24X7 : જરૂરી નથી કે તમે એ બધું જ અપનાવો જે તમને ફાવતું અને ભાવતું હોય

Published: Dec 07, 2019, 14:40 IST | Manoj Joshi | Mumbai

થોડા સમયથી એવી વાતો શરૂ થઈ છે કે મુંબઈની આજની આ ફાસ્ટ લાઇફ વચ્ચે લોકો હવે એકબીજા સાથે બહાર જવાનો કે સાથે શૉપિંગ કરવાનો આનંદ લઈ શકતા નથી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

થોડા સમયથી એવી વાતો શરૂ થઈ છે કે મુંબઈની આજની આ ફાસ્ટ લાઇફ વચ્ચે લોકો હવે એકબીજા સાથે બહાર જવાનો કે સાથે શૉપિંગ કરવાનો આનંદ લઈ શકતા નથી. મારા પણ અનેક ફ્રેન્ડ્સ આવી ફરિયાદ કરે છે અને આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ આવી ફરિયાદો થયા કરતી હોય છે. એ લોકોની ફરિયાદો પછી તેમના મોઢે અમેરિકા-કૅનેડાના ૨૪ કલાક ખુલ્લા રહેતા મૉલની વાતો પણ આવી જાય. બધા હવે આડકતરી રીતે માનવા માંડ્યા છે કે બધું ૨૪ કલાક ચાલવું જોઈએ, જેને જે સમયે મન થાય એ સમયે જઈને પોતાનું કામ કરી લે. કોઈને અગવડ ન પડવી જોઈએ. જરૂરી નથી કે તમે બધું એ અપનાવો જે તમને ફાવતું અને ભાવતું હોય. ના જરા પણ જરૂરી નથી. જે ફાવતું નથી એ સારું હોય એવું બનતું હોય અને આજ સુધી એવું રહ્યું છે અને જે સારું છે એ જ્વલ્લે જ કોઈને ફાવ્યું છે.

૨૪ કલાક અને સાતેય દિવસ ખુલ્લા રહે એ પ્રકારના 24X7 કહેવાય એવા શૉપિંગ મૉલનો આગ્રહ ભલે થવા માંડ્યો હોય, ભલે ગુજરાતમાં ૨૪ કલાક વેપાર કરવાની પરમિશન આપી દેવામાં આવી હોય, પણ એ જરા પણ જરૂરી કે અનિવાર્ય લાગી નથી રહ્યું. જીવન માટે જરૂરી એવી મેડિકલ આઇટમ માટે ૨૪ કલાકની શૉપ આપણે ત્યાં છે. ટૅક્સી પણ આપણને ૨૪ કલાક મળે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ૨૪ કલાકમાંથી માંડ ચારેક કલાક બંધ હોય છે. જો તમે થોડા સધ્ધર હો તો મોડી રાતે તમને ફૂડ જોઈતું હોય તો એ ફૂડ પણ તમને અમુક હોટેલ અને કૉફી શૉપમાં મળી જ રહે છે તો પછી શાની જરૂર છે કે આપણે ત્યાં ૨૪ કલાક ખુલ્લા રહે એવા મૉલ બને. આપણી આજની લાઇફ સ્ટ્રેસફુલ છે એવા સમયે સ્ટ્રેસ વધારીને શું કરવું છે?

રાતે ૧૦ વાગ્યે માણસ ઘરે આવે અને એ પછી શું તે પોતાની વાઇફ કે બાળકો સાથે શૉપિંગ કરવા જાય એવું તમને લાગે છે ખરું કે એવી કલ્પના તમે કરી શકો છો ખરા? ન જ જાય અને જે જાય તે ખરેખર દિવસ દરમ્યાન નવરોધૂપ હોય છે, પણ તેને રાતે બહાર રખડવાનું મન થાય છે એટલે તે એવી રીતે રાતે શૉપિંગ કરવા જવા માટે રાજી થઈ રહ્યો છે. એમ છતાં ધારો કે એકાદ વ્યક્તિને એવી ઇમર્જન્સી શૉપિંગની જરૂરિયાત ઊભી થાય તો એ એકાદ વ્યક્તિની ઇમર્જન્સીને આખા મુંબઈની જરૂરિયાત સમજવાની ભૂલ ન કરવી જોઈએ.

સાહેબ, મુંબઈનો ભૂતકાળ વરવો રહ્યો છે અને એ વરવા ભૂતકાળ પાછળ મુંબઈની નાઇટ-લાઇફ જ જવાબદાર રહી છે. આ નાઇટ-લાઇફે મુંબઈમાં અન્ડરવર્લ્ડ પણ ઊભું કરવાનું કામ કર્યું અને અન્ડરવર્લ્ડે આ મુંબઈનાં સુખચેન છીનવી લીધાં. ચોવીસે કલાક ખુલ્લા રહે એવા મૉલ બનાવીને આપણી નાઇટ-લાઇફને વધારે ઉત્તેજિત કરવાનો કોઈ અર્થ નથી.

જો આયોજન કરવામાં આવે અને આયોજન મુજબ ચાલવામાં આવે તો કોઈનેય સમયનો અભાવ નડવાનો નથી અને ફાસ્ટ લાઇફ પણ ક્યાંય તકલીફ આપવાની નથી. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે આચારસંહિતા જરૂરી હોય છે, પણ દરેક વખતે મારો કહેવાનો ભાવાર્થ એ હોય છે કે આચારસંહિતા કોઈ દ્વારા મુકાય એના કરતાં પણ જો જાતે એ મૂકવામાં આવે તો એ વધારે ઉત્તમ પરિણામ આપનારી હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK