સુર્ખ-રૂહ હોતા હૈ ઇન્સાન ઠોકરેં ખાને કે બાદ રંગ લાતી હૈ હિના પત્થર પે પિસ જાને કે બાદ

Published: Jan 01, 2020, 14:42 IST | Pankaj Udhas | Mumbai

જીવનમાં સંઘર્ષ જોવા મળે તો ક્યારેય એનાથી ડરતા નહીં, નાસીપાસ થતા નહીં. સંઘર્ષ વિકાસ માટે, આગળ વધવા માટે અને નવી ઊંચાઈઓ મેળવવા માટે અનિવાર્ય છે

પકંજ ઉધાસ
પકંજ ઉધાસ

સંઘર્ષ તમને ક્યાંક ને ક્યાંક સંતોષ આપવાનું કામ કરે છે અને એ પછી મળેલી સફળતાને પચાવવાની ક્ષમતા પણ જો કોઈ આપે તો એ આ સંઘર્ષ જ આપે છે. અનાયાસ આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે મને થયું કે આપણે આ જ વિષય પર વાત કરવી જોઈએ. જો એક વર્ષે પણ વિદાય લઈ લેવી પડતી હોય તો એક દિવસ એવો આવશે જેમાં સંઘર્ષે પણ વિદાય લેવી પડશે અને આ સંઘર્ષને વિદાય આપવા માટે તમારે એકધારી મહેનત કર્યા કરવી પડશે. મહેનત કરશો તો જ સફળતા મળશે અને મહેનત કરી હશે તો જ સફળતાને પચાવવાની ક્ષમતા આવશે. એવું નથી કે સીધી સફળતા મેળવનારાઓ એ સફળતાને પચાવી નથી શકતા, ના, એવું જરાય નથી, પણ હા, મોટા ભાગે એવું બનતું હોય છે કે આ રીતે મળેલી સફળતા પછી નિષ્ફળતા જોવાની આવે ત્યારે એ નિષ્ફળતાને સ્વીકારવાનું કામ અઘરું થઈ જાય છે.

મારી કરીઅરના સંઘર્ષ વિશે મને વારંવાર પુછાતું રહ્યું છે. આજે પણ, કરીઅરને ઑલમોસ્ટ ૪૦ વર્ષ પૂરાં થઈ ગયાં એ પછી પણ મને એના વિશે પુછાતું રહે છે. લગભગ દરેક પ્રેસ-કૉન્ફરન્સમાં અને મને પર્સનલી મળનારા તમામ પત્રકારે આ સવાલ કર્યો છે, પણ અંગત રીતે મને નથી લાગતું કે મેં કોઈ એવો મોટો સંઘર્ષ કર્યો હોય. કરીઅરના અત્યારના તબક્કે પહોંચ્યા પછી હું આ વાતને આ જ સ્વરૂપમાં કહી શકું છું. સંઘર્ષનું એવું છે કે એ જીવનમાં હોવો જોઈએ, એ મળવો જોઈએ અને એ થવો જ જોઈએ. બહુ જૂનો એક શેર છે, જે હું પણ ગાઈ ચૂક્યો છું...

સુર્ખ-રૂહ હોતા હૈ ઇન્સાન ઠોકરેં ખાને કે બાદ,

રંગ લાતી હૈ હિના પત્થર પે પિસ જાને કે બાદ

જો સંઘર્ષ કરો, મહેનત કરો તો જ તમને એ તબક્કાની યાદો રહે. સંઘર્ષ જીવનમાં હોય તો એ તમારે માટે વાગોળવાની ક્ષણ છે અને જો તમને જીવનમાં વાગોળવાની ક્ષણો જોઈતી હોય તો તમારે સંઘર્ષની તૈયારી રાખવી પડે. બીજી પણ એક ખાસ વાત મારે તમને સૌને કહેવી છે. આજે કરેલો સંઘર્ષ સફળતા મળ્યા પછી સંઘર્ષ ન પણ લાગે. બની શકે કે આજનો સંઘર્ષ આવતી કાલે તમને સહજ અને સામાન્ય લાગે. મારી સાથે પણ એવું જ થયું છે એવું મને લાગે છે.

૭૦ના દસકામાં મેં કરીઅરની શરૂઆત કરી અને ૧૯૭૧માં મેં સિંગર બનવાનું નક્કી કર્યું ત્યારનો જે સમય હતો એ સમયમાં ઇન્ડસ્ટ્રી પાસે લેજન્ડ સિંગર હતા. મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે, તલત મેહમૂદ, કિશોરકુમાર જેવા અનેક દિગ્ગજ સિંગર હતા. તેમની કૉમ્પિટિશનનો તો વિચાર કરવો પણ યોગ્ય ન કહેવાય. બીજું એ કે ગઝલ સિન્ગિંગ મને માફક આવતું હતું. હું નમ્રતા સાથે કહીશ કે મારી એમાં હથોટી હતી, પણ એમાં પણ મેં તો નવી શરૂઆત કરવાની દિશા પકડી હતી. મારી કરીઅરના એ સમય અને આજના સમય વચ્ચે બહુ મોટો ફરક હતો. એ સમયે આજે છે એટલાં મીડિયમ નહોતાં. એ સમયે ફિલ્મ સિવાય સંગીત માટે બીજું કોઈ માધ્યમ નહોતું. ફિલ્મના મીડિયમમાં બહુ કડક કૉમ્પિટિશન હતી અને દૂર-દૂર સુધી ક્યાંય તેમનો સામનો કરવાની ગુંજાઈશ નહોતી.

વાત રહી ગઝલની, તો એ સમયમાં ગઝલ માટે ખાસ કોઈ મીડિયમ નહોતું. એટલો સ્કોપ પણ નહોતો એટલે સ્ટ્રગલ એ હતી કે ગઝલના ફીલ્ડમાં કામ કરવું હોય તો એ કરવું કેવી રીતે. આઉટલેટ તો કોઈ હતાં જ નહીં જ્યાંથી તમે તમારી કલા દર્શાવી શકો કે લોકો સુધી પહોંચાડી શકો. ટીવી તો આવ્યું જ નહોતું. ગઝલ માટે કૉન્સર્ટ થતી, પણ એને કૉન્સર્ટનું નામ આપવું પણ ઠીક ન કહેવાય. મહેફિલ કહી શકાય. ટેરેસમાં કે ઘરમાં કે પછી મોટી બાલ્કની હોય તો એ બાલ્કનીમાં ૨૦-૨૫ કે ૫૦ લોકો એ સાંભળે એવી મહેફિલ.

આ પ્રકારની મહેફિલમાં કામ બરાબર થવા માંડ્યું, લોકો બોલાવવા લાગ્યા અને એનાં વખાણ પણ થવા માંડ્યેં. હવે વાત એ આવી કે ગઝલ રેકૉર્ડ કરીએ પણ એ સમયે તો આપણે ત્યાં એક જ રેકૉર્ડ કંપની હતી, મ્યુઝિક ઇન્ડિયા. મ્યુઝિક ઇન્ડિયા પાસે એટલું કામ હતું કે નવા ગઝલ-સિંગર્સ માટે જગ્યા જ નહોતી, પણ એમ છતાં હું મારી રીતે કોશિશ કરતો રહ્યો, પણ આ કોશિશમાં ખાસ કંઈ વાત બનતી નહોતી. લાંબો સમય મહેનત કર્યા પછી એક તબક્કો એવો આવ્યો કે હું હારી ગયો.

૧૯૭૫-’૭૬નો એ સમયગાળો અને હું બિલકુલ નાસીપાસ થઈ ગયો.

૨૦-૨૫ કે ૫૦ લોકોની સામે ગાઈ-ગાઈને તમે કેટલું ગાઈ શકો, ક્યાં સુધી તમે એ રીતે ગાઈ શકો. ઑડિયન્સનો પ્રશ્ન નહોતો, પણ વાત એમ હતી કે સમય પસાર થતો હતો. હું ખરેખર અંદરથી તૂટી ગયો. આજે આ વાત યાદ આવે છે ત્યારે ખરેખર હસવું આવે છે, પણ આ હકીકત હતી. આજુબાજુમાં અંધકાર જ દેખાતો હતો અને હવે રસ્તો નહીં જ મળે એવું મને લાગવા માંડ્યું હતું. મેં ગાયકી છોડી દેવાનું નક્કી કર્યું અને નક્કી કરી લીધું કે ઇન્ડિયામાં રહેવું નથી. નક્કી કર્યા પછી હું ફૉરેન જવાના પ્લાન બનાવવા માંડ્યો અને એ જ પિરિયડમાં મને ચાન્સ મળી ગયો, અમેરિકા-કૅનેડા જવાનો. મેં કોઈ પણ જાતની રાહ જોયા વિના બૅગ પૅક કરી લીધી અને પહોંચી ગયો અમેરિકા.

અમેરિકા અને એ પછી કૅનેડામાં હું લગભગ એકાદ વર્ષ રહ્યો અને ત્યાં સેટ થવાની સ્ટ્રગલ શરૂ કરી દીધી; પણ મ્યુઝિક, ગઝલ અને શાયરી મારાથી દૂર થઈ શકી નહીં. એવી હાલત થાય કે આખો દિવસ હું સેટ થવા માટે સ્ટ્રગલ કરતો રહું, પણ સાંજ પડે એટલે હાર્મોનિયમ યાદ આવે અને હાર્મોનિયમ લઈને હું બેસી જાઉં. કાં તો ગઝલને રાગમાં ગોઠવવાના કામે લાગું કાં તો કમ્પોઝિશન તૈયાર કરું ને બીજું કંઈ કામ ન હોય તો એમ જ નિજાનંદ માટે ગાતો હોઉં. છેવટે બન્યું એવું કે મારા આ શોખની વાત બહાર પણ ખબર પડવા માંડી અને મેં કૅનેડામાં એક-બે પ્રોગ્રામ કર્યા અને ધૂમ મચી ગઈ. મેં ધાર્યું નહોતું એવો સરસ રિસ્પૉન્સ મને મળ્યો અને એ રિસ્પૉન્સની સાથે જ મારી કૅનેડામાં પણ ગઝલની કરીઅર શરૂ થઈ ગઈ. ધૂમ પ્રોગ્રામો થાય અને પછી તો અમેરિકાથી પણ મને કાર્યક્રમ માટે બોલાવવાનું લોકોએ શરૂ કર્યું.

ગઝલ નથી જ ગાવી એવું નક્કી કરીને હું ઇન્ડિયાથી નીકળ્યો અને અમેરિકા-કૅનેડામાં પણ ગઝલે જ મને પકડી લીધો, જકડી લીધો.

અમેરિકા-કૅનેડામાં મેં અઢળક પ્રોગ્રામ કર્યા અને પ્રોગ્રામ પૂરો થયા પછી એક જ વાત બધા કહે કે મારે અમેરિકામાં રહેવું ન જ જોઈએ, મારે તો ઇન્ડિયામાં હોવું જોઈએ અને ઇન્ડિયામાં ગઝલો ગાવી જોઈએ. મને રિયલાઇઝ થવા માંડ્યું કે વાત સાચી છે, મારે પાછા જ જવું જોઈએ અને ત્યાં જઈને સંઘર્ષ કરવો જોઈએ. મારા દિલની વાત માનીને, મારા મનની વાત સાંભળીને ૧૯૭૭ની જાન્યુઆરીએ હું ફરી ઇન્ડિયા આવ્યો.

જાન્યુઆરીમાં પાછો આવીને મારા સંઘર્ષનો નવો દોર શરૂ થયો. આ નવા દોર સાથે નવી એનર્જી પણ હતી અને એ એનર્જી વચ્ચે જ મેં નવા મ્યુઝિક આલબમની શરૂઆત કરી. આજે એવું છે કે સવારે સીડી રેકૉર્ડ કરો, સાંજે એને રિલીઝ પણ કરી શકો અને રાત સુધીમાં તમે મૅક્સિમમ સિટીમાં એ પહોંચાડી પણ શકો, પરંતુ એ સમયે એવું નહોતું. એ સમયે આલબમ માટે ખાસ્સી જહેમત લેવી પડતી અને એ જહેમત જ જીવન છે એવું પણ મેં મનમાં ઠસાવી દીધું હતું. આ એ જ સમય હતો જે સમયે મેં પહેલી વખત એ શેર વાંચ્યો જે આજના ટાઇટલનું હેડિંગ છે.

સુર્ખ-રૂહ હોતા હૈ ઇન્સાન ઠોકરેં ખાને કે બાદ,

રંગ લાતી હૈ હિના પત્થર પે પિસ જાને કે બાદ.

પિસાવાનું મારે હતું અને રંગ આપવાનું કામ ઈશ્વરના હાથમાં હતું. આ વાત બધાને લાગુ પડે છે. પિસાવાનું તમારે છે અને રંગ આપવાનું કામ ઈશ્વરે કરવાનું છે. જેટલું વધુ પિસાયા હશો, જેટલો વધારે સંઘર્ષ કર્યો હશે એટલો ઘાટો રંગ તમને મળશે એ નક્કી છે. નવું વર્ષ આપ સૌને માટે સુખદાયી, ફળદાયી અને લાભદાયી રહે એવી શુભેચ્છા.

પૂરાની યાંદેઃ અમેરિકા અને કેનેડામાં સંઘર્ષ ચાલતો હતો ત્યારે પણ ગઝલ જ આશરો બન્યો હતો. નાની મહેફિલો શરૂ કરી અને એ મહેફિલો થકી ત્યાં ટકી રહેવાની આવક પણ ઊભી થવા માંડી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK