શ્રેષ્ઠ સર્જન એના સમયે થાય, શ્રેષ્ઠ સર્જક એના સમયે જ આવે

Published: Mar 25, 2020, 18:56 IST | Pankaj Udhas | Mumbai

દિલ સે દિલ તક: ગીતોના શબ્દો, એ શબ્દોની નજાકત અને શબ્દોની સાદગી પુરવાર કરે કે દિલની વાત કહેવા માટે સરળતા જ બેસ્ટ છે

પકંજ ઉધાસ
પકંજ ઉધાસ

આજના જમાનામાં બહુ સ્ટ્રગલ છે અને કોઈ પણ ભોગે કંઈ પણ મેળવવા માટે સખત અને સતત પ્રયત્નો કરતા રહેવા પડે છે અને લાઇમલાઇટમાં રહેવું પડે છે.

આ મારું માનવું નથી, પણ આજકાલ આ પ્રકારની વાતો ખૂબ સાંભળવા મળે છે, પણ અંગત રીતે કહું તો આ વાત સાથે સહમત થવું મારા માટે થોડું અઘરું છે. મારા માટે જ નહીં, અમારા સમયના જેકોઈ છે એ સૌને પણ આ વાત સાથે સહમતી સાધવી એ જરા અઘરી વાત છે. સ્ટ્રગલ તો એ સમયે પણ હતી અને આજે જેટલી સ્ટ્રગલ છે એના કરતાં અનેકગણી વધારે સ્ટ્રગલ હતી. એ સ્ટ્રગલનાં ઘણાં કારણો પણ હતાં. એ સમયે રાહુલદેવ બર્મન,  એન. દત્તા, કિશોરકુમાર જેવા લેજન્ડ્સ હતા. સંગીત તેમના દ્વારા તૈયાર થતું. હા, હું કહીશ કે એ લોકો સંગીતનું સર્જન કરતા, જેને માટે દિવસરાત એક થતાં અને એ પછી તેમને જોઈતું રિઝલ્ટ એ લોકો મેળવતા. મને અહીં શબ્દોને વધારે સ્પષ્ટ કરવા છે કે જોઈતું રિઝલ્ટ લેવામાં આવતું. રિઝલ્ટ આવે એ સ્વીકારવાને બદલે જોઈએ એવું રિઝલ્ટ લેવું એનું નામ સર્જક, એનું નામ લેજન્ડ્સ. કોરસ, સિંગર્સથી લઈને બૅન્ડ અને ઑર્કેસ્ટ્રા, આર્ટિસ્ટ બધાની કલાકો સુધી મહેનત, કલાકો સુધીની જહેમત અને એ પછી ધૂન ડેવલપ થતી. એ સમયમાં મ્યુઝિકનું સ્ટાન્ડર્ડ એ સ્તરનું હાઈ હતું કે એને બીટ કરવા માટે તમારે તનતોડ મહેનત કરવી પડતી અને પછી તમને ચાન્સ મળતો. જ્યારે તમારે લેજન્ડ્સને બીટ કરવાના હોય કે પછી લેજન્ડ્સ સાથે કામ કરવાનું હોય ત્યારે તમારી તૈયારી પણ એ સ્તરની હોવી જોઈએ અને જો એ ન હોય તો તમને ક્યાંય ઊભા રહેવાની જગ્યા પણ ન મળે. ૭૦-૮૦ના દસકાઓને તમે જુઓ તો તમે પણ સ્વીકારશો. એકથી એક ચડિયાતા સર્જક એ સમયગાળા પાસે હતા. એ પહેલાંનો સમયકાળ પણ જુઓ તમે. હું માનું છું કે ભારતીય સંગીતના આઝાદી પછીના એ ૪૦ વર્ષનો એ જે ગાળો છે એ ક્યારેય વીસરાવાનો નથી.

૮૦ના દસકામાં કામ મેળવવું એટલું સહેલું નહોતું. મેં કહ્યું એમ, મ્યુઝિકનું સ્ટાન્ડર્ડ એ સ્તરે હતું કે તમારે એ સ્તરને મૅચ કરવાની તૈયારી રાખવી પડતી. આજે જે પરિસ્થિતિ ભણતરમાં છે એવું ત્યારે સર્જકોની દુનિયામાં હતું. આજે જેમ ૫૦ અને ૬૦ ટકાનું મૂલ્ય કંઈ નથી એવું ત્યારે સંગીતના ક્ષેત્રમાં હતું. જો તમે સર્વોચ્ચ સ્તરે હો તો જ તમને સ્થાન મળતું. આ ઉપરાંતનું એક બીજું કારણ એ પણ હતું કે એ સમયમાં આજ જેટલું કમ્યુનિકેશન સરળ નહોતું. કોઈનો સંપર્ક કરવો હોય તો કલાકો સુધી રાહ જોવી પડતી. આજના જેટલા ફોન પણ આસાન નહોતા અને રૂબરૂ જવું હોય તો તમારી પાસે બસ અને ટ્રેન સિવાય કોઈ ઑપ્શન નહોતો. ટૅક્સી હતી પણ એ સમયે ટૅક્સી કરવી એ પણ લક્ઝરી હતી. કોઈને રૂબરૂ મળવું હોય તો તમારે આવવા-જવાના કલાકો ઓછામાં ઓછા ગણવાના અને એ પછી પણ મીટિંગ થશે કે નહીં એની તમને ખબર ન હોય. એ સમયે પણ મહેનત હતી જ. હું તો કહીશ કે એ મહેનત આજના સમય કરતાં પણ વધારે આકરી હતી.

બીજી પણ એક વાત હતી. એ સમયે કોઈ જાતની ઉતાવળ નહોતી. સંગીતને એક ક્રીએટિવ પ્રોસેસ એટલે કે સર્જનાત્મક ક્રિયા ગણવામાં આવતી અને એ જ ગણતરીએ કામ થતું. તમે જુઓ, અનેક ગીતો એવાં છે જેનું સર્જન બહુ લાંબા સમયે થયું છે અને એ જે સમય લેવાયો છે એ સમય પણ એમાં દેખાઈ રહ્યો છે. મહાન કાર્ય ત્યારે જ થતું હોય જ્યારે એની પાછળ બધું યોગ્ય માત્રામાં ઉમેરાતું હોય. સારી વાત એ હતી કે સૌકોઈ આ વાતને સમજતા કે ક્રીએટિવ પ્રોસેસ માટે એટલો જ સમય મળવો જોઈએ. જ્યારે સ્ટોરી-રીડિંગ થતું કે મીટિંગ્સ થતી ત્યારે ખાસ મ્યુઝિક-ડાયરેક્ટરને એ મીટિંગમાં હાજરી આપવાની રહેતી જેથી તે એ સ્ટોરીને બિલકુલ ખરા અર્થમાં સમજી શકે અને એ પછી એ મ્યુઝિકનું કામ શરૂ કરી શકે. ડાયરેક્ટર દરેક સિચુએશનને ડેપ્થમાં સમજાવતા અને ગીતકાર પણ એ સિચુએશનને બરાબર સમજી-વિચારીને પછી તૈયાર કરતા. એ સિચુએશનનો મૂડ કેવો છે, ઍક્ટર્સ કોણ છે, તેના હાવભાવ કેવા હશે, વાર્તામાં આ સિચુએશન ક્યારે આવે છે જેવી વાતોથી માંડીને એ ગીત પછી વાર્તા કઈ રીતે આગળ વધે છે. અરે, ત્યાં સુધી કે અંત શું છે વાર્તાનો અને વાર્તાનો એવો અંત શું કામ છે?

આ બધી વાતો પછી મ્યુઝિકનો ટોન અને લિરિક્સના શબ્દો કયા પ્રકારના હોવા જોઈએ એ નક્કી થતું અને એ પ્રોસેસ પ્રમાણે આગળ વધતું હતું. તમે એ સમયનાં સૉન્ગ્સ સાંભળશો તો ખ્યાલ આવશે કે દરેક સિચુએશનને એક ખાસ ટ્રીટમેન્ટ મ્યુઝિક અને શબ્દો દ્વારા આપવામાં આવતી હતી. એ સ્ટાર્ન્ડડ હતું મ્યુઝિકનું અને એ સ્ટાન્ડર્ડ બીટ કરવું બહુ અઘરું હતું, કારણ કે કામ કરનાર દરેક પોતાના કામ માટે ક્લિયર હતો અને એ દરેકે પોતાનું બેસ્ટ કરવું હતું. તમે એ વખતનાં ચાર્ટબસ્ટર્સ સૉન્ગ્સ જુઓ તો ખ્યાલ આવે કે એક જ આર્ટિસ્ટ કે કમ્પોઝરના ટૉપ ટેનમાં ચાર સૉન્ગ હોય. અગાઉ કહ્યું છે, આજે પણ કહું છું કે તમે ગીત જુઓ અને એ ગીતના શબ્દો જુઓ તો તમને વિચાર આવે કે કેવી સાદગી સાથે આખી વાત કહેવામાં આવી છે. આટલા સરળ અને સાદા શબ્દોના ઉપયોગ પછી પણ એમાં જે શાયરાના અંદાજ હતો એ લાવવાનું કામ લેજન્ડ્સ જ કરી શકે. એ સમયે કોઈ ન્યુકમર ધારે તો પણ એટલી જલ્દી એન્ટ્રી ન કરી શકે, કારણ કે એની સામે જે માંધાતાઓ છે તેમને કન્વીન્સ કરવા એટલા જ અઘરા હતા, કારણ કે તેઓ ખુદ લેજન્ડ્સ હતા અને લેજન્ડ્સ સાથે કામ કરતા હતા. એવા સમયે કોઈ ન્યુકમર આવીને પોતાની આવડત બતાવીને તાત્કાલિક કામ મેળવી લે કે કોઈ પણ જાતની સ્ટ્રગલ વગર આગળ આવી જાય એ શક્ય જ નહોતું. એ સમયે આ લોકો સિફારિશ પણ ચલાવી લેતા નહીં.

એક કિસ્સો કહું...

૧૯૭૨માં એક ફિલ્મ બની રહી હતી, ‘કામના.’ ફિલ્મમાં બધા ઍક્ટર્સ નવા હતા એટલે ડાયરેક્ટરને લાગ્યું કે આ ઍક્ટર્સના અવાજ પણ નવા જ જોવા જોઈએ. નવા ગાયકોને અને નવા અવાજને તક મળવી જોઈએ. ઉષા ખન્ના જે મ્યુઝિક-ડાયરેક્ટર હતાં તેમણે ડાયરેક્ટરને કન્વીન્સ કર્યા કે ‘મનહર કા છોટા ભાઈ હૈ, અચ્છી ગઝલ ગાતા હૈ, ઉસકો ટ્રાય કરો.’

મનહરભાઈના નાના ભાઈ તરીકે મને એન્ટ્રી તો મળી ગઈ અને હું સારી ગઝલ ગાઉં છું એવું કહેવામાં આવ્યું ત્યારે મારી રિસ્પૉન્સિબિલિટી પણ એટલી જ વધી ગઈ હતી કે મારે એને જસ્ટિફાય કરવી જ પડે. મારે એ સાબિત કરવું જ પડે કે હું ખરેખર સારી ગઝલ ગાઈ શકું છું કે ખરેખર હું સારું ગાઈ શકું છુ. એ સમયે મનહરભાઈ અને ઉષા ખન્ના બન્નેનાં નામ મારા નામની પાછળ જોડાયેલાં હતાં અને એ નામને અન્યાય ન થાય એ જોવાની તકેદારી પણ મારે રાખવાની હતી. હું ત્યાં ગયો, બરાબર રિહર્સલ થયાં અને મેં ગીત ગાયું. અનફૉર્ચ્યુનેટ્લી એ ફિલ્મ રિલીઝ ન થઈ, પણ મ્યુઝિક રિલીઝ થયું હતું અને એ ગીત લોકોએ રેડિયો પર સાંભળ્યું હતું. જોકે વાત એ છે કે દરેક ગીત માટે એટલી સ્ટ્રગલ કરવામાં આવતી.

સ્ટ્રગલ એ સમયે પણ હતી અને આજે પણ છે જ અને એ સ્ટ્રગલ રહેવી જ જોઈએ એવું મારું માનવું છે. જો તમારે બેસ્ટ જોઈતું હોય તો બેસ્ટ શોધવું પડે અને એ બેસ્ટ શોધવા માટે પણ લોકો સ્ટ્રગલ કરતા જ હોય છે, તો પછી એ બેસ્ટ ગાતા હોય તેમને માટે તો સ્ટ્રગલ રહેવાની જ. એ. આર. રહમાન અને બીજા ઘણા કમ્પોઝર આજે પણ દેશના અલગ-અલગ ખૂણેથી ટૅલન્ટ શોધી લાવે છે. જો તેમની સ્ટ્રગલ ટૅલન્ટ શોધવા માટેની હોઈ શકે તો તમે ટૅલન્ટેડ છો એ પ્રૂવ કરવા માટેની સ્ટ્રગલ તમારે પણ કરવી જ જોઈએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK