કૉન્ગ્રેસને હૉર્સ ટ્રેડિંગનો ડર : ધારાસભ્યોને ૨૦મી પછી જયપુર લઈ જશે

Published: Mar 15, 2020, 11:24 IST | Gandhinagar

કૉન્ગ્રેસ અને બીજેપી વચ્ચે ધારાસભ્યની ખેંચતાણ પણ ચાલુ થઈ ચૂકી છે જેને કારણે કૉન્ગ્રેસના ૧૫ વિશ્વાસુ ધારાસભ્યો જ ગુજરાતમાં રહેશે, જ્યારે બાકીના ધારાસભ્યોને આવતા અઠવાડિયામાં એટલે કે ૨૦ તારીખ પછી ગુજરાત બહાર રાજસ્થાનના જયપુર લઈ જવાશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે બીજેપીએ ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કૉન્ગ્રેસમાં હૉર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે તેમ જ કૉન્ગ્રેસ અને બીજેપી વચ્ચે ધારાસભ્યની ખેંચતાણ પણ ચાલુ થઈ ચૂકી છે જેને કારણે કૉન્ગ્રેસના ૧૫ વિશ્વાસુ ધારાસભ્યો જ ગુજરાતમાં રહેશે, જ્યારે બાકીના ધારાસભ્યોને આવતા અઠવાડિયામાં એટલે કે ૨૦ તારીખ પછી ગુજરાત બહાર રાજસ્થાનના જયપુર લઈ જવાશે. આ ઉપરાંત કોરોનાને પગલે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર પણ ટૂંકાવી દેવામાં આવે એવી સંભાવના છે જે અંગે એક-બે દિવસમાં જાહેરાત થઈ શકે છે.

જયપુરમાં કૉન્ગ્રેસે તમામ ધારાસભ્યને સુરક્ષિત રાખવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. રિસૉર્ટમાં ધારાસભ્યોને વફાદારી ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા માટે એકડા-બગડા ઘૂંટવાના પાઠ ભણાવવામાં આવશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બીજેપી-કૉન્ગ્રેસને ફાળે બે-બે બેઠકો આવે એમ છે, પરંતુ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતાં કૉન્ગ્રેસને હૉર્સ ટ્રેડિંગનો ભય સતાવવા લાગ્યો છે જેને પગલે આગામી ૨૦ અથવા ૨૧ માર્ચે ૧૫ ધારાસભ્યો છોડીને બાકીના તમામ ધારાસભ્યોને જયપુર લઈ જવાશે. રાજ્યસભાની ચૂંટણી માટે ૨૬ માર્ચે મતદાન હોવાથી મતદાનના અઠવાડિયા અગાઉ એટલે કે ૨૦મી પછી ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવામાં આવશે. હાલમાં બજેટસત્ર ચાલી રહ્યું હોવાથી અંદાજે ૧૫ જેટલા સિનિયર ધારાસભ્યો જ ગૃહમાં હાજરી આપશે.

વાઘેલાબાપુનો હુંકાર : રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીનો એક વોટ કૉન્ગ્રેસને જ મળશે
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી છે ત્યારે-ત્યારે રાજકીય ઊથલપાથલ થાય છે અને ધારાસભ્યો તૂટે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર કાંધલ જાડેજા જીત્યાં હતાં. સત્તાપક્ષ બીજેપી રાજ્યસભાની ચૂંટણીમાં તેમનો એક વોટ મેળવી લેતું હતું, પરંતુ હવે ગુજરાતમાં શરદ પવારની પાર્ટી એનસીપીનો હવાલો વાઘેલાબાપુ પાસે છે. તેઓ બીજેપીના દબાણમાં આવે એમ નથી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ-એનસીપી એક છે ત્યારે ગુજરાતમાં પણ એનસીપી કૉન્ગ્રેસની સાથે રહેશે અને આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં એક-એક વોટ નિર્ણાયક હોવાથી વાઘેલા દ્વારા વ્હીપ જારી કરીને કાંધલ જાડેજાને કૉન્ગ્રેસને વોટ આપવા મેન્ડેટ અપાશે અને જો તેઓ નહીં માને અથવા ક્રૉસ વોટિંગ કરે તો તેમનું સભ્યપદ જોખમમાં આવી શકે એમ હોવાથી એનસીપીનો એક વોટ કૉન્ગ્રેસના ફાળે જાય એવી રણનીતિ વાઘેલાબાપુએ તૈયાર કરી હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK