યાદ રહે, તમે કુરુક્ષેત્રના મેદાનમાં નથી એટલે ગાંડિવ ચડાવવાની જરૂર નથી

Published: Dec 28, 2019, 15:18 IST | Sanjay Raval | Mumbai

સંબંધોને જો કુરુક્ષેત્રનું મેદાન બનાવીને રાખશો તો યાદ રાખજો કે સાચું-ખોટું અને સારું-ખરાબ તો તારવી શકશો, પણ સંબંધો આંખ સામે મરતા રહેશે, છૂટતા રહેશે

‘હું ખોટું ક્યારેય સહન કરતો નથી. મને શા માટે સહન કરવાનું આવે અને એ પણ કારણ વગરનું. હું પોતે ખોટો હોઉં તો બધું સહન કરી લઉં, પણ હું સાચો છું અને તો પણ મારે સહન કરવાનું, શું કામ વળી લે? ખોટો ન હોઉં તો પણ સહન કરવું એ તો ખોટું છે, અયોગ્ય છે. ખોટો હોઉં તો સહન કરીને બધું હું ચલાવી લઉં, પણ સાચો હોઉં તો ક્યારેય સહન નહીં જ કરું.’

આ સાવ સાચેસાચો સંવાદ છે અને એકધારો ૧૦ મિનિટ સાંભળેલો સંવાદ છે. ઘરના ઝઘડા અને બીજી-ત્રીજી કમેન્ટ્સ અને એ પછી દરેક વાક્યમાં હું અને સાચું-ખોટું અને સહન કરવાનું બધું ઍડ થવા લાગ્યું એટલે મેં જ સામેથી એ મિત્રને પાણીનો ગ્લાસ ધર્યો અને એ પછી તેણે બોલવાનું શરૂ કર્યાની લગભગ ૧૫ મિનિટ પછી, તેણે પાણીનો બ્રેક લીધો એટલે આખું કન્વર્સેશન મેં મારી બાજુએ વાળ્યું. એ ભાઈને પાણી પીતા અટકાવીને મેં પ્રેમથી પૂછ્યું કે તમે આ સાચું અને ખોટું સહન કરવાની વાત કરો છો તો પછી છોડી કેમ નથી દેતા, સહન કરવાની જરૂર જ નથી. છોડી દો, છૂટા પડી જાઓ. પિતા હોય કે પત્ની, જે ખોટું છે તેને છોડીને આગળ નીકળી જાઓ. શું ફરક પડવાનો જીવનમાં, કોઈના હોવા કે ન હોવાથી. જો તે સમજવા તૈયાર ન હોય તો પછી રોજેરોજ ઘરમાં હોળી કરવાને બદલે પ્રેમથી છૂટા પડી જાઓ. માબાપ પણ સમજશે તમારી વાત અને તમે તો દુખી છો જ. એ ભાઈની દલીલ હતી કે અંતે તો એ બધા મારાને. મેં એ મિત્રને સમજાવ્યું કે જો તમને આટલી સમજણ પડતી હોય તો પછી અહીં સાચા-ખોટા જોવાનું બંધ કરો અને પ્રેમથી સમયને માન આપીને સૉલ્યુશન લઈ આવો. ઘરની આ જ આવશ્યકતા છે. ઘરમાં, પરિવારમાં સાચા-ખોટા નહીં, પણ સારા અને ખરાબને જ મહત્ત્વ મળવું જોઈએ. આ જ વાત મારે તમને પણ કહેવી છે.

સાચું કોણ અને ખોટું કોણ એ જો તમે પરિવારમાં તારવવા બેસશો તો ક્યારેય તમે કોઈ એકને ન્યાય નહીં આપી શકો. પરિવારના સદસ્યોમાં કોઈ સાચું નથી હોતું અને કોઈ ખોટું નથી હોતું. જો કોઈ તકલીફ હોય તો એ માત્ર અને માત્ર ‘આઇ’ની એટલે કે હુંપણાની જ હોય.

જીવનમાં આ નિયમ હોવો જોઈએ. જે જગ્યાએ મારા લોકો હોય એ જગ્યાએ હુંપણું નાનું રાખો. જો એવું નહીં કરો તો એ સંબંધો ધીરે-ધીરે બગડવા લાગશે, એ હદે સંબંધો બગડશે કે તમારી પાસે અબોલા લેવા સિવાય બીજો કોઈ ઑપ્શન નહીં રહે. સાચા હોય તો પણ બધું સહન કરવાનું. આવી દલીલ જ્યારે પણ જેકોઈ કરે છે એ સૌને મને કહેવાનું મન થાય છે કે ભાઈ, ખોટા હોઈએ તો જ સહન કરવાનું આવે. જે સાચો હોય તે ક્યારેય એવો આગ્રહ કે દુરાગ્રહ ન રાખતો હોય કે ભાઈ મારી વાત માનો, મારું ધાર્યું કરો. જે ખોટો હોય તેણે જ ગાઈવગાડીને કહેવું પડે છે કે હું સાચો છું, મારું માનો. સાચો હોય છે તે ક્યારેય પોતાની વાત મનાવવાની જીદ નથી પકડતો અને તેણે પકડવી પણ ન જોઈએ. સાચું છે એ સદાકાળ સાચું જ છે અને સાચું જ રહેવાનું છે. સાચો હોય છે તેને ખબર જ હોય છે કે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમદિવસે તેની સચ્ચાઈ બહાર આવી જશે, તેની સાચી વાત માનવી જ પડશે અને એ માન્યા પછી જાહેરમાં, બધાની હાજરીમાં કબૂલ પણ કરવામાં આવશે. ખાતરી છે તેને અને એટલે જ તે પોતાના સાચાપણા માટે જીદ કરવા રાજી નથી હોતો. એ સાચો છે તે બોલી-બોલીને પ્રસ્થાપિત પણ નથી કરતો. હવે વાતને બીજા દૃષ્ટિકોણથી જોઈએ.

જ્યારે વાત પોતાના લોકોની હોય ત્યારે પોતાની સાથે ખોટું થતું હોય તો પણ તે જતું કરવાની અને સહન કરવાની ભાવના હોવી જોઈએ, કારણ કે સામે તમારા પોતાના લોકો જ છે. આપણે કંઈ અર્જુનની જેમ સત્ય-અસત્યની લડાઈ લડવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં નથી ઊભા કે ગાંડિવ ઉપાડવું પડે. ના, જરાય નહીં. આપણું ઘર છે, સામે જે છે તે આપણા ઘરના સભ્યો છે. એ લોકોએ ક્યાંક ને ક્યાંક માત્ર તમારું હુંપણું ઓછું કરવાનું કામ કર્યું છે અને એટલે તમને પીડા થઈ રહી છે. આ પીડા તમારી સાચી નથી, તમારા હુંપણા પર થયેલો ઘા છે અને એટલે તમે ચિસાચીસ કરી રહ્યા છો. આ ચીસાચીસને તમે તમારા સ્વાભિમાન સાથે જોડીને બેસી ગયા છો એટલે એ તમને ખોટું દૃશ્ય દેખાડવાનું કામ કરે છે. સંસાર છે સાહેબ, થોડું સહન કરીને, થોડું જતું કરીને પણ એક થઈને રહેવાનું હોય તો પછી આવી માથાકૂટ અને કડાકૂટમાં પડવું જ શું કામ? જેમાં તમને ખબર જ છે કે અંત એક જ આવવાનો છે તો પછી શું

કામ એ રોજરોજનો કજિયો અને રોજરોજની તકલીફો?

તમને જ્યારે ખબર જ છે કે તમે પરિવારને છોડી શકવાના નથી, તમારા પેરન્ટ્સને મૂકીને ઘરમાંથી નીકળી શકવાના નથી તો પછી શું કામ એવો કોઈ ઈગો મનમાં પાળવો કે ‘એક્સ’ સિચુએશનમાં હું સાચો હતો અને ‘વાય’ સિચુએશનમાં મારે સહન કરવાનું આવ્યું? યાદ રાખો, ક્યારેય ભૂલો નહીં કે તમે ક્યાંય કુરુક્ષેત્રમાં નથી ઊભા. ક્યારેય નહીં. તમારે વધ નથી ગણવાના અને એટલે જ તમારે દરેક વખતે વીંધાઈ જવું પડે તો એને હસતા મોઢે તમારે સ્વીકારીને રાખવાનું છે. કોઈ વખત વાઇફનો ઈગો સાચવી લેવામાં ભલાઈ છે તો કોઈ વખત પપ્પાનો અને કોઈ વખત મમ્મીનો ઈગો સાચવી લેવામાં ભલમનસાઈ છે. સાથે એ જ વ્યક્તિ રહી શકે જેને પોતાના હુંકારમાં નહીં, પણ પરિવારના સ્વીકારમાં રસ હોય છે. હું હંમેશાં એક વાક્ય કહું છું,

જેવડો મોટો  (I) ‘આઇ’, સંબંધોમાં એવડી જ મોટી ખાઈ.

અગાઉ મેં કહ્યું છે કે જ્યાં પણ જ્યારે પણ નાના થઈને રહેવાની તક મળે ત્યારે એ તક ઝડપી લેવી જોઈએ. એક વખત મોટા થઈને ઊભા રહી જશો તો જીવનમાં એટલી ઉપાધિઓ સામે આવીને ઊભી રહી જશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. બહેતર છે, જે તમને નાના ગણે છે તેની પાસેથી એ લાભ લો, એ પ્રિવિલેજ છે અને આવું પ્રિવિલેજ બધાને નથી મળતું. લાભ લો, બાળક બનીને રહેવાનો. લાભ લો, બાળક બનીને જવાબદારીઓમાંથી છૂટવાનો, પણ આ લાભ તો જ મળશે જો તમે કોઈને મોટા થવાની તક પણ આપશો. તમારો હુંકાર નાનો કરીને રાખશો તો તમે નાના થવાનો અને સામેવાળાને મોટા બનવાનો લાભ લેવા દઈ શકશો. તમને લાડ કરાવે એવા લોકો તો જ તમને મળશે જો તમે નાના બનીને રહેવા તૈયાર હો. મોટા બનીને ઘરઆખામાં અહંકાર સાથે ફરનારા કોઈને પણ ઘરમાં લાડ કરતું હોય એવું તમે ક્યારેય જોયું નહીં હોય. મારી આજે એક અંગત સલાહ છે. છોકરાઓએ પોતાનો હુંકાર નાનો કરવાની અને છોકરીઓએ પોતાના હુંકારને ભૂલવાની જરૂર છે. પરણીને ઘરમાં આવતી યુવતી એ ઘરના સૌકોઈને સાથે રાખવાનું કામ કરતી ચાવી છે અને એવી ચાવી ભાગ્યે જ મળતી હોય છે એટલે જેના પણ હાથમાં એ ચાવી આવશે તે પોતાની જાતની તમામ ધન્યતા સામેવાળાના શિરે મૂકતાં ખચકાશે નહીં.

પરિવારને એક કરવા માટે, પરિવારને એક રાખવા માટે સૌથી પહેલું કામ જાતને ઓગાળી નાખવાનું કરવું પડે છે. જો જાતને જુદી રાખશો તો સૌથી પહેલાં તમને બહાર ધકેલી દેવામાં આવશે. જો જાતને અળગી રાખશો તો પણ સૌથી પહેલાં તમારાથી અંતર કરવામાં આવશે. તમારી હાજરી ભારરૂપ નહીં, પણ તમારી હાજરી સુગંધ સાથેની હોવી જોઈએ. હાજરીને હળવાશ આપો અને હુંકારને નાનો કરો. જો એ કામ થઈ શક્યું, જો એ કામ કરી શક્યા તો તમારે સુખ શોધવા ક્યાંય જવું નહીં પડે. પોતાની વ્યક્તિને જો મોટા થવાની તક આપશો તો તમારે લાડ કરવા બીજી કોઈ જગ્યાએ જવું નહીં પડે. જો પોતાના લોકોને મોઢું ચડાવવાની પરમિશન આપશો તો

તમારે કોઈને ખિજાવા બહાર નહીં જવું પડે પણ આ હક તો જ મળશે, જો તમે, તમારો હક અન્ય કોઈને આપવા તૈયાર હશો કે રાજી હશો. સાચા-ખોટાનો ભેદ ઘર સુધી ન આવે, ઘરની વ્યક્તિઓ સુધી ન

આવે એ માટેની સજાગતા જ પરિવારને

એક રાખવાનો ગુરુમંત્ર છે. આપણી વ્યક્તિ ખોટી હોય તો પણ તેને અપનાવવામાં

જ સાર છે.

 

પરિવારને એક રાખવા માટે સૌથી પહેલું કામ જાતને ઓગાળી નાખવાનું કરવું પડે છે. જો જાતને જુદી રાખશો તો સૌથી પહેલાં તમને બહાર ધકેલી દેવામાં આવશે. જો જાતને અળગી રાખશો તો પણ સૌથી પહેલાં તમારાથી અંતર કરવામાં આવશે. તમારી હાજરી ભારરૂપ નહીં, પણ તમારી હાજરી સુગંધ સાથેની હોવી જોઈએ. હાજરીને હળવાશ આપો અને હુંકારને નાનો કરો. જો એ કામ થઈ શક્યું, જો એ કામ કરી શક્યા તો તમારે સુખ શોધવા ક્યાંય જવું નહીં પડે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK