Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્ઞાની બનવું છે?

જ્ઞાની બનવું છે?

01 November, 2019 03:31 PM IST | મુંબઈ
રુચિતા શાહ

જ્ઞાની બનવું છે?

જ્ઞાન

જ્ઞાન


આજે લાભ પાંચમ અને જૈનોની દૃષ્ટિએ જ્ઞાન પાંચમ. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ રાષ્ટ્ર હોય. જ્ઞાનનો મહિમા પહેલાંયે અગાધ હતો, આજે છે અને ભવિષ્યમાં પણ એમાં કોઈ ઓટ આવવાની નથી. જ્ઞાનવૈભવ વધે અને વધુ ને વધુ સારી બાબતો આપણે યાદ રાખી શકીએ એ માટે શું કરવું એ જાણીએ.

જ્ઞાન અદ્ભુત છે. એ તમને એવો આનંદ આપે છે જે ક્યારેય સમાપ્ત નથી થતો. જ્યારે કોઈ તમારી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા લઈને આવે અને તમે જો તેને મદદ કરો છો ત્યારે તમારું જ્ઞાન અનેકગણું વધી જાય છે. કોઈ શત્રુ, કોઈ ચોર એને લૂંટી નથી શકતું. ત્યાં સુધી કે આ સંપૂર્ણ વિશ્વની સમાપ્તિ થશે, પણ જ્ઞાનનો વૈભવ નહીં ઘટે. એટલે જ હે રાજન, જો તમે જ્ઞાનના ધણી હોય એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવો તો પોતાનો અહંકાર ત્યજીને તેને સમર્પિત થઈ જજો. કારણ કે એવા વિદ્વાન સાથે પ્રતિસ્પર્ધા કરવાનો કોઈ અર્થ નથી.



ભર્તૃહરિના નીતિશતકમાં એક શ્લોકમાં આવા શબ્દોમાં જ્ઞાનનો વૈભવ ગવાયો છે. આજે લાભ પાંચમ છે. જૈનો એને જ્ઞાન પાંચમ તરીકે ઊજવે છે. જ્ઞાન હોય ત્યાં લાભ ન હોય તો જ નવાઈ! જ્ઞાનનો મહિમા જૈન અને વૈદિક પરંપરામાં જ નહીં, પરંતુ વિશ્વનાં તમામ દર્શનોમાં સ્વાભાવિકપણે ભરપૂર ગવાયો છે. જૈન શાસ્ત્રો હોય કે વેદિક શાસ્ત્રો - જ્ઞાનનો પારાવાર વૈભવ આપણને પ્રાપ્ત થયો છે. હજારો વર્ષ જૂના ગ્રંથો આજે પણ પ્રાપ્ય છે અને અનેક અનુભવસિદ્ધ વાતોનો કલ્યાણકારી ખજાનો સમાજ માટે દિશાસૂચકનું કામ કરી રહ્યો છે. જોકે આ બધું ક્યારે શક્ય બને? જ્ઞાનના અણમોલ ખજાનાથી ભરેલા થોથાઓનું કોઈ મૂલ્ય નથી જો એને વાંચનાર, એનું પઠન કરનાર અને એને જીવનમાં ઉતારનાર ન હોય. જેમ ભગવાનનું મહત્વ ભક્ત થકી છે એમ જ જ્ઞાનનું મહત્વ જ્ઞાનને જીવનદૃષ્ટિમાં લાવનારા જ્ઞાનીથી છે. ભણવાની કોઈ ઉંમર નથી એવું કહેવાતું હોય છે. જોકે ભણેલું યાદ જ ન રહે તો અભ્યાસની ઉપયોગિતા પણ ન રહે. આજે મેમરી પ્રૉબ્લેમ્સ વધી રહ્યા છે. મેમરીને લગતા ડિમેન્શિયા, ઑલ્ઝાઇમર્સ જેવા રોગો વધ્યા છે. આપણે ત્યાં હજારો શ્લોકોને યાદ રાખનારા અને શ્લોકોને સ્મૃતિમાં સંઘરનારા વિદ્યાના ઉપાસકો થઈ ગયા છે. ૯૦મા વર્ષે પોતાના જીવનની એકેએક વાતો યાદ હોય એવા સજ્જનો આજ પણ હયાત છે. મેમરીમાં ભલભલાને પાણીચું પકડાવે એવાં સુપરઇન્ટેલિજન્ટ બાળકો વિશે અવારનવાર સાંભળવામાં આવતું રહે છે. જૈનો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય એટલે જ્ઞાનને સાધવું અને યાદ રાખવું વધુ સરળ બની જાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા જ્ઞાનની આરાધના કરવી, જ્ઞાનની ઉપાસના કરવી, અભ્યાસ કરવો, જ્ઞાની પ્રત્યે આદરભાવ રાખવો અને જ્ઞાનની આશાતનાથી, જ્ઞાનનો અવિવેક કરવાથી બચવું.


કોઈ પણ વસ્તુ સહેલાઈથી યાદ રાખવી હોય તો એ દિશામાં સતત પ્રયત્નો એ એક જ પર્યાય છે. આજે જ્ઞાનનો દિવસ છે, જ્ઞાનને સાધવાનો દિવસ છે ત્યારે તમે સહેલાઈથી યાદ રાખી શકો એ માટે શું કરી શકાય એ દિશામાં થોડી ચર્ચા કરીએ.

મગજ જેટલું કસાય એટલું એ વધુ શાર્પ બને એટલે બ્રેઇન એક્સરસાઇઝ કરવાની સલાહ નિષ્ણાતો આપતા હોય છે. આયુર્વેદનિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘હિન્દુ શાસ્ત્રોમાં ધી, ધૃતિ અને સ્મૃતિ એમ ત્રણ બાબતોનો જ્ઞાનાભ્યાસમાં ઉલ્લેખ છે. ધી એટલે સમજણ, ધૃતિ એટલે સમજણને મગજમાં પાક્કા પાયે નોંધ કરવી એ ફર્મનેસ અને સ્મૃતિ એટલે જે ભણ્યા, સમજ્યા અને ફર્મનેસ સાથે જેને સ્વીકાર્યું એનો વારંવાર પાઠ કરી એને મગજમાં સ્થિર કરવું. મહાભારતમાં અભિમન્યુનું દ્રષ્ટાંત છે જે દર્શાવે છે કે બાળક ગર્ભમાં હોય ત્યારથી તેની મેમરી બિલ્ડ થવાનું શરૂ થઈ જાય છે. એટલે જ ગર્ભવતી મહિલાઓએ પોતાના આચરણમાં અને આહાર-વિહારમાં ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. યાદશક્તિ માટે એકાગ્રતા જરૂરી છે જે આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયાને કારણે લુપ્ત થઈ રહી છે. એકાગ્રચિત્તે વારંવાર અભ્યાસનું પુનરાવર્તન કરવાથી એ સ્મૃતિપટલમાં સ્થિર થાય છે. આયુર્વેદમાં યાદશક્તિ વધારવા, મગજના તંતુઓને પોષણ આપવા માટે બદામ, અખરોટ, મગતરીનાં બીજ, બ્રાહ્મી, જટામાસી, શંખપુષ્પી જેવાં દ્રવ્યોનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. આ દ્રવ્યો એવાં છે જે તમારા મગજના ટિશ્યુને આવશ્યક માત્રામાં ગ્લુકોઝ અને ઑક્સિજનની માત્રા પૂરી પાડે છે. ગાયનું જૂનું ઘી બે ટીપાં લઈને આંગળીથી નાસિકામાં લગાવી લેવાની નસ્યક્રિયા પણ યાદશક્તિ વધારવામાં ઉપયોગી છે. જંક ફૂડ જેવા તામસિક આહારથી યાદશક્તિ ઘટે છે. સવારનો સમય ભણવાનો શ્રેષ્ઠ સમય છે.’


શતાવધાનીની સાધનાના નિષ્ણાત આચાર્યશ્રી નયચંદ્રસાગર સૂરીશ્વરજી શું કહે છે?

ભારતીય પરંપરામાં ત્રણ મુખ્ય બાબતો યાદશક્તિને વધારવા માટે અપનાવાઈ છે. મંત્ર, યંત્ર અને ઔષધ. મંત્ર દ્વારા યાદશક્તિ પ્રખર કરવા માટે જૈન પરંપરા અને વૈદિક પરંપરા એમ બન્નેમાં કેટલાક ખાસ મંત્રોની રચના થઈ છે. વિદ્યાની દેવી સરસ્વતીની સ્તવના કરતા આ મંત્રો ખૂબ અસરકારક સાબિત થયા છે. યંત્રમાં વિવિધ પ્રકારનાં યંત્રો એવાં આવતાં જે પાસે રાખવાથી અથવા તો વિવિધ પ્રકારનાં નક્ષત્રો કે દિવસોમાં પૂજા કરવાથી યાદશક્તિ વધતી. કેટલાંક યંત્ર એવાં આવતાં જે રાતે પાણીમાં રાખો અને સવારે એ પાણી પીઓ તો યાદશક્તિ વધે. કેટલીક ઔષધો પણ આવતી. ખાસ નક્ષત્રોમાં એ ઔષધિ પર મંત્રજાપ કરીને એ ઔષધનું સેવન કરવાથી યાદશક્તિ વધતી. એવી જ રીતે મોટા ભાગનાં બાળકોમાં ૮થી ૯ જાતની કમી આપણા પૂર્વના મહાપુરુષોએ આઇડેન્ટિફાય કરીને એ કમીને પરિપૂર્ણ કરનારાં ધ્યાન ડેવલપ કર્યાં, જે ધ્યાન કરવાથી યાદશક્તિ વધતી. જેમ કે વિદ્યાર્થી વારંવાર માંદો પડે અને ભણી ન શકે, એકાગ્રતા કમજોર હોય, જૂઠું બોલવાની આદત પડી હોય, ભણતાં-ભણતાં થાકી જાય એવાં બાળકોનાં લક્ષણ જોઈને તેને વિશેષ પ્રકારના ધ્યાનની ટ્રેઇનિંગ અપાતી. અમે પણ આવી સ્પેસિફિક કન્ડિશન આધારિત ૮-૯ પ્રકારનાં મેડિટેશન કાર્ડ બનાવ્યાં છે જેના પર ધ્યાન કરવાથી બાળક વધારેમાં વધારે ભણી શકે અને ભણેલું ગ્રહણ પણ કરી શકે.

ત્રાટક : એકાગ્રતા વધારવા આપણે ત્યાં ત્રાટકની સાધના આવે છે. ઊગતા સૂરજ, ચંદ્ર સામે, પ્રકાશિત તારા સામે કે પછી ગાયના ઘીના દીવા સામે એકાગ્રતાથી આંખનો પલકારો માર્યા વગર જોવું એ એકાગ્રતા વધારવાનો સારો ઉપાય છે. શરૂઆતમાં કરો તો એકાગ્રતા વધી જાય અને આગળ જતાં આ ક્રિયાના અનેક બીજા પણ લાભ છે.

આ મંત્ર ઉપયોગી : યાદશક્તિ વધારવાની વાત હોય તો આપણે ત્યાં જ્ઞાન માટે ખાસ કરીને સર્વમાન્ય હોય એવો ૐ ઐં નમઃ મંત્ર છે. રોજ સવારે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય સમયે એકાગ્રતાપૂર્વક આંખ બંધ કરીને આ મંત્ર ભણે છે તેની યાદશક્તિ વધે છે.

શ્લોક કંઠસ્થ કરો : આપણે ત્યાં પ્રાચીન પાઠશાળાની પરંપરા છે. જ્યાં હિન્દુઓ ગીતા ભણતા, જૈનો પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો ભણતા. જ્યાં શ્લોકો કંઠસ્થ થતા. શ્લોક કંઠસ્થ કરવા એ પણ યાદશક્તિ વધારવાનો સારો પર્યાય છે. જે લોકો બાળપણથી જ શ્લોક કંઠસ્થ કરતા હોય તેઓ મોટી ઉંમર સુધી ભૂલી જવાની બીમારીથી દૂર રહે છે.

મંત્રયુક્ત યંત્ર : અમે એક રિસર્ચ કર્યું છે જેમાં એક કૉપરના બોલમાં સાડાબારસો વાર ૐ ઐં નમઃ લખેલું છે. આખી રાત આ બોલમાં પાણી ભરી રાખો અને સવારે ગાળીને એ પાણી પીઓ તો એનાથી તમારી યાદશક્તિ વધે. ગાયનું ઘી અને દૂધનો પ્રયોગ વધારવાથી પણ લાભ થાય છે જે તમારા મગજના જ્ઞાનતંતુઓને સુદૃઢ કરે છે.

જૈન શાસ્ત્રોનો જ્ઞાનવારસો જાળવવાનું કામ કાંદિવલીમાં ચાલે છે

વેટિકનમાં તેમની લાઇબ્રેરીમાં કોઈ એક પુસ્તકને વર્ષ દરમ્યાન જેટલા લોકોએ વાંચ્યું હોય તો એટલાની કાયમ માટે ફિંગરપ્રિન્ટ્સ તેઓ સાચવી રાખે છે જેથી ભવિષ્યમાં એ પુસ્તક આઘુંપાછું થાય તો તેઓ યોગ્ય શોધખોળ કરી શકે. સંરક્ષણ અને સંવર્ધનની આનાથી પણ વધારે ધ્યાન આપણે રાખવું જોઈએ એવું ઉત્તમ શ્રુત સાહિત્ય આપણી પાસે છે. અત્યારે ડિજિટલ વર્લ્ડમાં કોઈ પણ સમયે કોઈ સાઇબર-અટૅક થાય અને બધું જ ક્ષણમાત્રમાં નામશેષ થઈ જાય એવી શક્યતા છે ત્યારે વર્ષો સુધી જ્ઞાનના અદ્ભુત વારસાનું જતન કરવાનું કાર્ય કાંદિવલીમાં શ્રુતગંગા ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે. એમાં છેલ્લાં ૧૫-૧૭ વર્ષોથી લગભગ ૮૫૦ વર્ષ સુધી ટકે એવા સાંગાનેરી કાગળ પર હાથે બનાવેલી શ્યાહીથી લહિયાઓ પાસે જૈન શાસ્ત્રો લખાવવાનું કાર્ય ચાલે છે. કાગળ તો ટકાઉ મળે, પણ શ્યાહીને પણ ટકાઉ બનાવવા માટે તાંબાના પાત્ર પર તલના તેલની મેષ બનાવવી. ૧૦૦ ગ્રામ મેષ ભેગી થાય એમાં ૧૫૦ ગ્રામ હીરાબોળ અને ૨૫૦ ગ્રામ ગૂંદર લગભગ ૬૪ પ્રહર સુધી એટલે કે ૧૯૨ કલાક ઘૂંટીને શ્યાહીને પણ કાગળ ટકે ત્યાં સુધી ટકાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા માન્ય લૅબોરેટરીઝમાં આ કાગળનું આયુષ્ય સર્ટિફાય કરવામાં આવ્યું છે. જેમાં હવામાં રહે તો ૪૨૫ વર્ષનું આયુષ્ય તેઓએ સર્ટિફાય કરી આપ્યું છે. આ જ કાગળને પોથીમાં બાંધવામાં આવે અને લાકડાના બૉક્સમાં રાખવામાં આવે તો એનું આયુષ્ય બમણું થઈ જાય છે. ઝેરોક્સવાળા કાગળનું આયુષ્ય એવરેજ બે વર્ષનું હોય છે જ્યારે પ્રિન્ટેડ સાહિત્ય ૫૦-૧૦૦ વર્ષ ટકે છે, પરંતુ આ લખાણ ૮૫૦ વર્ષ આસપાસ ટકશે એથી ભવિષ્યમાં કોઈક મહાપુરુષો પાકશે જેઓ આ વારસાને આગળ વધારશે. અલગ-અલગ સેન્ટરોમાં લગભગ ૨૦૦ જેટલા લહિયાઓ હાલમાં આ વિશે કાર્ય કરી રહ્યા છે અને લગભગ ૧૦,૦૦૦ જેટલા ગ્રંથો લખાઈ ચૂક્યા છે. કાગળમાં હાંસિયા પાડવા માટે લાલ શ્યાહી અને પ્રૂફ-સુધારણા માટે પીળી શ્યાહી પણ બનાવવામાં આવે છે. એમાં અનુક્રમે હિંગળોક અને હરતાલ નામનું ગંધિયાણું વાપરવામાં આવે છે. આ સેન્ટરના સંચાલકોનું આહ્‍વાન છે કે મુંબઈના તમામ જૈન સંઘમાં જેટલું પણ પ્રિન્ટેડ સાહિત્ય હોય એ બધાની ૪-૪ નકલો હસ્તલિખિત કરીને એને પાલિતાણા અને અન્ય ત્રણ મહાનગરોમાં સાચવવાની વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં કોઈ પણ ગ્રંથ જોઈતો હોય તો એ ત્વરિત ઉપલબ્ધ થઈ શકે.

- અતુલકુમાર શાહ

આડો, અવળો, ઉપર, નીચે, ડાબે, જમણે એમ કોઈ પણ રીતે વાંચી શકાય આ ગ્રંથ

મહોપાધ્યાય મેઘવિજયજી નામના જૈન મહારાજે રચેલા ‘સપ્તાર્થક સપ્તસંધાન’ નામના ગ્રંથમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રીમહાવીરસ્વામી, શ્રીરામચંદ્રજી અને શ્રી કૃષ્ણવાસુદેવનાં જીવનચરિત્ર છે. એની ખૂબી એ છે કે આ ગ્રંથ તમે કોઈ પણ રીતે વાંચો તો એમાં જુદા મહાપુરુષનું જીવનચરિત્ર મળે. તમે ઉપરથી નીચે વાંચો તો એક મહાપુરુષનું જીવન હોય, નીચેથી ઉપર વાંચો તો જુદું, ડાબેથી જમણે વાંચો તો જુદું અને જમણેથી ડાબે વાંચો તો જુદું. આવા અદ્ભૂત-અનોખા ગ્રંથો રચનાર વિદ્વાનો આપણે ત્યાં થઈ ચૂક્યા છે એ રોમાંચક નથી લાગતું?

તમને ખબર છે?

જૈનોના જ્ઞાનવારસાની અંદર ૭૧૮ ભાષામાં લખાયેલો ભુવલય નામનો ગ્રંથ છે, જે ગ્રંથ વાંચવા માટે પણ ૫૦૦ પાનાંનો માર્ગદર્શિકા ગ્રંથ છે જેના પર હાલ ઇન્દોરમાં રિસર્ચ થઈ રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 03:31 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK