ન્યુ યર આખું હૅપી-હૅપી રહેવા માટે આ રેઝોલ્યુશન્સ લેવાનાં છે

Published: 1st January, 2021 15:11 IST | Jamnadas Majethia | Mumbai

હેલ્થની બાબતમાં બંધ બેસતા રહેવાનું નથી અને ટેક્નૉલૉજીની બાબતમાં બંધ બેસે એવું બનવાનું છે

ન્યુ લુક, ન્યુ યર : આ લુક કરીને મને આ આર્ટિકલ ઇન્સ્પાયર કરવા બદલ ફિલ્મસ્ટાર અને ક્રિકેટરોના હેરસ્ટાઇલિસ્ટ એવા મારા મિત્ર આલીમ હકીમનો ખૂબ-ખૂબ આભાર.
ન્યુ લુક, ન્યુ યર : આ લુક કરીને મને આ આર્ટિકલ ઇન્સ્પાયર કરવા બદલ ફિલ્મસ્ટાર અને ક્રિકેટરોના હેરસ્ટાઇલિસ્ટ એવા મારા મિત્ર આલીમ હકીમનો ખૂબ-ખૂબ આભાર.

૧ જાન્યુઆરી, ૨૦૨૧.
નવા વર્ષનો પહેલો દિવસ એટલે શરૂઆત તો શુભેચ્છાઓથી જ કરવી પડે.
હૅપી ન્યુ યર વધારે સારું લાગે, સાલ મુબારક કરતાં.
સાલ મુબારક દિવાળી પછી આવતાં આપણા બેસતા વર્ષ સાથે વધારે બંધ બેસે. આ શબ્દ ‘બંધ બેસે’ એ આમ કેટલો સરસ છે અને આમ થોડો વિચાર કરતા કરી મૂકે એવો પણ છે. બંધ બેસે એટલે એ જ ફિટ, એને લૉક કરી દો જેવું લાગે, પણ જમાનો અને સમય અમુક વસ્તુઓ અને વિચારો જડબેસલાક બંધ બેસાડવાનો છે તો સાથોસાથ અમુક રીતે બંધનો તોડીને ખૂલવાનો છે. ખાસ કરીને વિચારો અને સ્વભાવની બાબતમાં. સ્વભાવ જેટલું જીવનમાં કોઈ કે કંઈ જ જવાબદાર નથી. એ તમને સુખ અને દુઃખની નજીકથી દૂર રાખવાનું કામ કરે છે. તમે તમારી પરિસ્થિતિનો તાગ કઈ રીતે કાઢો છો અને કેવી રીતે વર્તો છે એના પર તમારાં સુખ-દુઃખ નિર્ભર રહે છે અને તમારો સ્વભાવ ફક્ત સંબંધો પૂરતો જ સીમિત છે એવું નથી.

new-look-98

તમે કઈ રીતે સમય સાથે બદલાઈ શકો અને સ્વભાવને બદલી શકો છો એ પણ બહુ મહત્ત્વનું રહે છે અને આ સમય મોટા બદલાવનો રહેવાનો છે. તમે એની સાથે રહેવા માગો છો કે નહીં એ તમારા આવનારા જીવન માટે ઘણું નક્કી કરશે. સમયની સાથે વહેવાથી તરી જ જશો એવું નક્કી નથી, તણાઈ પણ શકો છો, માટે કઈ રીતે અને ક્યાં-ક્યાં બદલાવની જરૂર છે એ સમજીવિચારીને આગળ વધવું પડશે. તમે વિચારતા હશો, તમને થતું હશે કે નવા વર્ષની આ પહેલી જ સવારે જેડીભાઈ શું આ બધી વાતો કરી રહ્યા છે, આ શું ફોટો મૂક્યા છે અને શું આ લુક બનાવ્યો છે? પણ ના, એવું નથી, આ સમયે દર વર્ષે દુનિયાભરના કરોડો લોકો વર્ષોથી પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરે છે, ન્યુ યર રેઝોલ્યુશન્સ લઈને.

બેસતા વર્ષના દિવસે મેં પોતે આજ સુધી કોઈ રેઝોલ્યુશન પાસ નથી કર્યું કે નથી કોઈ વ્યક્તિને જાણતો, જેણે એવાં રેઝોલ્યુશન લીધાં હોય. સૌથી વધારે વ્યક્તિ જાન્યુઆરીમાં તંદુરસ્તી માટેનાં રેઝોલ્યુશન લે, કારણ કે ક્રિસમસથી લઈને થર્ટી‌ફર્સ્ટ ડિસેમ્બરે ખાઈ-પીને (આમાં ‘પી’ને શબ્દને ચાર-પાંચ વાર વાપરી શકાય) તબિયતને એટલી હેરાન કરી હોય કે સૌથી પહેલાં એને જ સુધારવી પડે, કારણ કે ઘણી વાર ક્રિસમસનાં કપડાંનાં બટન ફર્સ્ટ જાન્યુઆરીએ બંધ ન થતાં હોય અને સારા દેખાવા માટે, જાત સાથે સારું અનુભવવું બહુ જરૂરી છે અને એ કામ તો તબિયતથી જ થાય. આ રિયલાઇઝ થાય એટલે જિમ જૉઇન કરે અને બે-ત્રણ અઠવાડિયાં બરાબર મહેનત કરે, પણ પછી હતા ત્યાંના ત્યાં જ.

આ વર્ષે ક્રિસમસથી શરૂ થયેલા નવા વર્ષના કરફ્યુએ થોડો વહેલો બદલાવ લાવી દીધો છે. ૧૧ વાગ્યા પછી ક્યાંય ભેગા નહીં થવાનું, સીધા ઘરભેગા થવાનું. આનાથી સૌથી મોટો ફટકો પડ્યો ડિસેમ્બર થર્ટીફર્સ્ટના સેલિબ્રેશન અને વિશિઝને. આજ સુધી અમે પણ દર વર્ષે પાર્ટી કરી છે અને ૧૨ વાગ્યાની રાહ જોઈને એવી રીતે બધાને વિશ કર્યું છે કે બસ, અહીંથી આપણો સમય બદલાઈ જશે અને પહેલી જાન્યુઆરીથી બહુ મસ્તમજાનું જીવન થઈ જશે. આવનારું વર્ષ ખૂબ સફળતા લાવશે અને બીજું બધું, પણ ૧૨ વાગ્યાથી આવું નહીં કરી શકવાથી સમય નહીં બદલાય એવું નથી, નવું વર્ષ શરૂ નહીં થાય એવું નથી અને વર્ષ સારું નહીં જાય એવું પણ નથી.

૨૦૧૯ની રાતે વિશ કર્યું જ હતુંને બધાએ એકબીજાને?!
એટલે એમાં વધુ કંઈ કહેવાની જરૂર નથી રહેતી.
બધાનું વર્ષ અને આવનારાં વર્ષ જેવાં જાય એવાં પણ આપણે આપણી જાતને એવી રીતે બદલવા જોઈએ કે આપણે કોઈ પણ સમય સાથે પાણીના પ્રવાહની જેમ વહી શકીએ. આપણે બધાએ લૉકડાઉનમાં આપણા જીવનની સૌથી મહત્ત્વની જરૂરિયાતોની સમજી લીધી છે અને એ બહુ બધી નથી હોતી. આપણા જીવનના સૌથી મહત્ત્વના લોકો કોણ અને કોણ આપણા પડખે ઊભા રહેશે એનો અનુભવ પણ કરી લીધો છે એટલે આ વર્ષે નક્કી રાખવું કે ખોટા લોકોની પાછળ દોડવું નહીં.

આ જ વાતની સાથે બીજો મોટો અને સૌથી અગત્યનો બદલાવ, ટેક્નૉલૉજી સાથેની દોસ્તી. આ બદલાવ અઘરો પડી શકે છે, પણ એનાથી ડરવાની જરૂર નથી, પરંતુ યાદ રાખવાનું છે કે ધીમે-ધીમે ઘણુંબધું ટેક્નૉલૉલોજી સંબંધ‌િત થવા માંડશે એટલે આપણે પણ એ દિશામાં આગળ વધવા માટે તૈયાર થવાનું છે. આપણે આપણા મનને એમ જ મનાવીને બેઠા હોઈએ કે એ બધું મને ન આવડે કે ન ફાવે. એવી દલીલ કરતા હોઈએ કે એ તો યંગ જનરેશન જ કરી શકે, તો એવું નથી અને એવો અભિગમ રાખવાનો પણ નથી. આ બહુ મહત્ત્વનો બદલાવ છે અને બહુ જરૂરી પણ છે. એ તમારા કામધંધામાં જ નહીં, જીવનમાં પણ સરળતા લાવવા અને સંબંધોમાં આનંદ ભરવામાં પણ ખૂબ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. આપણો એક કૉમન ડાયલૉગ હોય છે, ખાસ કરીને યંગર જનરેશન માટે.
શું આખો દિવસ ફોન અને લૅપટૉપ પર જ બેઠા રહો છો?

હવે એ જ દિશામાં આપણે પણ આગળ વધવાનું છે. કબૂલ કે જેમ અતિરેક યોગ્ય નથી, પણ એવી જ રીતે અણઆવડત પણ ગેરવ‍વાજબી છે. નવા વર્ષનું તમે કોઈ રેઝોલ્યુશન ન બનાવ્યું હોય તો મારી વાત માની, તમારી જાતને ટેક્નૉલૉજી સાથે જોડીને રાખવાનું અને ટેક્નૉલૉજીની બાબતમાં વધારે અપડેટ થવાનું રેઝોલ્યુશન લઈ લેજો. હાઉસવાઇફને ખૂબ રેસિપી પણ મળશે અને ઘરે ખૂબ મસ્તમજાનું બધાને જમવા પણ મળશે. દરેક ઉંમરવાળાને દુનિયાની દરેક પ્રકારની જાણકારી મળશે, જે તમારા મોબાઇલ ફોનમાં પડી જ છે અને યાદ રાખજો કે દુનિયા ત્યાં વિકસતી જ રહેવાની છે એટલે એની ટૂર પર જવાનું સહર્ષ સ્વીકારજો. ટેક્નૉલૉજીની આ દુનિયાના હૉલિડે માણજો અને એ વેકેશનનો પણ આનંદ લેજો. આ ટેક્નૉલૉજી થકી ઘણી સંસ્કૃતિ અને જ્ઞાન સાથે દોસ્તી થશે, જે તમારા જીવનમાં બહુ જરૂરી બદલાવ લાવશે અને એ બધું ઘરબેઠાં થઈ શકશે. બદલાવ માટે અહીં તમને દેખાડી છે એવી મારા જેવી હેરસ્ટાઇલ કરવી કમ્પલ્સરી નથી, પણ તમારી જાતને દરેક રીતે ખોલીને એક નવો બદલાવ લાવવાનો પ્રયત્ન કરજો તો સાથોસાથ તમારી મનગમતી દરેક ઇચ્છાઓને પૂરી કરવાનો પ્રયત્ન પણ કરજો. બનતું એવું હોય છે કે ઘણી વાર આપણે જ આપણી જાતને એવા અવરોધમાં અને બંધનોમાં બાંધીને બેઠા હોઈએ છીએ કે આપણે જ આપણી જાતને સૌથી વધુ દુખી કરતા રહીએ.

અવરોધ તોડવાની સાથોસાથ તમારા જીવનની એવી દરેક ચીજોનો વિચાર કરજો કે એવું શું-શું છે જે તમારા મનમાં હતું અને તમે નથી કરી શક્યા. બહુ ખર્ચાળ ન હોય અને કરી શકતા હો તો એ બધી ઇચ્છાઓ જરૂર પૂરી કરજો. નવા વર્ષે એવાં દરેક પ્રકારનાં ખોટાં બંધનોનું ‌લિસ્ટ બનાવીને એને ફેંકી દેજો, ના ફેંકી ન દેતા, પણ એને ડેશબોર્ડ પર ચોંટાડી રાખજો કે પછી લિસ્ટ બનાવીને એનો ફોટો મોબાઇલમાં પાડી રાખીને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવાનું રેઝોલ્યુશન લેજો અને એ પ્રયત્ન પણ કરજો. તમને શું-શું કરવું ગમે છે, શું કરવાથી તમે સ્ટ્રેસથી દૂર રહો છો, તમને કઈ વ્યક્તિ આનંદ આપે, તમારા સંબંધોને મજબૂત બનાવે, કઈ વ્યક્તિ સાથે વાત કરવી ગમે, કોણ તમને ઇન્સ્પાયર કરે એ નોંધજો અને એવા લોકો સાથેના સંબંધ વધારજો. બહુ જરૂરી છે આ બધું. કહે છેને, માણસ એવો જ બનતો હોય છે જેની સાથે તે રહેતો હોય તો તેની સાથે રહેજો, જેના જેવું બનવું તમારી ઇચ્છા છે તેની સાથે રહેજો, જે બધાને ખુશ રાખવાનું કૌવત ધરાવતા હોય. બીજું તો શું કહું, ૨૦૨૧માં તમારી તબિયતનું સૌથી વધારે ધ્યાન રાખજો અને તબિયતને જરા પણ બેદરકારીથી ન લેતા. જો આવી બેત્રણ વાતનાં રેઝોલ્યુશન પાસ કરશો તો ખાતરી આપું છું ન્યુ યર આખું હૅપી-હૅપી થઈ જશે.
બસ એ જ લિખિતંગ,
તમારો જેડી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK