Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે પૂછોને, સલમાનને સેક્રેટરી માટે

તમે પૂછોને, સલમાનને સેક્રેટરી માટે

28 April, 2020 07:32 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

તમે પૂછોને, સલમાનને સેક્રેટરી માટે

સલમાનનો સેક્રેટરીઃ સલમાન ખાન ત્યારે નવો-નવો હતો અને મને એમાં ર્સ્પાક દેખાયો એટલે મુકેશ ભટ્ટને મેં કહ્યું હતું કે સલમાન ખાનને સેક્રેટરીની જરૂર હોય તો તમે પૂછો, હું કરવા માગું છું તેનું કામ.

સલમાનનો સેક્રેટરીઃ સલમાન ખાન ત્યારે નવો-નવો હતો અને મને એમાં ર્સ્પાક દેખાયો એટલે મુકેશ ભટ્ટને મેં કહ્યું હતું કે સલમાન ખાનને સેક્રેટરીની જરૂર હોય તો તમે પૂછો, હું કરવા માગું છું તેનું કામ.


કામને ગંભીરતાથી ન લો તો ક્યારેય કામ તમારી મહેનતને ગંભીરતાથી નહીં જુએ. શફી ઈનામદારના સેક્રેટરી બન્યા પછી મેં એ કામને સિરિયસલી લીધું હતું અને મારાં નસીબ પણ સારાં કે શફીભાઈને સારી-સારી ઑફર આવવા લાગી હતી. હું પ્રોડ્યુસર-ડિરેક્ટરને મળતો અને તેમને કહેતો કે અમારે તમારી સાથે કામ કરવું છે, શફીભાઈ લાયક કોઈ રોલ હોય તો મને કહેજો. હાથ લંબાવવામાં નાનપ રાખવી, પણ કામ માગવામાં ક્યારેય નાનપ નહીં રાખવાની.
ગયા મંગળવારે કહ્યું હતું એમ, આ સમયમાં જ મેં મારું પહેલું વેહિકલ કાઇનૅટિક હૉન્ડા ખરીદ્યું હતું. બપોર પછી હું મારું સ્કૂટર લઈને લિન્કિંગ રોડ આવી જાઉં અને ત્યાં પહોંચીને મારી મીટિંગ શરૂ કરી દઉં. આ મીટિંગમાં એક વાર હું કે. બાપૈયાને મળ્યો. સાઉથના બહુ મોટા ડિરેક્ટર. જેમને ’૮૦નું બૉલીવુડ યાદ હશે તેને ‘સ્વર્ગ સે સુંદર’ અને ‘મવાલી’ ફિલ્મ યાદ હશે. સુપરહિટ એવી આ બન્ને ફિલ્મો તેમણે ડિરેક્ટ કરી હતી. કે. બાપૈયાને મળીને મેં તેમને પણ કહ્યું કે અમારે તમારી સાથે કામ કરવું છે. શફીભાઈને તેઓ ઓળખતા નહીં, પણ તેમના કામથી વાકેફ હતા. તેમણે તરત જ શફીભાઈને બે ફિલ્મો માટે સાઇન કરી લીધા. આ બે ફિલ્મમાંથી એક ફિલ્મ હતી ‘ઇજ્જતદાર’. આ ફિલ્મના પ્રોડ્યુસરને બાપૈયાસાહેબનો ભાણિયો રમેશ રાવ લાવ્યો હતો. એ ફાઇનૅન્સર ત્યાર પછી આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ કરી ગયો, સુધાકર બોકાડે. એ સમયે લોકો એવું કહેતા કે સુધાકરના સંબંધો અન્ડરવર્લ્ડ સાથે છે. આજે તેઓ હયાત નથી અને કોઈની ગેરહયાતીમાં આ પ્રકારની વાતો કરવી એ યોગ્ય નથી એટલે આપણે એ વિષયને વણસ્પર્શ્યો જ રાખીએ.
‘ઇજ્જતદાર’માં ત્રણ ભાઈબંધો હતાં, જેમાંથી એક ભાઈબંધનું કૅરૅક્ટર દિલીપકુમાર કરવાના હતા તો બીજા એક ભાઈબંધનું કૅરૅક્ટર અનુપમ ખેર કરવાના હતા, જ્યારે ત્રીજા ભાઈબંધ માટે શફીભાઈને પસંદ કરવામાં આવ્યા હતા. મેં શફીભાઈને વાત કરી કે કે. બાપૈયાને ત્યાંથી ઑફર છે અને મુખ્ય ભૂમિકામાં દિલીપકુમાર છે. શફીભાઈ તો ઊછળી પડ્યા. દિલીપકુમાર સાથે તેમના ભાઈબંધનો રોલ કરવા મળે તો નૅચરલી કોણ ખુશ ન થાય. શફીભાઈએ મને કહ્યું કે સંજય, કોઈ પણ ભોગે આ ફિલ્મ મારે કરવી છે, જે પણ પૈસા કહે તું તેમને હા પાડી દેજે.
શફીભાઈની આવી તૈયારી હોવા છતાં મેં ખૂબ જ હાર્ડ નેગોશિએશન કરીને શફીભાઈને ઘણું સારું પેમેન્ટ અપાવ્યું હતું. ‘ઇજ્જતદાર’થી શફીભાઈ ખૂબ ખુશ હતા, કારણ કે શફીભાઈના પર્ફોર્મન્સમાં રીતસરની દિલીપકુમારની છાપ દેખાતી હતી. દિલીપકુમાર શફીભાઈ માટે આરાધ્યદેવ હતા.
‘ઇજ્જતદાર’માં ત્રણ ભાઈબંધ ઉપરાંત ગોવિંદા અને માધુરી દીક્ષિત પણ હતાં. શૂટિંગ શરૂ થયું. શફીભાઈનું શૂટ ઑલમોસ્ટ દિલીપકુમાર સાથે જ હતું એટલે બધા રોજ સેટ પર મળે અને શફીભાઈ સેટ પર શું બન્યું અને કેવી-કેવી વાતો થઈ એની વાત રોજ મને કરે. એ વાતો કરતી વખતે શફીભાઈના એક્સપ્રેશન કેવાં થતાં એ મને આજે પણ યાદ છે. તેઓ રીતસર નાના બાળક જેવા ખુશ હતા. દિલીપકુમાર સાથે કામ કરવાની તક તેમને મળી એ જ તેમને માટે બહુ મોટી વાત હતી.
‘ઇજ્જતદાર’ પછીની બીજી અગત્યની ફિલ્મ હતી મહેશ ભટ્ટની ‘જુર્મ’. ‘જુર્મ’ એ મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને રૉબિન ભટ્ટે બનાવેલી કંપની વિશેષ ફિલ્મ્સની પહેલી ફિલ્મ હતી. રૉબિનભાઈએ ખાસ આ ફિલ્મમાં શફીભાઈને રોલ અપાવ્યો હતો. ત્યાર બાદ રૉબિન ભટ્ટને મુકેશ ભટ્ટ સાથે વાંકું પડતાં રૉબિનભાઈએ વિશેષ ફિલ્મ્સ છોડી દીધી. ફિલ્મ ‘જુર્મ’માં શફીભાઈને વિનોદ ખન્ના સાથે ખૂબ મહત્ત્વનો રોલ મળ્યો હતો. આજે મોટા ભાગના રિસેપ્શનમાં એક ગીત ખાસ વાગે છે, ‘જબ કોઈ બાત બિગડ જાએ, જબ કોઈ મુશ્કિલ પડ જાએ...’
આ ગીતવાળી ફિલ્મ એટલે ‘જુર્મ’. આ ગીતના શૂટિંગ વખતે હું ત્યાં હાજર રહેતો. શફીભાઈ અને વિનોદ ખન્નાના ઘણા સીન સાથે હતા. ફિલ્મમાં શફીભાઈની વાઇફનો રોલ ગોપી દેસાઈ કરતાં. વિનોદ ખન્ના એ વખતે મુકેશ ભટ્ટને ખૂબ હેરાન કરતા હતા, ડેટ્સ આપીને વિનોદ ખન્ના શૂટિંગ પર આવે નહીં. ફિલ્મનું શૂટિંગ ચાલતું ત્યારે સવારથી બધા બેસી રહેતા. ૭૫-૧૦૦ માણસોનું ક્રાઉડ પણ આવ્યું હોય, પણ વિનોદ ખન્ના આવે જ નહીં અને બન્ને ભટ્ટભાઈઓ (મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ) માથે હાથ મૂકીને બેસી રહે. થોડા સમય પછી પાછી વિનોદ ખન્નાની ડેટ મળે એટલે મુકેશ ભટ્ટનો ફોન આવે કે સંજય, વિનોદ કી ડેટ મિલી હૈ તો શફીભાઈ કી ડેટ સેટ કરની પડેગી.
હું ફરી બીજા પ્રોડ્યુસરને સમજાવી-પટાવી મુકેશ ભટ્ટ માટે ડેટનું સેટિંગ કરું અને આમ ‘જુર્મ’નુ કામ આગળ વધે.
આ દિવસોમાં સલમાન ખાનની એક ફિલ્મ આવી હતી, ‘મૈંને પ્યાર કિયા’. આ સલમાનની પહેલી નહીં, બીજી ફિલ્મ હતી. એની અગાઉ સલમાને ફારુક શેખ અને રેખાના લીડ રોલવાળી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ ફિલ્મમાં ફારુક શેખના નાના ભાઈનું કૅરૅક્ટર કર્યું હતું અને કોઈએ સલમાનની નોંધ પણ નહોતી લીધી, પરંતુ મારા ધ્યાનમાં એ આવ્યો હતો અને ‘મૈંને પ્યાર કિયા’ પછી તો બધાને તેનું કામ ગમ્યું હતું. મુકેશ ભટ્ટને એ સમયે ખાન-ફૅમિલી સાથે ખૂબ સારું બનતું, કારણ કે ‘જુર્મ’ના રાઇટર સલીમ ખાન પોતે હતા એટલે મેં મુકેશ ભટ્ટને કહ્યું કે તમે સલમાનને વાત કરો, મારે તેના સેક્રેટરી બનવું છે.
મુકેશ ભટ્ટે મને કહ્યું કે વો લોગ પુરાને ચાવલ હૈ. એ લોકો બધું કામ પોતે જ જુએ છે અને કદાચ સેક્રેટરી રાખશે જ નહીં.
શફીભાઈનું કામ બરાબર ચાલવા માંડ્યું. શફીભાઈની કરીઅરની વધુ એક અગત્યની ફિલ્મ હતી આર. કે. ફિલ્મ્સની ‘હિના’. રાજ કપૂર આ ફિલ્મ ડિરેક્ટ કરવાના હતા. તેમણે અમુક ગીતો પણ રેકૉર્ડ કરી લીધાં હતાં અને એ દરમ્યાન તેઓ હાર્ટ-અટૅકને કારણે ગુજરી ગયા. પછી નક્કી થયું કે હવે આ ફિલ્મ રણધીર કપૂર ડિરેક્ટ કરશે. રિશી કપૂર અને પાકિસ્તાનની ઍક્ટ્રેસ ઝેબા બન્ને ફાઇનલ હતાં અને બીજું કાસ્ટિંગ બાકી હતું. ફિલ્મ લાર્જ સ્કેલ પર બનવાની હતી અને એ જ આર. કે. ફિલ્મ્સની સ્ટાઇલ રહી છે. રણધીર કપૂરને મળવા હું આર. કે. સ્ટુડિયોમાં ગયો. રણધીર કપૂરને મળવાનું બીજું પણ એક કારણ હતું. અરવિંદ જોષીની દીકરી અને શરમન જોષીની બહેન માનસી ફિલ્મો માટે ટ્રાય કરતી હતી. અરવિંદભાઈએ મને માનસીનો સેક્રેટરી બનાવ્યો.
‘હિના’માં ઝેબા સાથે બીજી એક હિરોઇનની પણ જરૂર હતી એટલે મારે માનસીની વાત કરવી હતી. માનસીના ફોટો લઈને હું રણધીર કપૂર પાસે ગયો અને સાથે-સાથે મેં શફીભાઈની પણ વાત કરી દીધી. કમનસીબે માનસીને તો રોલ મળ્યો નહીં, પણ શફીભાઈને એક રોલ મળી ગયો. એ કામથી પણ શફીભાઈ ખૂબ ખુશ હતા, પણ માનસીનું કામ બહુ આગળ વધતું નહોતું. એ વખતે સુભાષ ઘઈ ‘સૌદાગર’ ફિલ્મ માટે હિરોઇન શોધતા હતા. મારો મિત્ર શશી વાડિયા એ ફિલ્મમાં ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. તેને કહીને હું માનસીને લઈને સુભાષ ઘઈને ત્યાં તેમના બાંદરાના ઘરે ગયો. ત્યાં આગળ ‘સૌદાગર’ની સ્ક્રિપ્ટ-રાઇટિંગની સીટિંગ ચાલતી હતી. સુભાષ ઘઈને માનસી પસંદ તો પડી પણ ‘સૌદાગર’ માટે ફાઇનલ નહીં થઈ અને તેની જગ્યાએ મનીષા કોઈરાલા આવી ગઈ, પણ એ સ્ક્રિપ્ટ-રાઇટિંગના સેશનમાં સચિન ભૌમિક બેઠા હતા. તેઓ એક બીજી ફિલ્મના લેખક પણ હતા, નામ હતું ‘નિશ્ચય’. માનસીને આ ફિલ્મમાં સલમાનની ઑપોઝિટ લીડ ઍક્ટ્રેસનો રોલ મળી ગયો. બધું નક્કી થઈ ગયું અને સાઇનિંગ અમાઉન્ટ પણ આપી દેવામાં આવી. શૂટિંગની ડેટ્સની રાહ જોવાતી હતી અને ત્યાં ખબર આવ્યા કે નવી-નવી આવેલી કરિશ્મા કપૂરને એ રોલ આપી દેવામાં આવ્યો છે. થોડો વખત માનસીનું કામ કર્યા પછી મેં એ કામ છોડી દીધું.
થોડો સમય હું ફારુક શેખના સેક્રેટરી તરીકે પણ રહ્યો હતો. આ એ સમયગાળો છે જે સમય મેં મારી કરીઅર સેક્રેટરી તરીકે બનાવવાની કલ્પના કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ સ્પષ્ટ હતું કે પ્રોડ્યુસર તરીકે મારાં નાટકો ચાલતાં નહોતાં એટલે જો આ લાઇનમાં એટલે કે સેક્રેટરી તરીકે જામી જાઉં તો ભવિષ્યની ચિંતા ટળી જાય. કહેવાનો ભાવાર્થ એટલો જ કે મેં મારી કરીઅર સેક્રેટરી તરીકે સેટ કરવાનું સપનું જોયું અને એમાં પણ મને સફળતા મળી નહીં. કિસ્મત કંઈક મારા માટે જ જુદું જ ધારતી હતી જેનો એ સમયે મને અણસાર સુધ્ધાં નહોતો.

જોકસમ્રાટ
અહીં ઘરમાં હવે મેં વાઇફને ‘બા’ અને તેણે મને ‘બાપુ’ કહેવાનું ચાલુ કરી દીધું છે અને તો પણ સરકાર કહે છે, સોશ્યલ ડિસ્ટન્સ પાળો. હવે સાલું આનાથી વધારે કેટલું સોશ્યલ ડિસ્ટન્સ પાળવું?


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2020 07:32 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK