શું તમે પણ માનો છો કે આ કામ તો સરકારનું છે?

Published: 29th November, 2020 19:01 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

...પણ સવાલ એ થાય કે આ સરકાર એટલે કોણ? આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ મુઠ્ઠીભર માણસો જ સરકાર કહેવાય? ચૂંટીને આપણે મોકલ્યા છે. આપણી જવાબદારી નહીં? એ ચૂંટાયેલા લોકો અમુકતમુક કામ કરવાના છે, પણ એ નથી કરતા એટલે દોષી તો છે જ, પણ.....

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાનો રોગચાળો સરકાર કાબૂમાં લઈ શકી નથી. હજારો લોકો મૃત્યુ પામ્યા, લાખો લોકો સંક્રમિત થયા, સરકાર કંઈ જ કરી શકતી નથી. ઘર-બાર વિનાના કરોડો માણસો રસ્તા પર ટૂંટિયું વાળીને પડ્યા છે. ભૂખ્યા-તરસ્યા અને રોગિષ્ઠ અવસ્થામાં પડ્યા છે. સરકાર કંઈ કરી શકતી નથી.

સરકાર એટલે કોણ?

જ્યારે મોકો મળે ત્યારે આવું બધું કહેવાનું આપણે ચૂકતા નથી. ભદ્ર, શિક્ષિત, સુખી-સંપન્ન ઘરના, ડાહ્યાડમરા આપણે સૌ મળીએ છીએ ત્યારે સરકાર પર તૂટી પડીએ છીએ. સરકાર પછી એ કેન્દ્રની હોય, રાજ્યની હોય કે સ્થાનિક સુધરાઈ હોય. શેરીમાં, શહેરમાં, રાજ્યમાં કે દેશમાં જેકાંઈ કરવાનું છે એ બધું સરકારે કરવાનું છે. આપણે હજાર દોષ કાઢીએ અને પછી આંગળી ચીંધીએ, પણ આ કામ કોણે કરવાનું છે? સરકાર! પણ સરકાર એટલે કોણ? આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ મુઠ્ઠીભર માણસો જ સરકાર કહેવાય? ચૂંટીને આપણે મોકલ્યા છે. આપણી જવાબદારી નહીં? એ ચૂંટાયેલા લોકો અમુકતમુક કામ કરવાના છે, પણ એ નથી કરતા એટલે દોષી તો છે જ, પણ એ નથી કરતા છતાં આપણે એને વારંવાર આપણા ખભે ચડાવીએ છીએ એટલે આપણે કંઈ ઓછા દોષી નથી. દેશમાં એક-એક ઇંચ જગ્યામાં કંઈ ને કંઈ કામ કરવાનું છે. આપણે એ કામ કરતા નથી અને થવા દેતા નથી અને દોષ કાઢીએ છીએ સરકારનો. સરકાર એટલે માત્ર ચૂંટાયેલા સભ્યો જ નહીં! જેકોઈને ફાળે જેકોઈ કામ આવ્યું હોય એ કામ સરકાર છે. એક સફાઈ-કામદારને ફાળે શેરી વાળવાનું કામ આવ્યું હોય અને એ બદલ તેને વળતર મળતું હોય તો તે સફાઈ-કામદાર એ શેરી પૂરતો સરકાર છે. સરકાર એટલે માત્ર મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન જ નહીં.

નિષ્ફળ કોણ ગયું છે?

આપણે વાત-વાતમાં કહીએ છીએ કે અમુકતમુક કામમાં સરકાર નિષ્ફળ ગઈ. શેરીમાં પાર વિનાનો કચરો પડ્યો છે. કોણે કર્યો આ કચરો? રાજ્યના મુખ્ય પ્રધાને કે વડા પ્રધાને? ગવર્નરે કે રાષ્ટ્રપતિએ? આ બધા ચૂંટાયેલા સભ્યો તમારી શેરીમાં કચરો કરવા આવ્યા હતા? આ કચરો તમે અને મેં કર્યો છે. કચરો નહીં કરવાના આપણા કામમાં આપણે નિષ્ફળ ગયા છીએ. સરકારનો બચાવ કરવાનો કોઈ આશય અહીં નથી, કારણ કે સરકાર તો આપણે પોતે જ છીએ. જે કામ આપણે જ કરવાનું છે એ કામ જો બરાબર કરીએ તો સરકાર નિષ્ફળ નથી જતી, કારણ કે સરકાર આપણે પોતે જ છીએ.

એક નજર આ તરફ

કોરોનાના કેસ દિવસરાત વધતા જાય છે. કોરોના શું છે? ક્યાંથી આવે છે? કેમ પ્રસરે છે? આ બધું સરકાર ચારેય બાજુથી એકઠું કરે છે અને આપણને સમજાવે છે, ‘કોરોનાની કોઈ દવા નથી. દવાની શોધખોળ ચાલી રહી છે. આ શોધખોળ માત્ર ચાર વૈજ્ઞાનિકો અને ચાર સરકારી અધિકારીઓ સાથે મળીને કરી શકવાના નથી. આપણને કહેવામાં આવ્યું છે કે માસ્ક પહેરો, પરસ્પર બે મીટરના અંતરે બેસીને વાત કરો, વૃદ્ધ અને બાળકો બને ત્યાં સુધી બહાર ન નીકળો. કોરોનાને હડસેલવાનો આ એક જ ઉપાય છે. આપણે એનો અમલ કરીએ છીએ? દિલ્હીમાં માસ્ક નહીં પહેરનારને ૨૦૦૦ રૂપિયાના દંડની સજા જાહેર કરી છે અને આમ છતાં દિલ્હીમાં લાખો લોકો માસ્ક પહેરતા નથી અને દંડ પણ ભરતા નથી. આને માટે કોણ જવાબદાર છે? કેન્દ્ર સરકાર? હજી હમણાં જ છઠપૂજા ગઈ. તીર્થસ્થાનોએ આ છઠપૂજા નિમિત્તે હજારો સ્ત્રી-પુરુષો બે-બે-ચાર-ચાર મહિનાનાં બાળકોને ગળે વળગાડીને ઊતરી પડ્યાં હતાં. હવે આ સંજોગોમાં કઈ સરકાર જવાબદાર છે? અહીં આપણે પોતે જ સરકાર છીએ અને આપણે પોતે જ જવાબદાર છીએ. આ સંજોગોમાં લોકોની આવી ધાર્મિક વૃત્તિને આવકારી ન શકાય. કોઈ ધર્મે ક્યાંય આવી આત્મહત્યાની વૃત્તિને ઉત્તેજન નથી આપ્યું. પચીસ-પચાસ પોલીસો વ્યવસ્થા જાળવવામાં ગોઠવાયા હોય અને સામે પક્ષે હજારો માણસો કાયદાની અવગણના કરે ત્યારે વ્યવસ્થા જાળવી શકાય ખરી? આમાં સરકારનો શું વાંક?

આનું નામ સરકાર!

સરકાર સચિવાલય કે પ્રધાન કાર્યાલયમાંથી આદેશ બહાર પાડે છે. ઉપદેશ આપે છે, પણ એ પૈકી કશું જ પાલન પોતે કરતી નથી. થોડા સમય પહેલાં એક સરકારી કચેરીમાં સાહેબને મારે ફરજિયાત મળવા જવું પડ્યું હતું. કચેરીમાં જ સાહેબની કૅબિનની બહાર ૨૦૦-૪૦૦ માણસો પરસ્પરથી ભીંસાઈને સાહેબને મળવાની રાહ જોઈને ઊભા હતા. મારે આ લાઇનમાં ઊભા ન રહેવું પડે એવી ગેરકાયદે વ્યવસ્થા અગાઉથી થઈ ગઈ હતી. હું સાહેબને મળ્યો અને કામ પત્યું. પછી આભાર માનતી વખતે કહ્યા વિના રહેવાયું નહીં, ‘સાહેબ, બહાર ઊભેલા સેંકડો માણસો સરકારી નિયમોનો ભંગ છડેચોક કરે છે. તમારી ઑફિસમાં તમે પણ એ જોઈ શકો છો. આ માટે શું યોગ્ય ગોઠવણી થઈ શકે નહીં?’

સાહેબે જવાબ આપ્યો, ‘એને માટે વ્યવસ્થા કરવાનું અમે ઉપલી ઑફિસને લખ્યું છે. એ લોકો કાંઈ ન કરે તો અમે શું કરીએ?’

બસ! વાત અહીં જ અટકે છે કે કોણે શું કરવાનું એની કોઈ લાઇનદોરી જાણે ક્યાંય નથી. કામ કરવાનું છે એ બધા જાણે છે, પણ કોણે કરવાનું છે અને કેમ કરવાનું છે એની જાણે કોઈને ખબર જ નથી.

કોરોનાએ આખું સમાજજીવન બદલી નાખ્યું છે. કોરોનાકાળ ક્યારે પૂરો થશે એ કોઈ જાણતું નથી. કોરોનાની દવા શોધાશે ત્યારે એ કાળ પૂરો થશે એમ માની લઈએ. એ પૂર્ણ સત્ય નથી. સંખ્યાબંધ રોગો એની દવા શોધાયા પછી પણ કાળઝાળ જેવા આપણી વચ્ચે છે. રામ-રાવણના યુદ્ધમાં જે રીતે કુંભકર્ણ ભયાનક થઈને ઊભો હતો એવું જ અત્યારે તો લાગે છે. દવાઓ લક્ષ્મણનું તીર કે હનુમાનની ગદા બનીને આવે એ પૂરતું નથી. અહીં તો રામબાણ અને એ પણ બ્રહ્માસ્ત્રની પ્રતીક્ષા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK