાય છે. માસ્કની આવશ્યકતા છે એવું કોઈ સ્વીકારે કે નહીં, પણ એ નહીં હોય તો દંડ ચૂકવવો પડશે અને ૨૦૦ રૂપિયાનો સરકારી ચાંદલો આવશે એનો ભય છે અને આ ભયને લીધે જ માસ્ક ભુલાતો નથી, પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ તો રીતસર ભૂલી જવામાં આવ્યું છે.



છહ ફુટ કી દૂરી. હવે કોઈને નિસબત નથી. હવે કોઈને યાદ પણ નથી. પહેલાં જેવું જ મુંબઈ થઈ ગયું છે અને પહેલાં જેવી જ નિષ્ફિકરાઈ સૌકોઈના મનમાં પ્રસરી ગઈ છે. માનો કે કોવિડે દમ તોડી નાખ્યો, કોવિડ દેશ છોડીને નીકળી ગયો, કોવિડની મહામારીનો અંત આવી ગયો. ના, ના અને ના જ. કોવિડ આજે પણ અકબંધ છે અને આજે પણ કોવિડના કેસ આવી રહ્યા છે. તમે જુઓ, સરકારી આંકડાઓની સામે ઑલમોસ્ટ એટલા જ આંકડા એવા પણ છે જે જાહેરમાં નથી આવતા. સરકાર આંકડાઓ છુપાવે છે એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ સરકાર સુધી એ આંકડા પહોંચી નથી રહ્યા એવું કહેવાનો ભાવાર્થ ચોક્કસ છે.


કોવિડના આ પિરિયડને જો હેમખેમ પાર કરવો હોય તો સજાગતા અકબંધ રાખવી પડશે અને જે જાગૃતિ મેળવી હતી એને કોરાણે મૂકવાને બદલે ડ્રાઇવિંગ-સીટ પર રાખવી પડશે. અગાઉ કહ્યું હતું એમ, કાઢ્યો છે એટલો સમય હવે કાઢવાનો નથી, તો પછી ધીરજ છોડવી શું કામ, શું કામ જાતને જોખમમાં મૂકવી અને શું કામ પરિવાર પર નાહકનું જોખમ ઊભું કરવું? જો શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળતા રહો. જરૂર નથી કે હર્ડ ઇમ્યુનિટી દરમ્યાન સૌકોઈ એમાંથી ક્ષેમકુશળ બહાર આવી જાય. જરૂરી એ પણ નથી કે હર્ડ ઇમ્યુનિટીને દરેકેદરેક વ્યક્તિ પાર કરી શકે. ના, જરા પણ જરૂરી નથી અને એટલે જ કહેવાનું કે કોવિડને ભૂલવાની ભૂલ બિલકુલ કરવાની નથી. કોવિડ હજી છે અને એની અડફેટે જો ચડ્યા તો હેરાનગતિ પણ પારાવાર છે. ખાસ તો યાદ રાખવાનું છે કે કોવિડ તમારા દ્વારા તમારી ફૅમિલીને અડફેટે ન લે અને એવું ન બને એને માટે તેમને પણ આવશ્યક જરૂરિયાત વિના બહાર નીકળવાની પરમિશન નહીં આપો.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 11:55 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK