Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બીજું નાટક અને બીજી નિષ્ફળતા

બીજું નાટક અને બીજી નિષ્ફળતા

31 March, 2020 06:24 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

બીજું નાટક અને બીજી નિષ્ફળતા

પુરાની યાદેં : મિચેલ બોરીમૅનની નવલકથા પર આધારિત નાટક ‘સંગાથ’ની પેપર-ઍડ. આ નવલકથાનું નાટ્ય-રૂપાંતર રાજેન્દ્ર શુક્લએ કર્યું હતું અને નાટકનું દિગ્દર્શન લક્ષ્મીકાંત કર્પેનું હતું.

પુરાની યાદેં : મિચેલ બોરીમૅનની નવલકથા પર આધારિત નાટક ‘સંગાથ’ની પેપર-ઍડ. આ નવલકથાનું નાટ્ય-રૂપાંતર રાજેન્દ્ર શુક્લએ કર્યું હતું અને નાટકનું દિગ્દર્શન લક્ષ્મીકાંત કર્પેનું હતું.


રવિવારનો દિવસ હતો અને હું ચર્ની રોડ સ્ટેશને ટ્રેનની રાહ જોતો ઊભો હતો. મારે જયહિન્દ કૉલેજમાં નાટક જોવા ચર્ચગેટ જવાનું હતું. મારી સામેના એક નંબરના પ્લૅટફૉર્મ પર એક વ્યક્તિ ઊભી હતી, નામ તેમનું ધીમંત મહેતા. મારી જ ઉંમરના, નાટકના રસિયા. ઘણી વાર નાટકમાં મને મળી જતા. ધીમંતે રાડ પાડીને મને કહ્યું, ‘કાલે તું મને ફોન કર, મારે તારું કામ છે.’

સામસામા પ્લૅટફૉર્મ પર ઊભા રહીને તેમણે મને ટેલિફોન-નંબર લખાવ્યો. બીજા દિવસે મેં ફોન કર્યો ત્યારે તેમણે મને એ જ વાત કહી, જે સાંભળવાની ઇચ્છા હું લાંબા સમયથી રાખી રહ્યો હતો. ધીમંતે મને કહ્યું, ‘આપણે નાટક બનાવીએ, હું પૈસા રોકું છું અને બાકીનું તું બધું સંભાળ.’



હું તૈયાર જ હતો. મારે આ જ કામ કરવું હતું. એ વખતે મારા પ્રોડક્શનનું નામ હતું સ્વાગતમ્. સ્વાગતમમાં મારા માટે ફરીથી નિર્માતા બનવાના ચાન્સ ઊભા થયા હતા. અગાઉ મેં આ બૅનરમાં ‘આભાસ’ નાટક બનાવ્યું હતું, જે ફ્લૉપ થયું હતું. ‘આભાસ’ પછી આ બીજું નાટક થવાનું હતું જે માટે સૌથી પહેલાં તો રાઇટર-ડિરેક્ટર નક્કી કરવાના હતા. હું અનિલ મહેતાને મળ્યો. અનિલ મહેતાએ ૭૫થી ૧૦૦ જેટલાં નાટકોનું રૂપાંતરણ કર્યું છે. નાટક-ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું અને સારું નામ. અનિલભાઈને મળીને મેં તેમને વાત કરી અને કહ્યું કે મારે નાટક કરવું છે. જો સારી સ્ક્રિપ્ટ હોય તો મને સજેસ્ટ કરો.


અનિલભાઈએ મને હિરોઇનના ડબલ રોલવાળી એક વાર્તા સંભળાવી. મને વાર્તા ગમી ગઈ. એ વાર્તા લઈને અમે દિગ્દર્શક દિનકર જાની પાસે ગયા. દિનકર જાની સ્વભાવના ખૂબ જ સાલસ અને મૃદુ માણસ. તેમની સાથે હું ‘દસ્તો પિંજર ખાલ કબૂતર’ નાટકમાં કામ કરી ચૂક્યો હતો એટલે મને તેમની કામ કરવાની રીત પણ નજીકથી જોવા મળી હતી. બહુ ઊંચનીચમાં માને નહીં અને એવું પણ નહીં કે ‘એક્સ’ સાથે જ કામ થાય અને ‘વાય’ સાથે કામ ન થાય. બસ, સારી વાર્તા હોવી જોઈએ. જાનીએ કહ્યું કે પહેલાં આખી વાર્તા સાંભળી લઈએ, પછી નક્કી કરીએ કે આગળ કેવી રીતે વધવું છે.

અનિલ મહેતા પાસે વાર્તા સાંભળી, તેમને પણ વાર્તા ગમી. કાસ્ટિંગની વાત શરૂ થઈ. એ સમયે મેઘના રૉય અવેલેબલ હતાં એટલે નક્કી થયું કે નાટકમાં ડબલ રોલવાળો રોલ મેઘનાબહેન પાસે કરાવીએ અને નાટકમાં ઇન્સ્પેક્ટરનો જે રોલ હતો એને માટે સમીર ખખ્ખરને લઈએ. સમીરની તમને ઓળખાણ કરાવી દઉં. સમીર ખખ્ખર એટલે દૂરદર્શનની હિટ સિરિયલ ‘નુક્કડ’નો ખોપડી. એ સમયે ‘નુક્કડ’ સિરિયલ ચાલુ હતી. ખોપડીની પૉપ્યુલરિટી અનહદ હતી. સિરિયલના એક એપિસોડમાં ક્રિકેટ મૅચ રમાય છે, જેમાં બધા પ્લેયર આઉટ થઈ જાય છે. હવે સૌથી છેલ્લો ખોપડી બચ્યો છે અને ખોપડી મૅચ જિતાડી દે છે. આ એપિસોડ પછી આખા ઇન્ડિયામાં ફટાકડા ફૂટ્યા હતા. અનેક જગ્યાએ લોકોએ એકબીજાનાં મોઢાં  મીઠાં કરાવ્યાં હતાં. આ સિરિયલની પૉપ્યુલરિટીનું એક ઉદાહરણ. ‘નુક્કડ’ના પ્રોડ્યુસર હતા અઝીઝ મિર્ઝા, સઇદ મિર્ઝા, કુંદન શાહ અને મંજુલ સિંહા. ચારેય પાર્ટનર. સિરિયલ ખૂબ ચાલી હતી. અમે નક્કી કર્યું કે સમીર ખખ્ખરની આ લોકપ્રિયતાનો લાભ લઈએ. સમીર દિનકર જાનીનો ખાસ મિત્ર અને જાનીને તે માને પણ એટલો જ. અમે તેની સાથે વાત કરી, તેણે નાટક માટે હા પાડી, પણ તેણે અધધધ કહેવાય એવા રૂપિયા માગ્યા. શોદીઠ ૧૦૦૦ રૂપિયા. મેં હા પાડી.


સમીરના શોદીઠ ૧૦૦૦ રૂપિયા અને નાટકનાં લીડ ઍક્ટ્રેસ મેઘનાબહેનનું ૩૦૦ રૂપિયાનું કવર થઈ ગયું. મને અત્યારે તો નાટકના બીજા ઍક્ટર્સ યાદ નથી, પણ હા, સેજલ શાહ પણ નાટકમાં હતાં. સેજલનું ત્યારે આ પહેલું કે બીજું જ કમર્શિયલ નાટક હતું. સેજલના પહેલા એક્સપરિમેન્ટલ નાટકનો શો પૃથ્વીમાં હતો ત્યારે હું એમાં મ્યુઝિક આપવા ગયો હતો. એ સમયથી સેજલ સાથે ઓળખાણ અને દોસ્તી, જે આજ સુધી અકબંધ રહી છે. સેજલને ૧૭૫ રૂપિયાનું કવર મળતું હતું.

નાટકનાં રિહર્સલ્સ બિરલા ક્રીડા કેન્દ્રમાં શરૂ કર્યાં અને નાટકની પબ્લિસિટીનું કામ દીપક સોમૈયાએ સંભાળ્યું. નાટકનું નામ હતું ‘હૅન્ડસ્ અપ.’ નાટક બનાવવાનો મારી પાસે ત્યારે અનુભવ નહોતો. હા, પ્રોડક્શન ઊભું કરવામાં મને કોઈ પ્રૉબ્લેમ થતો નહોતો. મ્યુઝિક, કલાકાર, સેટવાળા, કૉસ્ચ્યુમ અને બાકીની પ્રૉપર્ટી ઊભી કરવામાં હું એક્સપર્ટ થઈ ગયો હતો, પણ નાટક બનાવવાનો મારી પાસે અનુભવ નહોતો. નાટક કેમ બનાવવું એની ખબર નહોતી એટલે મારો બધો આધાર રાઇટર અને ડિરેક્ટર પર રહેતો, જે યોગ્ય ન કહેવાય. કમનસીબે આ નાટક પણ ફ્લૉપ ગયું અને પાંચ શોમાં બંધ થઈ ગયું. મારા ફાઇનૅન્સર ધીમંત મહેતાને  આ નાટકમાં નુકસાની ગઈ. જોકે મારે કહેવું પડે કે નાટકમાં નુકસાની ગઈ હોવા છતાં ધીમંતે મારા પ્રત્યે જરા પણ અણગમો દેખાડ્યો નહોતો. નાટકના પ્રોડક્શનમાં ધીમંત બરાબર ખૂંપેલા  રહેતા, જે મારા માટે ફાયદાકારક હતું.

ધીમંતનું મૂળ કામ ઇમ્પોર્ટ લાઇઝનિંગનું હતું. પંચરત્નમાં તેમની ઑફિસ હતી. ૬ વાગ્યા સુધી તેઓ ઑફિસ પર રહે અને પછી પુલ ક્રૉસ કરીને તેઓ રિહર્સલ્સમાં આવે. ૮ વાગ્યા સુધી રિહર્સલ્સમાં રહે, પછી સાંતાક્રુઝ પોતાના ઘરે જતા રહે. અત્યારે પણ કદાચ તેઓ ત્યાં જ રહે છે. નામ યાદ રાખજો તમે, ધીમંત મહેતા. તેમની સાથે મારી અલપઝલપ મુલાકાત થયા કરે છે. કરીઅર-ગાથામાં આગળ જતાં આ જ ધીમંત મહેતાને એક મહત્ત્વના પૉઇન્ટ પર આપણે ફરી પાછા મળીશું. અત્યારે વાત કરીએ મારા બીજા ફ્લૉપ ગયેલા નાટકની.

નાટક ફ્લૉપ ગયું અને મને ખૂબ દુઃખ થયું, બહુ અફસોસ થયો. મને એક વાત કહેવી છે કે મેં મારી નિષ્ફળતાનો અપજશ મારી અણઆવડતને આપ્યો છે. મેં ક્યારેય અપજશ મારા નસીબને નથી આપ્યો કે પછી નસીબને ગાળો નથી ભાંડી. મેં હંમેશાં મારી જાતને કહ્યું છે કે મને જ નાટક બનાવતાં નહીં આવડ્યું.

રાઇટર, ઍક્ટર, ડિરેક્ટર ફેલ થયા હોય એ સમજી શકાય, પણ પ્રોડ્યુસર ફેલ થાય એ ન ચલાવી લેવાય. હું મારી નિષ્ફળતાનું મૂલ્યાંકન કરતો રહેતો. જીવનમાં પોસ્ટમૉર્ટમ કરવું જ હોય તો નિષ્ફળતાનું કરવું. એ તમારામાં કમીઓ ઓછી કરવાનું કામ કરશે. મને પણ મારી જેકોઈ કમીઓ હતી એ દેખાવાનું શરૂ થઈ ગયું.

એ વખતે હું નવોનવો નિર્માતા હતો એટલે ઍક્ટરો પર મારો બહુ કાબૂ નહોતો. સમીર ખખ્ખરનું ‘નુક્કડ’નું શૂટિંગ ચાલુ હતું,તે સ્ટાર હતો. પોતાના ટાઇમે રિહર્સલ્સ પર આવે. અરે, ઘણી વાર તો રિહર્સલ્સના ટાઇમે આવીને બિરલા ક્રીડા કેન્દ્ર પાસે આવેલા મફતલાલ બાથમાં તેના મિત્રો સાથે બેઠો હોય, પણ રિહર્સલમાં ન આવે, ત્યાં જઈને રિકવેસ્ટ કરું એ પછી આવે. મારી સાથે જેકંઈ બનતું હતું એ બધું મને ત્યારે તકલીફ આપનારું લાગ્યું હતું, પણ હકીકત એ પણ હતી કે આ ઘટનાઓથી મારું ઘડતર થતું હતું, આ બધું મને સમય જતાં કામ લાગવાનું હતું. આવા અનુભવો મને કઈ રીતે કામ લાગ્યા અને કેવી રીતે મેં એમાંથી રસ્તા કાઢ્યા, કઈ રીતે ઍક્ટર, રાઇટર, ડિરેક્ટરને કાબૂમાં રાખ્યા એ બધી વાતો પણ કરીશું, પણ એક વાત તો નક્કી હતી કે જાણતાં-અજાણતાં આ બધી વાતોથી મારી અંદર રહેલા પ્રોડ્યુસરનું ઘડતર થતું હતું.

રાતોરાત કશું થતું નથી અને થાય પણ નહીં, પરંતુ મારે કહેવું પડશે કે એ નાટકમાં બધું રાતોરાત થયું અને બધા અનુભવો મને સાથે મળી ગયા. સમીર આજે પણ મારો મિત્ર છે. હજી દસેક દિવસ પહેલાં જ તેની સાથે મારી વાત થઈ, પણ એનાથી ભૂતકાળ બદલાઈ નથી જવાનો. વાસ્તવિકતા એ જ રહેવાની કે મારું બીજું નાટક ફ્લૉપ થયું અને મારા ફાઇનૅન્સર ધીમંત મહેતાના પૈસા ડૂબ્યા. તેમના પૈસા ને મારું નિર્માતા બનવાનું સપનું. બીજી વખતના મારા ફ્લૉપ પ્રયાસ પછી ફરી એક વખત મને મદદરૂપ થઈ મારી ઍક્ટિંગ. જેવું આ નાટક ફ્લૉપ થયું કે તરત જ મને ભરત મોહિનીની ‘સંગાથ’ નાટકમાં ઍક્ટિંગ કરવાની ઑફર આવી.

જોકસમ્રાટ

ઘરવાળીને કીધું કે તું મોઢે માસ્ક કેમ નથી પહેરતી, તો મને કહે કે ‘ તો પછી હું મોઢું ચડાવીને ફરું તો તમને ખબર કેમ પડશે?’

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 06:24 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK