Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નસીબદાર છો કે તમે એક આંકડો બનીને કોરોનાના પેશન્ટ તરીકે જાહેર નથી થતા

નસીબદાર છો કે તમે એક આંકડો બનીને કોરોનાના પેશન્ટ તરીકે જાહેર નથી થતા

10 April, 2020 09:18 AM IST | Mumbai Desk
Manoj Joshi | manoj.joshi@mid-day.com

નસીબદાર છો કે તમે એક આંકડો બનીને કોરોનાના પેશન્ટ તરીકે જાહેર નથી થતા

નસીબદાર છો કે તમે એક આંકડો બનીને કોરોનાના પેશન્ટ તરીકે જાહેર નથી થતા


અત્યારે ટીવી-ન્યુઝ જોતાં દરેક ક્ષણે ભાગ્યશાળી હોય એવી લાગણી તીવ્ર થઈ રહી છે અને ઘરમાં રહીને બુદ્ધિનો સદુપયોગ કર્યો હોવાનો અનુભવ થાય છે. આ અનુભવ સમય જતાં ફરીથી રઘવાટમાં બદલાઈ જાય છે અને બદલાયેલા એ રઘવાટ વચ્ચે નવેસરથી ચિંતા મનમાં આવી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. હકીકતમાં તો એમ કહેવું જોઈએ કે આ ચિંતાનો સમય નથી. ચિંતાનો સમય તો આગળ આવવાનો છે. જો તમે એમ માનતા હો કે ૧૪ એપ્રિલ પછી શાંતિ થઈ જશે અને બધું રાબેતા મુજબ ચાલવા માંડશો તો તમારી એ ભૂલ છે. ૨૦૨૦ની ૧૪ એપ્રિલ પછી પણ કોરોના-ચૅપ્ટર ચાલુ જ રહેવાનું છે, એ પૂરું નથી થવાનું.
આવતા સમયમાં જીવનની રૂપરેખા પણ બદલાયેલી હોય એવું બની શકે છે અને ડિસેમ્બર સુધી કોરોનાનો ઓથાર અકબંધ રહે એવું પણ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચીનની હિસ્ટરી તમે જોઈ લેશો તો એમાં તમને ઑક્ટોબરથી માર્ચ સુધીની હિસ્ટરી દેખાશે. ચીને જે કામગીરી કરી એ કામગીરી સરાહનીય હતી એ પણ સ્વીકારવું રહ્યું. આપણે ઝડપથી આગળ વધી શકીએ એવી શક્યતા ઓછી છે એટલે આપણે તૈયારી રાખવી પડશે કે કોરોનાની આડઅસર લાંબો સમય રહી શકે છે.
આવા સમયે ઇન્ડસ્ટ્રીથી માંડીને ઇકૉનૉમીની ચર્ચા કરનારા અને ચિંતા દાખવનારાઓ જેવા મૂર્ખ કોઈ નથી એવું કહેવામાં મને જરાય સંકોચ નથી થતો, કારણ કે અત્યારે સૌથી પહેલી મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ એક જ છે કે આખા માનવ સમુદાયના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને કોરોના-ઇન્ફેક્શન લાગ્યું હોય એવી શક્યતા પર પણ કામ થઈ રહ્યું છે તો દેશના વડા પ્રધાન પણ પોતાની કૉન્ફરન્સમાં અન્ય સાથીઓથી એક મીટરનું અંતર રાખતા દૃશ્યમાન થાય છે. આ જે સાવધાની છે એ સાવધાની જ દેખાડે છે કે કોરોના ખરેખર વિકરાળ છે અને જ્યારે તકલીફ વિકરાળ સ્વરૂપમાં હોય ત્યારે ભવિષ્યની નહીં, વર્તમાનની ચિંતા કરવાની હોય. આવા સમયે આવનારા દિવસોની ચિંતા કરવાની જરૂર નથી. આપણે હંમેશાં ફાઇટ આપીને આગળ નીકળતા રહ્યા છીએ. નોટબંધી સમયે રડનારાઓએ આજનો સમય યાદ કરવો જોઈએ. જીએસટીથી દેશ ખતમ થઈ જશે એવું કહેનારાઓએ પણ જોઈ લેવું જોઈએ કે એવું કશું થયું નથી તો સ્વાભાવિક રીતે કોરોનાના નામના છાજિયા લઈને દેકારો કરનારાઓએ પણ સમજવાની જરૂર છે કે કોરોના પણ દેશનું કશું બગાડી નથી શકવાનો, પણ એ બગાડશે અને દેશ ખતમ થઈ જશે, ફલાણી અને ઢીકણી ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે એવી વાતો કરીને નકારાત્મકતા ફેલાવવાનું બંધ કરવું જોઈએ. અત્યારે વાતાવરણ નકારાત્મક છે ત્યારે નાહકની નકારાત્મકતાને ફેલાવવાની આવશ્યકતા નથી. બહેતર છે કે આજ પર ધ્યાન આપો, વર્તમાનને બેસ્ટ કરો. જો વર્તમાન ઉત્તમ હશે તો અને તો જ આવનારો સમય ઉત્તમ બનશે. આવતી કાલ મહત્ત્વની છે, પણ એના સુધી પહોંચવા માટે આજને પાર કરવાની છે અને આજને પાર કરવા માટે કોરોનાથી લડવાનું છે. મહદંશે શાંતિ રાખી છે અને હજી પણ શાંતિ રાખવાની છે. ૨૧ દિવસના લૉકડાઉન પછી ધારો કે લૉકડાઉન વધે તો પણ તૈયારી રાખવાની છે અને ધારો કે લૉકડાઉન વધારવામાં ન આવે તો સાવચેતી તો રાખવાની જ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 09:18 AM IST | Mumbai Desk | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK