Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જરૂર હોય ત્યારે પ્રેમ જરૂર આપો

જરૂર હોય ત્યારે પ્રેમ જરૂર આપો

08 January, 2020 05:09 PM IST | Mumbai
Sejal Ponda

જરૂર હોય ત્યારે પ્રેમ જરૂર આપો

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


જ્યારે કોઈ વ્યક્તિ આપણને કહે કે તે થાકી ગઈ છે, નિરાશ થઈ ગઈ છે, હતાશ થઈ ગઈ છે ત્યારે તેની આ ફીલિંગને નજરઅંદાજ કરવી નહીં. તે કેવી માનસિક યાતનામાંથી પસાર થતી હશે એનો આપણને અંદાજો નહીં હોય. જો આપણે તેની યાતનામાં પ્રવેશ કરીએ તો એ માણસની તૂટી ગયેલી હિંમત ફરી બંધાઈ શકે છે. આ એક પ્રકારનો પ્રેમ જ કહેવાય.

પ્રેમ એક અદ્ભુત અનુભૂતિ છે. કોઈ ચિક્કાર ચાહતું હોય ત્યારે જીવન જીવવા જેવું લાગે છે. પ્રેમના પાયામાં લાગણી હોય છે. સાથે વૃદ્ધ થવાની સહમતી હોય છે. એકબીજાને પ્રેમ કરતી બે વ્યક્તિઓ દરેક બાબતે સહમત થાય એ શક્ય નથી. એકબીજાની અસહમતીનું માન જાળવવું પણ જરૂરી છે. એકબીજાની અસહમતીમાં સહમત થવું બહુ ઓછા લોકોને ફાવે છે.



એવી ઘણી બાબતો છે જેમાં આપણને ફાવતું નથી. જે આપણને ફાવતું નથી એની આપણે ના પાડીએ. જેની આપણે ના પાડીએ છીએ એ બાબત સામેની વ્યક્તિને માફક આવતી હોય એવું બને. આવા સમયે બે વ્યક્તિઓ વચ્ચે કૉન્ફ્લિક્ટ થવો સ્વાભાવિક છે. સહમતી બહુ ઓછી જોવા મળે.


દરેકના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે થાકી જાય છે, હારી જાય છે. એ સમયે તેને સૌથી વધારે ચાહનાર વ્યક્તિના સહવાસની જરૂર પડે છે. તેને ઝીલી લે, સંભાળી લે એવા સાથની જરૂર પડે છે. 

વ્યક્તિ સાજીનરવી હોય ત્યારે બધું નૉર્મલ હોય છે. વ્યક્તિ બીમાર પડે ત્યારે એ વ્યક્તિ સાજી થાય ત્યાં સુધી આપણે તેની કાળજી કરીએ છીએ. આ થઈ શારીરિક હેલ્થની વાત. માનસિક રીતે પણ આપણે બીમાર પડીએ છીએ. ભાંગી પડીએ છીએ. ત્યારે આપણને કોઈના પ્રેમની, વહાલની, કાળજીની સૌથી વધારે જરૂર પડતી હોય છે. અંગત સંબંધોમાં એ વહાલ મળી જાય, પણ કોઈ અજાણી કે ઓછી ઓળખીતી વ્યક્તિઓ જ્યારે ભાંગી પડે છે ત્યારે શું આપણે મદદ માટે હાથ લંબાવીએ છીએ? જીવવા માટે હિંમતની જરૂર હોય છે, બાકી મરી તો કોઈ પણ શકે છે. આ જે હિંમત છે એ આપણે જાતે ભેગી કરવી  પડી છે, પણ એક સમય એવો આવે છે જ્યારે હિંમત ભેગી કરવા આપણને કોઈના સહારાની જરૂર પડે છે. ટાઢક આપે એવા શબ્દોની જરૂર હોય છે. પૈસાની, વિચારોની, સંબંધોની, પ્રેમની સમૃદ્ધિમાં તો બધા જ આપણને ચાહી શકે છે. અને આપણે પણ બધાને ચાહી શકીએ છીએ. આપણી ખરી ચૅલેન્જ તો સમૃદ્ધિની બાદબાકી થઈ હોય ત્યારે આવીને ઊભી રહે છે.


શૂન્યની કિંમત આપણે શૂન્ય જ આંકીએ છીએ. દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે શૂન્ય બની જાય છે. પૈસાથી, સંબંધોથી, કામથી, શરીરથી. આ શૂન્યતા માણસને એકલો પાડી દે છે. નિરાશામાં ધકેલી દે છે. ઘણી વાર માણસ પોતાની તકલીફ, પોતાની પીડા કોઈને કહી ન શકતો હોય. મનોમન મૂંઝાયા કરે છે. ગૂંચવાયા કરે છે. ઘણી વાર કહી દીધા પછી તેની મૂંઝવણ વધી જાય છે.

જ્યારે કોઈ માણસ આપણને કહે કે તે થાકી ગયો છે, નિરાશ થઈ ગયો છે, હતાશ થઈ ગયો છે ત્યારે તેની આ ફીલિંગને નજરઅંદાજ કરવી નહીં. તે કેવી માનસિક યાતનામાંથી પસાર થતો હશે એનો આપણને અંદાજો નહીં હોય.

જો આપણે તેની યાતનામાં પ્રવેશ કરીએ તો એ માણસની તૂટી ગયેલી હિંમત ફરી બંધાઈ શકે છે. આ એક પ્રકારનો પ્રેમ જ કહેવાય.

બધું જ બરાબર ચાલતું હોય, સાજાનરવા હોઈએ, માનસિક રીતે સક્ષમ હોઈએ ત્યારે પ્રેમ છલકાતો હોય છે. વધતો હોય છે. સમૃદ્ધ થતો હોય છે. આવા છલોછલ સમયને આપણે પ્રેમની પરાકાષ્ઠા માની લઈએ છીએ. પણ ખરેખર તો અભાવમાં આપણે કેટલું આપી શકીએ છીએ, કેટલું સાચવી શકીએ છીએ એ પ્રેમની પરાકાષ્ઠા છે.

આપણે ભાંગેલી-તૂટેલી વસ્તુઓ ફેંકી દઈએ છીએ, પણ સંબધોમાં એવું ન થાય. જાણીતી કે અજાણી વ્યક્તિ મનથી ભાંગી પડે ત્યારે તેને શબ્દોની હૂંફ આપવાની હોય, એક વિશ્વાસ આપવાનો હોય કે આપણે તેની સાથે છીએ.

કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સો કરતી હોય, વારંવાર ચિડાઈ જતી હોય, નાની-નાની વાતે રિસાઈ જતી હોય, ગેરસમજણ કરતી હોય, નાની વાતે રડવા લાગતી હોય ત્યારે આપણે કંટાળી જઈએ છીએ અને એવી વ્યક્તિઓને એકલી મૂકી દઈએ છીએ, તેનાથી દૂર જતા રહીએ છીએ. પણ આ જ સમય છે વહાલ વરસાવવાનો, પ્રેમને સમૃદ્ધ કરવાનો. આવી વ્યક્તિને ખરેખર પ્રેમની વધારે જરૂર હોય છે. સારસંભાળની વધારે જરૂર હોય છે. આવા સમયે સાથ છોડવાનો ન હોય, સાથ આપવાનો હોય. પણ જો આપણે એ વ્યક્તિના ગુસ્સા પર ગુસ્સો કરીએ, તેની ગેરસમજણ પર આંખ લાલ કરીએ, તેની ચીડ પર સામે વધુ ચિડાઈએ તો એ વ્યક્તિની વેદના વધતી જશે. આવી વ્યક્તિએ પોતાની પીડા અંદર છુપાવી લીધી હોય છે જે પછી આક્રોશરૂપે બહાર આવે છે અને આપણે એમ સમજીએ કે તેનો સ્વભાવ જ ખરાબ છે. તેનાથી દૂર જ રહેવું. અહીં આપણી ધારણા ખોટી પડે છે. ચાલો અજાણી વ્યક્તિ માટે આપણે એવું ધારી લઈએ, પણ અંગત વ્યક્તિ માટે આપણે સમજદાર બનવું પડે. વાત બીજાને સંભાળવાની આવે ત્યારે થોડા ઉદાર બનવું પડે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 05:09 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK