સમાધાનની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે વેરમાં સઘળું ખુવાર થઈ જાય છે

Published: 5th November, 2012 06:59 IST

સ્વજનો - મિત્રોનો સ્નેહ જળવાઈ રહે ને સુખ-શાંતિ ટકી રહે એ માટે થોડીક ખોટ ખાઈનેય કૉમ્પ્રોમાઇઝ કરી લેવું જોઈએમન્ડે-મંથન - રોહિત શાહ

એક પહેલવાન બહારથી પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના ઘરના દરવાજે તાળું લટકતું હતું. તેની વાઇફને ઓચિંતું ક્યાંક જવાનું થયું હશે એટલે ઘરને તાળું મારીને ગઈ હશે. પહેલવાને પાડોશીને પૂછ્યું તો પાડોશીએ તેને ચાવીને ઝૂડો આપતાં કહ્યું, ‘લો, આ ચાવી. તમારાં વાઇફ કંઈક ખરીદવા માટે બજારમાં ગયાં છે. હવે આવતાં જ હશે.’

પહેલવાન મૂંઝાયો. ઝૂડામાં તો આઠ-દસ ચાવીઓ હતી. હવે કઈ ચાવીથી તાળું ખોલવાનું?

તેણે એક પછી એક ચાવી વડે તાળું ખોલવાનો પ્રયોગ કરી જોયો, પણ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. ગુસ્સે થઈને ચાવીનો ઝૂડો તેણે નીચે ફેંક્યો. એ જ વખતે તેની વાઇફ હાથમાં થેલી સાથે આવી પહોંચી. તેણે ઝૂડો લીધો અને તાળું ખોલ્યું. પહેલવાન જોઈ રહ્યો હતો કે તેની વાઇફ કઈ ચાવી વડે તાળું ખોલે છે. પહેલવાને જોયું કે પોતે ઝૂડાની છેલ્લી એક ચાવી વડે તાળું ખોલવાનું ટાળીને ગુસ્સામાં ઝૂડો ફેંકી દીધેલો એ જ ચાવી વડે તેની વાઇફે ઘરનું તાળું આસાનીથી ખોલ્યું હતું.

ધીરજ ખોઈને માણસ પુરુષાર્થ છોડી દે તો તેને ઇચ્છિત રિઝલ્ટ ન મળે. છેલ્લી ચાવી વડે તાળું ખૂલી શકે છે એમ સમજીને પ્રયત્ન કરતાં રહેવું જરૂરી છે.

નિષ્ફળતાથી ડરવું નહીં


સમાધાનની નાનકડી તક પણ બાકી હોય ત્યાં સુધી ઝઝૂમવાની જરૂર નથી. કૉમ્પ્રોમાઇઝની છેલ્લી તક સુધી સંઘર્ષને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અગાઉ સમાધાન માટે કેટલા પ્રયત્નો કર્યા એનો હિસાબ રાખવાની જરૂર નથી, પરંતુ હવે પછી કેટલા પ્રયત્નો થઈ શકે એમ છે એ સમજવું જરૂરી છે. શક્ય છે કે અગાઉના નવ્વાણું પ્રયત્નો નિષ્ફળ ગયા હોય તેથી આપણે નિરાશ થઈ ગયા હોઈએ. આપણે થાકી ગયા હોઈએ. હવે સફળતા નહીં જ મળે એવો વહેમ મનને ઘેરી વળ્યો હોય. છતાં એકસોમો પ્રયત્ન કરવાનું છોડી ન દેવાય. જે સફળતા નવ્વાણું પ્રયત્નો થકી ન મળી હોય, એ સફળતા છેલ્લા એક જ પ્રયત્નથી મળી શકે છે. આ સંભાવનાની આંગળી પકડીને, ઉમ્મીદોના અજવાળામાં આગળ વધવાની મથામણ કરવી જોઈએ.

ઓકાત બતાવી દેવી


યુદ્ધ અનિવાર્ય હોય તો પણ સમાધાન માટે પ્રયત્ન કરવામાં બન્ને પક્ષે ફાયદો જ છે. યુદ્ધમાં વિજય મેળવનારે પણ અલ્ટિમેટલી ઘણું બધું ખોયું હોય છે. સંઘર્ષ કદીયે લાભદાયક નથી હોતો. અલબત્ત, સ્વમાનની કે સિદ્ધાંતની વાત હોય ત્યારે લડી લેવાનુંય જરૂરી બને છે. કોઈ નફ્ફટ વ્યક્તિને આપણે વારંવાર માફ કરીએ, કોઈ બદદાનતવાળી વ્યક્તિને આપણે અવારનવાર સુધરવાની તક આપીએ તોય તે તેની હલકટાઈ ચાલુ જ રાખે અને આપણને કશાય કારણ વગર પજવ્યા કરે તો તેને પાઠ ભણાવી દેવો જરૂરી છે. સિદ્ધાંત અને સ્વમાન માટે બરબાદ થઈ જવામાંય પાછા ન પડવું જોઈએ. દરેક વખતે કંઈ ફાયદો જ ન વિચારવાનો હોય, ક્યારેક ફના થવાની તૈયારી પણ રાખવી જ જોઈએ. લુચ્ચા લોકો સામે ઉદાર બનીએ તો તેમને લુચ્ચાઈ આચરવા માટે મોકળું મેદાન મળી જાય. એવી ક્ષણે તો આ પાર કે પેલે પાર કરીને, સામેની વ્યક્તિને તેની ઓકાત બતાવી જ દેવી પડે.

પણ કેટલાક લોકો તો ઘડી-ઘડી મ્યાનમાંથી તલવાર કાઢીને તૂટી પડે છે. આ ઉચિત નથી. ઉતાવળમાં કે આવેશમાં કરેલી ભૂલ લાઇફટાઇમ વેઠવી પડતી હોય છે. એક મહિલાએ તેના પારિવારિક ઝઘડાથી કંટાળીને પોતાનાં ત્રણ સંતાનો સહિત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. બન્યું એવું કે તેનાં બે બાળકો મૃત્યુ પામ્યાં અને એક બાળક સહિત પોતે બચી ગઈ. હવે તેને પોતાના એવા કૃત્ય બદલ એવો પસ્તાવો થઈ રહ્યો છે કે તે મહિલા પોતાને કદી માફ નહીં જ કરી શકે. સમાધાન માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારી શકાય છે. આવેશમાં કંઈક ખોટું થઈ ગયું હશે તો પસ્તાવું પડશે.

જતું કરવામાં શું વાંધો?

એક વખત બે ભાઈઓને મિલકત બાબત સામસામે વાંધો પડ્યો. બન્નેમાંથી કોઈ જતું કરવા કે સમજવા તૈયાર નહીં. આખરે મામલો અદાલતે પહોંચ્યો. બન્ને ભાઈઓએ સામસામે વકીલો રાખ્યા : વર્ષો સુધી કેસ ચાલ્યો. મુદતો પર મુદતો પડતી રહી. બન્ને ભાઈઓને ખર્ચા થતા રહ્યા. જ્યાં સુધી અદાલતનો ચુકાદો ન આવે ત્યાં સુધી મિલકતનો ઉપયોગ બન્નેમાંથી કોઈ ભાઈ કરી ન શકે! મિલકત હોવા છતાં બન્ને ભાઈ લાચાર હતા, મજબૂર હતા, પણ એકેય ભાઈ મચક આપવા તૈયાર નહીં. છેવટે બન્ને ભાઈઓના અવસાન પછી ચુકાદો આવ્યો. તેમનાં સંતાનોએ સ્વીકાર્યું કે આના કરતાં તો એ બે ભાઈઓએ પરસ્પર માટે થોડુંક જતું કરીને ઘેરબેઠાં સમાધાન કર્યું હોત તો મિલકત ભોગવી શક્યા હોત, સંબંધની મજા માણી શક્યા હોત. સંઘર્ષને કારણે સંબંધ તો ખોયો, સંપત્તિ પણ ખોઈ! સહેજ જતું કરવાની વાત હતી. થોડુંક છોડ્યું હોત તો બીજું ઘણું પામી શક્યા હોત. જરાક નમતું મૂક્યું હોત તો લાઇફટાઇમ આટલો અજંપો વેઠવો પડ્યો ન હોત, પરંતુ આવા અક્કડ અને તુમાખી લોકોને સમાધાનની કિંમત ત્યારે જ સમજાતી હોય છે, જ્યારે સંઘર્ષ કરવામાં તેમનું સઘળું ખુવાર થઈ ગયું હોય! પેલી પંક્તિ છેને...

સબ કુછ લૂટાકર હોશ મેં આએ તો ક્યા હુઆ?

દિન મેં અગર ચિરાગ જલાએ તો ક્યા કિયા.?


ચાહનારાઓ ઘટવા ન જોઈએ

કેટલાક લોકો એવું માને છે કે હું જો સમાધાન કરવા જઈશ તો મારો વટ નહીં રહે. હું હારી ગયો છું એવું પુરવાર થઈ જશે. સામેની વ્યક્તિ દર વખતે પછી મારે જ ઝૂકતા-નમતા રહેવું જોઈએ એવો આગ્રહ કરશે. બીજા લોકોય મને કાયર તથા ડરપોક સમજીને દબાવી મારશે. મારે ધાક બેસાડવી પડે. મારે મારી તાકાત બતાવી દેવી જોઈએ. એ શેર છે તો હું સવાશેર છું! આવો ફાંકો અને આવો મિજાજ માણસને સ્વજનોથી દૂર લઈ જાય છે. સૌ કોઈ તેનાથી દૂર રહે છે. તેની લાઇફ અભિશાપ બની જાય છે. લાઇફમાં કદીયે આપણને ચાહનારા-પ્રેમ કરનારાઓની સંખ્યા ન ઘટવી જોઈએ. જો આપણને ચાહનારાઓની સંખ્યા ઘટતી જતી હોય તો માનવું કે આપણને જીવન જીવતાં આવડ્યું નથી. આપણે સાચા જ હોઈએ એટલું ઇનફ નથી. આપણે સ્વજનો વચ્ચે ઘેરાયેલાય રહેવું જોઈએ. સ્વજનો-મિત્રોનો સ્નેહ જળવાઈ રહે એ માટે થોડીક ખોટ ખાઈનેય સમાધાન કરવું આપણા ફાયદામાં છે. આ વાત એ લોકોને જલદી સમજાઈ જશે, જેમણે સમાધાનનાં તમામ બારી-બારણાં બંધ કરી દઈને ગૂંગળાઈ મરવાનું સ્વીકારી લીધું છે.

મુત્સદ્દીગીરી ન ચાલે

કેટલાક માણસો મુત્સદ્દી હોય છે. ઉપર-ઉપરથી તો તે સમાધાનની વાતો જ કરતા હોય અને અંદરથી કુટિલતા આચરતા હોય છે. સમાધાનના નામે તેઓ વિશ્વાસઘાત કરે છે. જાહેરમાં એ લોકો મીઠું-મીઠું બોલે છે, સમાધાન માટે સામે ચાલીને દોડી આવે છે, ઉદારતાની અને જતું કરવાની માયાજાળ રચે છે અને પછી ધીમે રહીને પોતાની નફ્ફટાઈ પર ઊતરી આવે છે. આપણે સમાધાન કરવું અને થોડી ખોટ ખાવાની તૈયારી રાખવી, પણ સામેની વ્યક્તિ એનો ગેરલાભ ન લઈ જાય એટલા સાવધ પણ રહેવું. આપણે મૂરખ કે કાયરમાં ખપી જઈએ એટલી હદ સુધી સમાધાનનું પૂંછડું ન પકડી રાખવાનું હોય. અગત્યની વાત તો સુખ અને શાંતિ પામવાની છે. મુત્સદ્દી માણસોની મલિન વૃત્તિના શિકાર બની ન જવાય એની સાવચેતીપૂર્વક કરેલું દરેક સમાધાન આપણા માટે સુખ-શાંતિના દરવાજા ખોલનારું બની રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK