કોરોના કેર: યાદ રહે કે સાવચેતી, સાવધાનીથી શ્રેષ્ઠ સલામતીનો બીજો કોઈ માર્ગ છે નહીં

Published: Mar 14, 2020, 11:56 IST | Manoj Joshi | Mumbai

ચારે દિશામાં બસ એક જ વાત, એક જ ચર્ચા, કોરોના. કોરોના વાઇરસને કારણે જે અવસ્થા ઊભી થઈ છે એ ખરેખર અકલ્પનીય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચારે દિશામાં બસ એક જ વાત, એક જ ચર્ચા, કોરોના. કોરોના વાઇરસને કારણે જે અવસ્થા ઊભી થઈ છે એ ખરેખર અકલ્પનીય છે. આ અકલ્પનીય પરિસ્થિતિ સામે લડી લેવાની હામ આપણી છે પણ એમ છતાં સાવચેતી અને સાવધાની જ કોરોના સામેની સૌથી મોટી અને શ્રેષ્ઠ સલામતી છે એવું પણ સૌકોઈએ સ્વીકારવું પડે. બૉલીવુડથી માંડીને હૉલીવુડ અને ટેલીવુડથી માંડીને રીજનલ ફિલ્મવુડ પણ કોરોનાથી ધ્રૂજી ગયું છે. આ ધ્રુજારી જરૂરી હતી, વાજબી હતી. માણસ પોતાની જાતને ઈશ્વરથી પણ મોટો અને સૃષ્ટિથી પણ મહાન સમજવા માંડ્યો હતો. મહાનતા જ્યારે જાત પ્રત્યે કેન્દ્રિત થવા માંડે ત્યારે અનર્થ સર્જાવાનું શરૂ થઈ જાય છે. ચાઇનાની ખાણીપીણી માટે અઢળક વખત લખાયું, અનેક વખત જુગુપ્સા પણ જન્મી જાય એવા ફોટોગ્રાફ જોવા મળ્યા, પણ ચાઇનાને ક્યાંય કોઈ જાતની અકળામણ થઈ નહોતી રહી. આગળની વાત સમજતાં પહેલાં ચાઇનીઝ માનસિકતાને પણ ઓળખવી જોઈએ અને ચાઇનીઝ પ્રથાને પણ જાણવી જોઈએ.

ચાઇનીઝ એવું માને છે કે જેની પીઠ આકાશ તરફ હોય એ બધું ખાઈ શકાય, એ સઘળું ભગવાને ખાવા માટે જ બનાવ્યું છે. આ જ કારણે ચાઇનીઝ લોકો માણસ સિવાયનું બધું ખાય છે, અકરાંતિયાની જેમ આરોગે છે. આ ચાઇનીઝ માન્યતા જ ચાઇનાને નડી ગઈ એવું કહીએ તો ચાલે અને એવું કહીએ તો પણ ચાલે કે ચાઇનીઝ માન્યતા જ ચાઇનાને ભરખી જવા પર આવી ગઈ. કોબ્રા અને ચામાચીડિયામાં સામાન્ય રીતે જોવા મળતા કોરોના વાઇરસ એમનામાંથી જ માણસમાં આવ્યા અને પછી એક પછી બીજામાં અને બીજામાંથી સેંકડોમાં પસાર થવા માંડ્યા. ચાઇનાના આંકડા સાચી રીતે ક્યારેય બહાર આવ્યા નહીં અને આવશે પણ નહીં. જો એ આંકડા બહાર આવે તો તબાહી મચી જાય અને ચાઇના સાચે જ ખતમ થઈ જાય, પણ એવું થવાનું નથી, કારણ કે ચાઇનાએ પહેલી વખત ડિફેન્સ રહીને આગળ વધવાનું પસંદ કર્યું છે. અત્યારે ચાઇનામાં નૉન-વેજ નામે કશું નથી મળતું, સાચે. ચાઇના પહેલી વખત શાકાહારી માનસિકતા પર આવ્યું છે. શાકાહારી ભાવતું નથી, પણ એ આરોગ્યા સિવાય છૂટકો નથી. હિન્દુ ધર્મની ધરોહર હવે ચાઇનીઝ ફૉલો કરવા પર આવ્યા છે તો વિશ્વના મોટા ભાગના દેશોએ પણ એ નીતિ અપનાવી લીધી છે.

મલેશિયાનું એક ન્યુઝપેપર લખે છે કે જૈનિઝમની રહેણીકરણીની જે ફિલોસૉફી છે એ જગતની શ્રેષ્ઠ ફિલોસૉફી છે. દફનવિધિ પણ વાજબી નથી એવું હવે કોરોના પછી અડધું જગત કહેવા માંડ્યું છે અને અગ્નિસંસ્કારની રીતને અપનાવવાની તરફેણ કરવા માંડ્યા છે.

કોરોના જગતઆખાની આંખ ખોલવાનું કામ કરવાનું છે અને આપણે એનો જશ લેવાનો છે. લેવામાં આવી રહેલો આ જશ બિલકુલ વાજબી છે, કારણ કે એ આપણી સંસ્કૃતિ છે, આપણા લોહીમાં છે, એને સાચવી રાખવાનો જશ આપણને મળે છે અને એટલે જ સાચવી રાખેલી એ સંસ્કૃતિ જ્યારે જગતઆખું સ્વીકારવા માગતું હોય તો રાજીપો થાય એ વાજબી છે. બાય ધ વે, ક્યાંક આ બધી વાતો જ ભારતને મહાસત્તાની દિશામાં લઈ જવાનાં એંધાણ તો નથી આપતીને?

યાદ કરો, નૉસ્ટ્રડોમસની ઈસવી સન ૨૦૨૦ માટે કરવામાં આવેલી આગાહી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK