ઇલેક્શન પહેલાં જ વિસાવદરની બેઠક કૉન્ગ્રેસે ગુમાવી દીધી

Published: 25th November, 2012 04:42 IST

કૉન્ગ્રેસના ઉમેદવારનું પાર્ટી-મેન્ડેટ રસ્તામાં જ કોઈક ઝૂંટવી જતાં ઉમેદવારનું ફૉર્મ ઇલેક્શન-ઑફિસરે કૅન્સલ કરી નાખ્યું  એટલે હવે વિસાવદરમાં કેશુભાઈ પટેલે કૉન્ગ્રેસનો પડકાર સહન નહીં કરવો પડેઆશ્ચર્ય, અચરજ અને અચંબો થાય એવા આ સમાચાર છે. ગઈ કાલે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના પ્રથમ તબક્કાના ઇલેક્શનનો ફૉર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે જૂનાગઢ જિલ્લાની વિસાવદર ગામની બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર રતિભાઈ માંગરોળાએ ફૉર્મ સાથે પાર્ટીનો સિમ્બૉલ વાપરવા માટેનું જે મેન્ડેટ રજૂ કરવાનું હતું એ મેન્ટેડનું કવર જૂનાગઢ જિલ્લાના કૉન્ગ્રેસના પ્રમુખ લીલાભાઈ ખૂંટીના હાથમાંથી કોઈક અજાણ્યો યુવક ઝૂંટવીને ભાગી જતાં રતિભાઈ માંગરોળાનું ફૉર્મ બપોરે અઢી વાગ્યે જ ઇલેક્શન-ઑફિસરે રદ કરી નાખ્યું હતું, જેથી હવે વિસાવદરમાં સૌથી મોટા ઉમેદવાર એવા જીપીપીના કેશુભાઈ પટેલે કૉન્ગ્રેસના ઉમેદવારનો સામનો નહીં કરવો પડે. લીલાભાઈએ કહ્યું હતું કે ‘આવું અગાઉ ક્યારેય બન્યું નથી. ઝૂંટવી લીધેલું મેન્ડેટ કોઈને કામ લાગવાનું નથી એટલે બને કે આ કામ કાં તો પક્ષના જ અસંતુષ્ટોએ કર્યું હોય અને કાં તો અમારા હરીફ એવા જીપીપી કે બીજેપીમાંથી કોઈકે કરાવ્યું હોય. અમે મેન્ડેટની ચોરીની  પોલીસ-ફરિયાદ કરવાના છીએ.’

અચાનક બનેલી ઘટનાથી સ્થાનિક કૉન્ગ્રેસી નેતાઓ ચોંકી ઊઠ્યાં હતા અને અમદાવાદમાં આ બનાવની અને ચૂંટણીપંચમાં પણ આ ઘટના વિશે જાણ કરી હતી. કૉન્ગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ઘટના વિશે પોલીસ-ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ફરિયાદ પછી ધારો કે ચોર પકડાઈ જાય તો પણ હવે કોઈ ફરક નથી પડવાનો, કારણ કે ફૉર્મ ભરવાની તારીખ નીકળી ગઈ છે અને મેન્ડેટ વિનાનું કૉન્ગ્રેસનું ઉમેદવારીપત્ર પણ રિજેક્ટ કરી નાખવામાં આવ્યું છે. આનો સીધો અર્થ એક જ થયો કે ઇલેક્શન શરૂ થાય એ પહેલાં જ કૉન્ગ્રેસે વિસાવદરની બેઠક ગુમાવી દીધી છે અને કેશુભાઈ પટેલની જીતના ચાન્સિસ વધારી દીધા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK