કોરોના અને કન્ટેજેનઃ રીલ ને રિયલનો સંગમ

Published: Apr 04, 2020, 19:32 IST | Raj Goswami | Mumbai Desk

બ્લૉકબસ્ટર, ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો : લોકોને આ ફિલ્મમાં નવેસરથી રસ પડી રહ્યો છે એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે ફિલ્મમાં અને વાસ્તવમાં જે થઈ રહ્યું છે એ બન્ને વચ્ચે ગજબનું સામ્ય છે

કન્ટેજેન ફિલ્મમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપનાર વરિષ્ઠ વેટરનરી પૅથોલૉજિસ્ટ ટ્રેસી મૅક્નામારા કહે છે કે લોકોને આ ફિલ્મમાં નવેસરથી રસ પડી રહ્યો છે એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે ફિલ્મમાં અને વાસ્તવમાં જે થઈ રહ્યું છે એ બન્ને વચ્ચે ગજબનું સામ્ય છે

વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી શરૂ થઈ છે ત્યારથી ૨૦૧૧માં બનેલી હૉલીવુડની ફિલ્મ ‘કન્ટેજેન’ (સંક્રમણ) દર્શકોમાં ધૂમ મચાવી રહી છે. સ્ટીવન સૉડરબર્ગ નિર્દેશિત આ ફિલ્મમાં કોરોના જેવા એક અજાણ્યા વાઇરસની કહાની હતી, જેની કોઈ રસી નથી અને એ વાઇરસ લોકોને તબાહ કરી રહ્યો છે. બહુબધા દર્શકોને આ ફિલ્મ જોઈને આંચકો લાગ્યો છે. કોરોના વાઇરસની આટલી સટીક ‘ભવિષ્યવાણી’ ૯ વર્ષ પહેલાં કેવી રીતે થઈ શકે? આજે અજાણ્યો કોરોના વાઇરસ જે રીતે દુનિયાને ધમરોળી રહ્યો છે એવી જ રીતે ‘કન્ટેજેન’માં પણ વાઇરસે મેડિકલ સાયન્સને ચૅલેન્જ આપી હતી.

હૉન્ગકૉન્ગથી પાછી આવેલી બેથ એમ્હોફ (ગ્યાનેથ પાલ્ત્રો) રસ્તામાં શિકાગોમાં તેના ભૂતપૂર્વ પ્રેમીને મળવા રોકાય છે. તે ઘરે આવે છે. તેને અચાનક ખેંચ આવે છે. તેનો પતિ (મૅ ડેમોન) તેને હૉસ્પિટલ લઈ જાય છે, જ્યાં તેનું મોત થાય છે. પતિ ઘરે પાછો આવે છે ત્યારે તેનો સાવકો દીકરો પણ એ જ રીતે મરેલો મળે છે.
આ રીતે વાઇરસ ફેલાવા માંડે છે. યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલના ડૉક્ટરોને બહુબધા દિવસ સુધી ખબર જ પડતી નથી કે આ નવા વાઇરસની ગંભીરતા કેટલી છે. પહેલાં તો તેમણે એ જાણવાનું છે કે આ વાઇરસ છે શું અને પછી એનો સામનો કરવાનો ઉપાય વિચારવાનો છે. આ દરમ્યાન વાઇરસ વિશ્વમાં ફેલાવા માંડે છે, લોકો મરવા માંડે છે, બીમાર પાડવા માંડે છે, સામાજિક વ્યવસ્થા ખોરવાવા માંડે છે, લોકોમાં ગભરાટ થવા માંડે છે અને ત્યાર બાદ લૂંટફાટ અને હિંસા શરૂ થાય છે.
આ ફિલ્મમાં નિષ્ણાત તરીકે સેવા આપનાર લૉરી ગર્રેટે કહ્યું હતું કે ‘ફિલ્મસર્જકોનો ઇરાદો એક કલ્પનાને અદ્દલ વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવાનો હતો, જેથી રાજકીય નેતાઓ આવી સંભાવના સામે સચેત થાય.’
ગર્રેટ અમેરિકાની ફૉરેન રિલેશન કાઉન્સિલમાં વૈશ્વિક સ્વાસ્થ્ય વિભાગમાં સિનિયર ફેલો તરીકે કામ કરી ચૂકી છે. તેણે ૧૯૯૪માં ‘કમિંગ પ્લેગ’ નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં નવા જમાનાના રોગચાળાની વાત કરવામાં આવી હતી.
ફિલ્મની શરૂઆતની સ્ક્રિપ્ટમાં આ વાઇરસને ૧૯૧૮ના ફ્લુ વાઇરસ જેવો બતાવવાની યોજના હતી, જેમાં લાખો લોકો માર્યા ગયા હતા, પરંતુ ૨૦૦૯માં ‘સ્વાઇન ફ્લુ’ નામે ઓળખાયેલો એવો જ વાઇરસ ફેલાયો હતો જેણે નસીબજોગ બહુ ઓછી તબાહી મચાવી હતી એટલે સ્ક્રિપ્ટમાં વાઇરસ અજાણ્યો બતાવવામાં આવ્યો હતો.
સ્ક્રિપ્ટને ફરી લખવામાં આવી અને એક એવા કાલ્પનિક વાઇરસને તૈયાર કરવામાં આવ્યો જે હૉન્ગકૉન્ગથી શરૂ થયો હતો. કોલમ્બિયાના સેન્ટર ફૉર ઇન્ફેક્શન ઍન્ડ ઇમ્યુનિટીના ડિરેક્ટર ઇયાન લિપકિનની મદદથી આ વાઇરસને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. લૉરી ગર્રેટ કહે છે કે લોકોએ જોયું હતું કે એશિયામાંથી આવતી બીમારીઓને કારણે દુનિયામાં ખાસી તકલીફો થઈ હતી. લૉરીના કહેવા પ્રમાણે જંગલો કપાવાથી ચામાચીડિયાં અને પક્ષીઓ મુશ્કેલીમાં છે. ‘કન્ટેજેન’માં એક ચામાચીડિયાના મોઢામાંથી ખાવાનો ટુકડો નીચે પડી જાય છે, જેને એક સુવ્વર ખાઈ જાય છે. આ સુવ્વર પછી કસાઈખાને કપાઈ જાય છે અને એનું માંસ વેચાય છે અને એ રીતે આ વાઇરસ માણસોના શરીરમાં પહોંચી જાય છે.
ચીનના વુહાન શહેરમાંથી આવેલા કોરોના વાઇરસની પણ આવી જ કહાની છે અને એટલે જ દર્શકો આ સામ્યતાથી દંગ રહી ગયા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઇરસ પણ ચામાચીડિયામાંથી જ આવ્યો છે. લૉરી ગર્રેટના કહેવા અનુસાર ચામાચીડિયાની લાળમાં અનેક પ્રકારના ઘાતક વાઇરસ હોય છે. ‘કન્ટેજેન’ ફિલ્મમાં એ બતાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં આવો કોઈ વાઇરસ માનવવસ્તીમાં પ્રવેશે તો દુનિયામાં શું થઈ શકે.
‘કન્ટેજેન’ ફિલ્મમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપનાર વરિષ્ઠ વેટરનરી પૅથોલૉજિસ્ટ ટ્રેસી મૅક્‍નામારા કહે છે કે લોકોને આ ફિલ્મમાં નવેસરથી રસ પડી રહ્યો છે એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે ફિલ્મમાં અને વાસ્તવમાં જે થઈ રહ્યું છે એ બન્ને વચ્ચે ગજબનું સામ્ય છે. તે કહે છે કે ‘લોકો હવે ફરીથી જોઈ રહ્યા હોય અને સરકારી ઑફિસરો પણ એ ફિલ્મ ફરીથી જોઈ રહ્યા હોય તો એનો અર્થ એ થયો કે એક નવી મહામારી શું હાલ કરી શકે છે એની હવે સમજ પડી રહી છે. મને એમ થાય છે કે લોકોએ જે-તે વખતે આ ફિલ્મને ગંભીરતાથી લેવાની જરૂર હતી. સરકાર માટે એ એક ચેતવણી હતી કે આવું થઈ શકે છે અને એને માટે તૈયારી કરવી જોઈએ.’
ફિલ્મમાં બીજું એક સામ્ય લોકોને સ્પર્શી ગયું છે અને એ પ્રેસ-કૉન્ફરન્સ છે, જેમાં સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલના એક અધિકારીને પૂછવામાં આવે છે કે શું વાઇરસનો શાસ્ત્ર (બાયોટેરરીઝમ) તરીકે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે તેઓ કહે છે, ‘પ્રકૃતિ એને શસ્ત્ર બનાવીને આપણને મારી રહી છે.’
મૅક્‍નામારા કહે છે, ‘આ બહુ અસલી છે, કારણ કે ૨૦ વર્ષથી અમે આ ચેતવણી આપી રહ્યા હતા.’
તમે સમાચારોમાં વાંચ્યું હશે કે ચીનના વુહાન શહેરમાં સૌપ્રથમ કોરોના વાઇરસના ખતરાની ઘંટડી વગાડનાર એક ડૉક્ટરને પહેલાં પોલીસે ધમકાવીને ચૂપ કરી દીધો હતો અને પછી તેનું જ કોરોનાના ચેપમાં મોત થયું હતું. ‘કન્ટેજેન’માં વાઇરસની રસી શોધવાનું કામ કરનાર ડૉ. ઇરિન મિયર્સ (કૅટ વિન્સ્લેટ) પણ એ જ વાઇરસથી મરી જાય છે.
ફિલ્મની શરૂઆતમાં ઇરિન મિયર્સ વૈજ્ઞાનિકો અને સરકારના અધિકારીઓની એક મીટિંગમાં કહે છે કે આ વાઇરસનું જોખમ એ હકીકતમાં છે કે તે મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાય છે અને એના ફેલાવાની જગ્યાઓ અનેક છે. મિયર્સ કહે છે ‘સરેરાશ લોકો તેમના ચહેરાને આખા દિવસમાં ૨૦૦૦થી ૩૦૦૦ વખત અડે છે. મતલબ દર મિનિટે ત્રણથી પાંચ વખત. એ ઉપરાંત આપણે ઘરના નકૂચાઓને અડીએ, પાણીના નળને બંધ-ચાલુ કરીએ, લિફ્ટનાં બટન દબાવીએ અને એકબીજાને પણ અડીએ છીએ.’
સોશ્યલ ડિસ્ટન્સિંગની ખબર આપણને અત્યારે પડી, પરંતુ આ ફિલ્મમાં એનો પહેલી વાર સંદર્ભ હતો. સ્પર્શનો મુદ્દો ‘કન્ટેજેન’માં કેન્દ્રમાં છે અને મોટા ભાગના લોકોને એનું મહત્ત્વ ત્યારે સમજાયું નહોતું. ફિલ્મમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે વાઇરસની રસી શોધવામાં કેટલી વાર લાગે છે. મૅક્‍નામારા કહે છે, ‘ફિલ્મમાં એ વાઇરસની રસી ઉપલબ્ધ નહોતી અને એને વિકસાવતાં બહુ વાર લાગી હતી અને એ પછી પણ તમને મળે એ તો લૉટરી કહેવાય. કોરોના વાઇરસ આવ્યા પછી ખબર પડી કે એની રસી બનાવતાં કેટલી વાર લાગે છે.’
મૅક્‍નામારા કહે છે, ‘આ ફિલ્મ જોયા પછી લોકોને એ શીખવા મળશે કે અજાણ્યા વાઇરસનો સામનો કરવાનો થાય તો શું કરવું જોઈએ. આપણે આમાંથી કાંઈક શીખીએ તો સારું, કારણ કે આપણને હેન્ડ્ર વાઇરસ, એચ૧એન૧, મન્કી પૉક્સ, વેસ્ટ નાઇલ અને બીજા અનેક વાઇરસોએ અગાઉ ચેતવ્યા જ હતા.’
પણ સૌને પજવતો સવાલ એ છે કે ‘કન્ટેજેન’માં જે રીતે અજાણ્યા વાઇરસની કહાની કોરોનાને મળતી આવે છે તો શું ફિલ્મમાં જે રીતે લોકો લૂંટફાટ અને હિંસા કરે છે એવું અસલી જિંદગીમાં પણ થશે? અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાની ઇકૉનૉમીમાં નિષ્ણાત ડૉ. ગૅરી એમ. શિફમૅન કહે છે કે એવું નહીં થાય. તેઓ લખે છે, ‘મેં સામાજિક હિંસાનો બહુ અભ્યાસ કર્યો છે. હિંસાના વ્યવહારનું એક વિજ્ઞાન છે. માણસોમાં ખુદનું રક્ષણ કરવાની વૃત્તિ હોય છે. યુદ્ધમાં કે મહામારીમાં લોકોને ચીજવસ્તુઓની અછતનો ડર લાગે. આપણે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે લડાઈ કરીએ, કારણ કે ખુદને અને પરિવારને બચાવવાનો છે. ઘણી વાર આપણે અછત સર્જાશે એવી કલ્પના કરીને અછત ઊભી કરીએ છીએ, જેમ અત્યારે ટૉઇલેટ પેપરનું થઈ રહ્યું છે.’
‘કન્ટેજેન’માં આવાં જ દૃશ્યો છે. ગભરાયેલા લોકો જે હાથમાં આવ્યું, જેટલું આવ્યું એ લઈને દુકાનો ખાલી કરી નાખે છે. કોરોનાને કારણે અમુક દેશોમાં અછતનો ડર ફેલાયો છે એ સાચું, પરંતુ દુકાનો ખાલી થઈ જાય એવી સ્થિતિ નહીં સર્જાય. શિફમૅન કહે છે, ‘ફિલ્મમાં મોતનો આંકડો ૩૦ ટકા છે,જ્યારે કોરોનાના જન્મસ્થળ વુહાનમાં પણ એ ૧.૪ ટકાની આસપાસ છે એટલે ફિલ્મમાં જે વાઇરસ છે એ કોરોના કરતાં પણ વધુ ઘાતકી છે. એ તો બાળકો, નવયુવાનો અને વૃદ્ધો તમામને ભરખી જાય છે. કોવિડ-19 એના જેટલો કાતિલ નથી એટલે ફિલ્મમાં છે એ સ્તરની અછત સર્જાય કે લોકો હિંસા પર ઊતરી આવે એવું નહીં બને. ઇટલીમાં સૌથી વધુ મોત થયાં છે અને વેન્ટિલેટર ખૂટી પડ્યાં છે, પણ લોકોએ હૉસ્પિટલોને ઊંધી નથી વાળી દીધી,’
શિફમૅન બીજો એક અગત્યનો મુદ્દો કહે છે કે ‘હિંસા ત્યારે હાથ બહાર જાય જ્યારે સરકારનું સ્થિતિ પર નિયંત્રણ ન હોય. કોરોનાના કેસમાં (અમેરિકન) સરકારના કામની ટીકા ચોક્કસ થઈ શકે, પરંતુ એણે લોકોના ડરને વધવા દીધો નથી.’
‘કન્ટેજેન’ ફિલ્મે ભલે ઘાતકી વાઇરસની ભવિષ્યવાણી સાચી પાડી, પણ હિંસાની એની કલ્પના સાચી ન પડે એવી આપણે આશા રાખીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK