Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તકને લઈને વિવાદ

‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તકને લઈને વિવાદ

14 January, 2020 10:03 AM IST | Mumbai

‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તકને લઈને વિવાદ

‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તકને લઈને વિવાદ


દેશભરમાં વિવાદ બાદ બીજેપીએ ‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તકને પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે શિવાજી મહારાજની કોઈની પણ સાથે સરખામણી સ્વીકાર્ય નથી. આવું પુસ્તક વડા પ્રધાનની ચમચાગીરી કરવા માટે લખાયું છે. બીજેપીએ જાહેર કરવું જોઈએ કે પક્ષને આ પુસ્તક સાથે કોઈ લેવાદેવા નથી. ‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તક બીજેપીના દિલ્હીના નેતા જય ભગવાન ગોયલે લખ્યું છે.
રાઉતે ઉમેર્યું હતું કે ‘આવું પુસ્તક લખનારા વડા પ્રધાનને ખુશ કરવા માટે ચાપલૂસી કરનારા હોય છે. આવા લોકો નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધારે છે. બીજેપીએ તેમનાથી છુટકારો મેળવવો જોઈએ. આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતાં સંજય રાઉતે કહ્યું હતું કે આ બાબતે તેમની વાત શિવસેનાપ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે થઈ છે.
રાઉતે કહ્યું હતું કે પુસ્તકના લેખક જય ભગવાન ગોયલ એક સમયે શિવસેનામાં હતા, પરંતુ દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં તેમણે હુમલો કરતાં તેમને પક્ષમાંથી હાંકી કઢાયા હતા. બીજેપીના નેતાઓ પ્રખર હિન્દુત્વવાદી સાવરકરના મુદ્દે ખૂબ સક્રિય જણાય છે. મને આશા છે કે આવી જ સક્રિયતા તેઓ આ મામલામાં દાખવશે.
દરમ્યાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ઉદયન રાજેના પિતરાઈ શિવેન્દ્રરાજે ભોસલેએ કહ્યું હતું કે આ કમનસીબી છે કે ચાપલૂસી કરનારા પક્ષની છબિને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. હું મારા પક્ષના નેતાઓને વિનંતી કરીશ કે આવા ચાપલૂસો, જે પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ હદે જાય છે એવા લોકો પર નજર રાખે. શિવાજી મહારાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવી સરખામણીનો હું વિરોધ કરું છું.’
એનસીપીના રાજ્યપ્રધાનો છગન ભુજબળ, જિતેન્દ્ર આવ્હાડ અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદેએ અગાઉ આ પુસ્તક સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સંભાજી રાજેએ રવિવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પક્ષની દિલ્હીની ઑફિસમાંથી પ્રકાશિત થયેલા પુસ્તક પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

શરદ પવારને ‘જાણતા રાજા’ કહે તો ચાલે? : સુધીર મુનગંટીવાર
છત્રપતિ શિવાજી મહારાજને ‘જાણતા રાજા’ની ઉપમા અપાઈ હતી. આ ઉપમા એનસીપીના ચીફ શરદ પવારને પણ અપાય છે. શરદ પવારના કેન્દ્રીય કૃષિપ્રધાન કાર્યકાળમાં અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી હતી છતાં તેમને જાણતા રાજાની ઉપમા આપવી યોગ્ય છે કે એવો સવાલ બીજેપીના વરિષ્ઠ નેતા સુધી મુનગંટીવારે કર્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એક પુસ્તકમાં શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરતાં વિવાદનો અંત આવ્યો હતો. ઇન્દિરા ગાંધીને કૉન્ગ્રેસીઓ ‘ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ કહેતાં. તેમની સરખામણી દુર્ગામાતા સાથે કરાયેલી ત્યારે કેમ કોઈએ વિરોધ નહોતો કર્યો?



લેખક જય ભગવાન ગોયલ શું કહે છે?
પુસ્તકના લેખક જય ભગવાન ગોયલે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષથી દેશમાં આતંકવાદી હુમલા થતા હતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ એક પણ આવો મોટો હુમલો નથી થયો. પાકિસ્તાનને દેશમાં ઘૂસણખોરી કર્યા બાદ આપણી સેના અને વડા પ્રધાન મોદીએ તેમના ઘરમાં જઈને હુમલો કર્યો. છત્રપતિ શિવાજી મહારાજ જેમ બધાનો વિચાર કરતા, માતા-બહેનોની સુરક્ષાનું ધ્યાન રાખતા એવી જ રીતે વડા પ્રધાન મોદી દેશની માતા-બહેનોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.


પુણેમાં પુસ્તકનો થયો વિરોધ
એનસીપી અને સંભાજી બ્રિગેડે ગઈ કાલે પુણેમાં પુસ્તકનો વિરોધ કર્યો હતો. લાલમહેલ વિસ્તારમાં કરાયેલા વિરોધ વખતે એનસીપીના નેતા પ્રશાંત જગતાપે શિવાજી મહારાજની સરખામણીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ મરાઠા યોદ્ધા શિવાજી મહારાજના ભવ્ય ઇતિહાસને ભૂંસવાનું પગલું છે. પુસ્તક પર ૪૮ કલાકમાં પ્રતિબંધ નહીં મુકાય તો વધુ વિરોધ-પ્રદર્શન થશે. આજે શિવાજી મહારાજ અને આવતી કાલે રાજસ્થાનના મહારાણા પ્રતાપ સાથે આવી તુલના થઈ શકે છે. બીજેપી-આરએસએસની મહાન હસ્તીઓના ઇતિહાસને ભૂંસવાના એજન્ડાનો આ એક ભાગ છે.’
‘આજ કે શિવાજી : નરેન્દ્ર મોદી’ પુસ્તકનો વિવાદ વધી રહ્યો છે ત્યારે બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે તમામ વિરોધીઓના આરોપને જવાબ આપતાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી શિવાજી મહારાજની કોઈ સાથે તુલના થઈ જ ન શકે. નરેન્દ્ર મોદી પણ આવી સરખામણી નહીં કરે. વિરોધીઓ રાઈનો પહાડ બનાવી રહ્યા છે. અમે લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ પુસ્તક પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2020 10:03 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK