વસઈ-વિરાર-પાલઘર બેલ્ટમાં કોરોના-બૉમ્બ ટિક ટિક થાય છે

Published: Apr 04, 2020, 09:49 IST | Diwakar Sharma and Faizan Khan | Mumbai Desk

કોવિડ-૧૯ પરીક્ષણની અપૂરતી સુવિધાને લીધે ખરેખર કેસ કેટલા છે એનો જ અંદાજ નથી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી)માં મૂળભૂત સુવિધાઓનો અભાવ અને અપૂરતી ટેસ્ટિંગ કિટ્સને કારણે પાલઘર જિલ્લાના વસઈ-વિરાર બેલ્ટના ડૉક્ટરો તથા મેડિકલ સ્ટાફમાં ભયનું મોજું ફરી વળ્યું છે. તેઓ માને છે કે આ વિસ્તારમાં કોવિડ-૧૯ના પરીક્ષણનો નબળો દર તેમને માટે ભયંકર પરિણામ નીપજાવી શકે છે, કારણ કે અહીં પૉઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સત્તાધીશો પરિસ્થિતિની ગંભીરતાની ઉપેક્ષા કરી રહ્યા છે.

વસઈ-વિરાર તાલુકાના પીએચસી ખાતે કોઈ પણ પ્રકારના પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) સૂટ વિના કામ કરી રહેલા ડૉક્ટરોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના શંકાસ્પદ દરદીઓના એકત્રિત કરવામાં આવેલા નમૂના મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલને મોકલવામાં આવ્યા હતા. હૉસ્પિટલ અગાઉથી જ આરોગ્યલક્ષી સમસ્યાઓનું અતિભારણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે ખાનગી લૅબ્સ પાસે પૂરતી ટેસ્ટિંગ કિટ્સ નહોતી.

પાલઘર જિલ્લા પરિષદના એક સિનિયર મેડિકલ ઑફિસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્વેબનો રિપોર્ટ આવતાં આશરે એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. પ્રાઇવેટ લૅબની ટીમ પાસે ટેસ્ટિંગ કિટ્સ ઉપલબ્ધ હોય તો જ તેઓ શંકાસ્પદ દરદીનાં સૅમ્પલ્સ લેવા આવે છે. અગાઉ તેમને ફોન કરતાંવેંત તેઓ હાજર થઈ જતા હતા, પણ હવે તેઓ સ્વેબ લેવામાં ઓછામાં ઓછા ચાર દિવસ લગાડે છે.
એક વખત નમૂનો લેવાઈ જાય ત્યાર બાદ ખાનગી લૅબ અમને રિપોર્ટ આપવામાં બીજા ચાર દિવસ લગાડે છે. આમ કુલ મળીને આ સમગ્ર પ્રક્રિયા પાછળ એક અઠવાડિયા કરતાં વધુ સમય લાગે છે અને એ સમયગાળો શંકાસ્પદ દરદીઓ માટે સાચે અત્યંત વિકટ હોય છે.

ગયા સપ્તાહે ‘મિડ-ડે’એ વસઈ-વિરાર તાલુકામાં વસઈ, નાલાસોપારા, ભટાને, માંડોવી અને આગાશી મળી પાંચ પીએચસીની મુલાકાત લીધી હતી અને એનાં સંકુલોમાં રાખવામાં આવેલી ઍમ્બ્યુલન્સ વર્ષોથી ધૂળ ખાતી પડી હોવાનું જાણવા મળ્યું હતું. દરદીઓને આઇસોલેશન સેન્ટરમાં ખસેડવા જરૂરી હોય ત્યારે આ ઍમ્બ્યુલન્સ બસો ખોરવાઈ ગયેલી હોય છે.
પીએચસીની આવી નબળી સુવિધાઓને કારણે વસઈ તાલુકામાં ખાનગી હૉસ્પિટલોને મોકળું મેદાન મળી ગયું છે એમ અન્ય એક ડૉક્ટરે જણાવ્યું હતું.

‘અમારા પર કામનું પ્રચંડ ભારણ છે, કારણ કે કોરોના વાઇરસે દેખા દીધી ત્યારથી અમારી પાસે ઓપીડીમાં આશરે ૧૦,૦૦૦ દરદીઓ છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ સુવિધાઓના અભાવે અમને ત્યાંથી પણ ઘણા કેસ મળી રહ્યા છે. આ જિલ્લાઓએ રાજ્ય સરકારનો સંપર્ક સાધવો જોઈએ, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી નમૂનાનું પરીક્ષણ પણ કેઈએમ અને જેજે હૉસ્પિટલ સહિતની અન્ય હૉસ્પિટલોમાં થાય છે.’ – કસ્તુરબા હૉસ્પિટલનાં ડેપ્યુટી હેલ્થ ઑફિસર દક્ષા શાહ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK