Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે દેખાડવા માટે વેકેશન કરવા જાવ છો કે પછી વેકેશન કરવા માટે ફરો છો?

તમે દેખાડવા માટે વેકેશન કરવા જાવ છો કે પછી વેકેશન કરવા માટે ફરો છો?

18 February, 2021 11:57 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

તમે દેખાડવા માટે વેકેશન કરવા જાવ છો કે પછી વેકેશન કરવા માટે ફરો છો?

તમે દેખાડવા માટે વેકેશન કરવા જાવ છો કે પછી વેકેશન કરવા માટે ફરો છો?


આ સૌથી યક્ષ પ્રશ્ન છે. તમે શાની માટે ફરવા જાવ છો? ખરેખર, આ વાત સમજવાની જરૂર છે. તમે વેકેશન શું કામ કરો છો. દેખાડવા માટે વેકેશનનું પ્લાનિંગ થાય છે કે પછી બહાર નીકળવું છે, ઘરથી કંટાળ્યા છો એટલે તમે વેકેશનના નામે નીકળી જાવ છો? ત્રીજી વાત પણ પૂછવાનું, વેકેશન એ તમારું સ્ટેટ્સ છે કે પછી વેકેશન દરમ્યાન તમે સાચે જ એ જગ્યાને એક્સપ્લોર કરવાનું પસંદ કરો છો?

અફસોસની વાત એ છે કે ઇન્ડિયામાં લગભગ ૭૮ ટકા લોકો વેકેશનને સ્ટેટ્સ અને જવાબદારીની સાથે જોડીને ચાલે છે. કાં તો એવું છે કે ફૅમિલીને લઈને જવાનું છે એટલે તે નીકળી જાય છે અને કાં તો એવું છે કે સાળાને કે પછી સાઢુભાઈને દેખાડવું છે કે અમે તો અહીં, અહીં અને અહીં ફરી આવ્યા અને એટલે પ્લાનિંગ થાય છે, પણ ક્યારેય એ જગ્યાને એક્સપ્લોર કરવાના હેતુથી એનું પ્લાનિંગ નથી થતું. સાવ એવું નથી કે કોઈ એવું નથી કરતું. કરે છે, આજે પણ નૉર્થ ઇન્ડિયામાં રહેનારાઓના પ્રવાસ તમે જુઓ તો તમને ખરેખર નવાઈ લાગે કે તે કેવી રીતે ફરે છે અને કેટકેટલું જુએ છે, પણ બાકીના ભારતની વાત કરીએ તો કહેવું પડે કે ડેલીએ હાથ દઈ આવવાની માનસિકતા વધારે પડતી જોવામાં આવે છે.



વેકેશન દરમ્યાન જતાં પહેલાં થ્રી-સ્ટાર કે ફોર-સ્ટાર હોટેલ લેવાની જેમાં બ્રેકફાસ્ટ ફ્રી હોય એ તો સમજી શકાય, પણ એની સાથોસાથ સ્વિમિંગ-પૂલ પણ હોવો જોઈએ, જિમ પણ હોવું જોઈએ, સ્પા પણ હોવું જોઈએ. આ બધાની ડિમાન્ડ કરનારાઓને મારી એક નમ્ર વિનંતી કે આ બધું ત્યાં જઈને જોવા કરતાં તો બહેતર છે કે બોરીવલીથી નીકળીને અંધેરીની એકાદ ફાઇવ સ્ટારમાં કે પછી ટાઉનની એકાદ ફાઇવ સ્ટારમાં બે દિવસ રહેવા માટે આવી જાવ. આમ પણ, આપણે ક્યારેય તાજ કે લીલામાં નાઇટ હોલ્ટ કરવાનો વિચાર સુધ્ધાં નહીં કર્યો હોય તો બહેતર છે કે એ અનુભવ લો, પણ જો તમે દુબઈ, બૅન્ગકોક, કોલંબો કે બાલી જતા હો તો હોટેલના મોહ કરતાં ત્યાં તમને શું-શું જોવા મળવાનું છે એના પર વધારે ધ્યાન આપો.


એક સીધો હિસાબ તમને સમજાવું. તમે આ વખતે ફરવા જવા માટે એક જગ્યા પસંદ કરી. એ જગ્યાએ તમે ફરવા જતા હો તો ક્લિયર કરી લો કે તમારે મેક્સિમમ ફરવું છે, મેક્સિમમ એ જગ્યાને એક્સપ્લોર કરવી છે. જો આરામ કરવા જવાનું પ્લાનિંગ કર્યું હોય તો વાત જુદી છે અને એ પણ એટલું જ સાચું છે કે એ કરવા માટે અહીંથી ઊડીને હજારો કિલોમીટર દૂર જવાની જરૂર નથી. મારા અનેક મિત્રો એવા છે જે મુંબઈમાં ને મુંબઈમાં સારી હોટેલમાં કે પછી નજીકમાં લોનાવલા કે મહાબળેશ્વર જઈને બે-ચાર દિવસ એદીની જેમ પડ્યા રહીને પોતાનો થાક ઉતારે છે. થાક ઉતારવો અને ફરવા જેવું એ બન્ને ડિફરન્ટ પૉઇન્ટ છે એટલે એને બરાબર સમજીને પ્લાનિંગ કરો એ જરૂરી છે. તમે આજે દુબઈ ગયા પછી નજીકના ભવિષ્યમાં દુબઈ નથી જ જવાના તો પછી આ જ વખતે દુબઈમાં એવી રીતે ફરો કે જાણે તમે દુબઈને લૂંટવા આવ્યા છો. બજેટની ગણતરી મગજમાં રાખો, પણ એની સાથોસાથ એ વાત પણ મનમાં રાખો કે વધુ બજેટ તમારું હોટેલના હિસાબમાં ન જાય. આપણે ફરવા આવ્યા છીએ, જોવા આવ્યા છીએ. અઢળક ફરો, મબલક ફરો પણ ફરો. એ જગ્યાને એક્સપ્લોર કરો. ઊંચી હોટેલમાં પડ્યા રહેવાથી માત્ર પાસપોર્ટ કહેશે કે આ ભાઈ, આ દેશમાં પણ ગયા છે, પરંતુ અનુભવની બાબતમાં ખાલીપો અકબંધ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 11:57 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK