મોદીના મેનિફેસ્ટો બાદ બીજેપીની સરકાર પર કૉન્ગ્રેસનું તહોમતનામું

Published: 4th December, 2012 06:21 IST

સાત હજાર ખેડૂતોએ સુસાઇડ કર્યું : ગુનાખોરીના ૧૨ લાખથી પણ વધારે બનાવો નોંધાયાનો દાવો
ગઈ કાલે ગુજરાત બીજેપીએ ગુજરાત વિધાનસભાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો. આ ચૂંટણીઢંઢેરા સામે ગુજરાત કૉન્ગ્રેસે ગઈ કાલે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એમ એકસાથે ચાર શહેરમાં બીજેપી સરકાર પર તહોમતનામું જાહેર કર્યું અને આ જાહેરાતની સાથે એવી પણ જાહેરાત કરી કે જો કૉન્ગ્રેસની સરકાર આવશે તો ગુજરાત સરકાર અને સરકારના વડા એવા નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચાર અને ગુજરાતના ગેરવહીવટ બદલ કૉન્ગ્રેસ તેમના પર કેસ કરશે. ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ‘મોદીના શાસનકાળ દરમ્યાન દસ વર્ષમાં ૭૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત ૧૨,૫૫,૬૪૪ બીજા ગુનાઓ પોલીસ રજિસ્ટર પર નોંધાયા છે તો બે એન્કાઉન્ટરમાં ગુજરાત સરકારના ગૃહપ્રધાનની ડાયરેક્ટ સંડોવણી ખૂલી છે, જેના વિશે મુખ્ય પ્રધાન અજાણ હોય એવું માની ન શકાય. આ અને આવા બીજા આરોપસર કૉન્ગ્રેસની સરકાર આવશે તો પાર્ટી ગુજરાતના મુખ્ય પ્રધાન સામે કેસ દાખલ કરવાનું નક્કી કર્યું છે.’

ગેરવહીવટ સાથે થયેલા શાસનમાં કૉન્ગ્રેસે એક આક્ષેપ એવો પણ દાખલ કર્યો છે કે નરેન્દ્ર મોદીએ પોતાની વાહ-વાહ લૂંટવા માટે ગુજરાત પર દેવું વધારવાનું કામ કર્યું છે. દસ વર્ષ પહેલાં ગુજરાત પર માથાદીઠ ૩૨,૭૦૮ રૂપિયાનું દેવું હતું, જે અત્યારે વ્યક્તિદીઠ ૪૭,૮૭૦ રૂપિયાનું થયું છે. ગુજરાત કૉન્ગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને કોઈના પર દેવું વધારવાનો કોઈ હક નથી અને એમ છતાં હું દેવું વધારું તો મને શાસન કરવાનો પણ કોઈ હક નથી. આ વાત નરેન્દ્ર મોદીને દસ વર્ષ સુધી ન સમજાય એટલે હવે તેણે કાયદાકીય રીતે આની સજા ભોગવવાની તૈયારી કરવાની છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK