સાવ નોખી ક્ષણ બની તું આવજે

Published: Mar 15, 2020, 17:31 IST | Hiten Anandpara | Mumbai Desk

અર્ઝ કિયા હૈ : લોકો હાથ સાબુથી ધોતા થઈ ગયા અને સૅનેટાઇઝરથી શુદ્ધ કરતા થઈ ગયા. વાત જીવ પર આવે ત્યારે સુધરવું જ પડે.

આવવાની ક્ષણ હંમેશાં આનંદપ્રદ હોય એવી ભાવના આપણે રાખીએ, પણ એ ક્ષણ મોટા ભાગે પીડાનો સંદેશ લઈને આવતી હોય છે. કોરોના વાઇરસ આવું-આવું કરતાં ખરેખર આવી ગયો. ઊંઘમાંથી સફાળા જાગીને સવારે છાપું વાંચીએ ત્યારે કોરોનાના નવા કેસના આંકડા સામે આવે. જે કામ સ્વચ્છતા અભિયાન ન કરી શક્યું એ કોરોનાએ કરી બતાવ્યું. લોકો હાથ સાબુથી ધોતા થઈ ગયા અને સૅનેટાઇઝરથી શુદ્ધ કરતા થઈ ગયા. વાત જીવ પર આવે ત્યારે સુધરવું જ પડે. રોના-ધોના બાજુએ મૂકી કોરોનાનો સામનો સતર્ક રહીને અને સાવચેતી રાખીને કરવાનો છે. અશોક ચાવડા બેદિલ કહે છે...
અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ
એકાદ દીવડાથી ચાલે એવું નથી. સામૂહિક ચેતના આવશ્યક છે. કેટલીક પરિસ્થિતિ હાથમાંથી નીકળી જવામાં પાવરધી હોય. સમસ્યાનો પ્રકાર નવો હોય એટલે એનું સમાધાન શોધતાં પણ વાર લાગવાની. પ્રમોદ અહીરે તળ સુધી જવાની વાત કરે છે...
તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી
શિલ્પ જાતે આવશે બહાર સુધી
એ પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી
મીરા પહેલાં પહોંચેલી ભીતર સુધી
કૃષ્ણને સમજવા અઘરા છે, પણ કદાચ પામવા સહેલા છે. કૃષ્ણને દુર્યોધનની જેમ ગણતરીઓ સાથે નથી મળવાનું. તેમને તો નરસિંહ કે મીરાની જેમ જાત ઓગાળીને પામવાના હોય. ઉછીની ભક્તિથી ઈશ્વર પમાય? અરુણ દેશાણી મૂળભૂત વાત કરે છે...
ઊડવાની લાખ ઇચ્છા હોય, પણ
પાંખ ઉછીની અહીં થોડી મળે!
હું નીરખવા જાઉં મારી જાતને
કોઈ આવી આયનો ફોડી મળે
જાતને નીરખવી સહેલું કામ નથી. પાંચ મિનિટ ધ્યાનમાં બેસવાનું આવે તોય આપણું ધ્યાન ભટકતું હોય. મન સસલા જેવું ચંચળ છે. મર્સિડીઝ નવ-દસ સેકન્ડની અંદર ૧૦૦ની સ્પીડ પકડી લે એમ સ્થિર લાગતું મન ક્યારે સફાળું ઊભું થઈને હડી કાઢવા માંડે એ કહેવાય નહીં. ગાય-બકરીની જેમ એને ખૂંટે બાંધી રાખવું અઘરું છે. કોઈ ટેણિયોમેણિયો આપણને હેરાન કરવા વારંવાર ડોરબેલ મારીને છૂ થઈ જાય એમ તેની ચંચળતા આપણને છેડ્યા અને છંછેડ્યા કરે. આ મન જ્યારે કોઈનામાં પરોવાયું હોય ત્યારે એના વળવળાંકોમાં નિખાર આવે. એસ. એસ. રાહી એને બયાં કરે છે...
વાવડનો તાર મળશે મને આજકાલમાં
આવે છે જેમ યક્ષિણી થઈ તું ટપાલમાં
શીતળ શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક તડકો સાચવ્યો છે મેંય શાલમાં
કેટલીક વાર આપણી ઓળખ આપણા જીવનસાથીને કારણે વધારે દૃઢ બનતી હોય છે અથવા આપણી ઓળખમાં ઉમેરો થતો હોય છે. આમાં અહમના ટકરાવનો સવાલ ન હોવો જોઈએ. સાથે હોવાનો આનંદ ઊજવવાનો હોય. સૈફ પાલનપુરી નિખાલસ કબૂલાત કરે છે...
ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું
કાગળ લખવાના દિવસો હવે ગયા. મેસેજથી જ કામ પતી જાય છે. ઑફિશ્યલ કાગળો મોકલવાં પડે એટલે ચલણ રહ્યું છે. દિવસેદિવસે કાગળ લખવાની કળા લુપ્ત થઈ જશે એવો ભય સતાવ્યા કરે. કાગળમાં લખેલા સંબોધનથી લઈને લિખિતંગ સુધીની યાત્રાથી જીવમાં કશું ઉમેરાય છે. પૂર્વી બ્રહ્મભટ્ટની પંક્તિઓ અલગ સંદર્ભ સાથે સમજવા જેવી છે...
હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહીં આવે
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે
થયું નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે
આંખોમાં આંસુની ગાંઠ થયાની કલ્પના સાવ અલગ જ છે. આંસુ પાસે પણ એક ભાષા હોય છે. એમાં શબ્દો ન હોય છતાં એને જે કહેવું હોય એ કહી દેવા સક્ષમ છે. રવીન્દ્ર પારેખ આંસુને અતીત સુધી લઈ જાય છે...
હોય કોરું તોય હું તરબોળ છું
યાદમાં એવું બધું તો હસ્તગત
ના કશેથી આવવું કે ના જવું
ને ઉપરથી જાય ના ભીનો વખત
કેટલાક સંજોગો આપણને ફ્રીઝ કરી દે. કોઈ હલનચલન કરવાનું જ મન ન થાય. આપણું રૂપાંતર જાણે પૂતળામાં થઈ ગયું હોય એવું લાગે. એમાં પ્રાણ પૂરવા માટે પ્રેમ જોઈએ. મરીઝ તેની મહત્તા કરે છે...
આવો નહીં નજીક મગર દૂર તો રહો
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે
આવો તમે કે મારા નયનને જીવન મળે
દર્શન તમારાં એ જ તો આંખોના શ્વાસ છે

ક્યા બાત હૈ

ક્ષણ પછીની ક્ષણ બની તું આવજે
ટેરવે રણઝણ બની તું આવજે

ચંદ્ર પણ ઊભો હશે દરિયા સમીપ
ભરતીનું સગપણ બનીને આવજે

સૃષ્ટિને સ્પર્શી લીધી છે આંખથી
ઊર્મિનું દર્પણ બની તું આવજે

છે ઉઝરડા દૃષ્ટિના અંગાંગ પર
આંસુનું તોરણ બની તું આવજે

ધૂળ ધોવાનો પરિશ્રમ હું કરું
આંગણે શ્રાવણ બની તું આવજે

મૌનમાં પગરવ પીડાના સાંભળું
લાગણીનું ધણ બની તું આવજે

શબ્દતાનું રૂપ છે લોભામણું
સાવ નોખી ક્ષણ બની તું આવજેરમેશ પટેલ (સુરત) કાવ્યસંગ્રહ - ‘સંવેદનાનું શિલ્પ’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK