પ્રેમની વાતો જ્યારે એક દિવસ પૂરતી સીમિત રહી જાય છે ત્યારે તમને સૌને જણાવવાનું કે....

Published: 16th February, 2021 12:20 IST | Manoj Joshi | Mumbai

રવિવારે વૅલેન્ટાઇન્સ ડે પર લખાયેલો આર્ટિકલ વાંચીને ઘણા લોકોના ફોન આવ્યા. કહે કે યોગ્ય સમયે આ બધું લખ્યું પણ પૂછવાનું મન થાય છે કે કોઈ એક દિવસ પૂરતો પ્રેમ બાંધી શકાય ખરો? પ્રેમ શબ્દ જ્યારે પણ આવે ત્યારે મનમાં સુરેશ દલાલની એક પંક્તિ આવી જાય...

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રવિવારે વૅલેન્ટાઇન્સ ડે પર લખાયેલો આર્ટિકલ વાંચીને ઘણા લોકોના ફોન આવ્યા. કહે કે યોગ્ય સમયે આ બધું લખ્યું પણ પૂછવાનું મન થાય છે કે કોઈ એક દિવસ પૂરતો પ્રેમ બાંધી શકાય ખરો? પ્રેમ શબ્દ જ્યારે પણ આવે ત્યારે મનમાં સુરેશ દલાલની એક પંક્તિ આવી જાય...

‘તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.’

આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે પ્રેમને વાતો પૂરતો મર્યાદિત કરી દીધો છે. પ્રયત્ન થવો જોઈએ કે વાતોમાં નહીં, પરંતુ વ્યવહારમાં પ્રેમનું આધિપત્ય વધે. પ્રેમ એટલે કોઈ બે પ્રેમીઓ વચ્ચે ઘટી રહેલી ઘટના નથી, પરંતુ તમારા જીવનના તમામ સંબંધોમાં એની વ્યાપકતા હોવી જોઈએ. આજે જ્યારે લોકો ‘આઇ લવ યુ’ કહીને પ્રેમનું પ્રદર્શન કરતા હોય છે અથવા સોશ્યલ મીડિયા પર હાથમાં હાથ પરોવીને ફોટો મૂકીને પ્રેમને એક્ઝિબિશનમાં રાખતા હોય એમ જાહેરાત કરતા હોય છે ત્યારે વિચાર આવે કે ભલામાણસ, આમ દુનિયાની દૃષ્ટિએ તમે જે પ્રકારના પ્રેમને ડિસ્પ્લેમાં મૂકી રહ્યા છો એ જ પ્રેમ છે કે પછી આજે પણ તમારા ઘરમાં તમારા પિતાને ચામાં સાકર ઓછી જોઈએ એનું ધ્યાન રાખતી તમારી મમ્મી અને પપ્પા વચ્ચે જે સંબંધ છે એ પ્રેમ છે. આજે પણ જ્યારે તમારા ઘરના વડીલો એકબીજાની આંખોમાં જોઈને એકબીજાની જરૂરિયાતો સમજી જાય છે એનું નામ પ્રેમ. આજે પણ પોતાના શિક્ષકને યાદ કરતાં તમારા પિતાની આંખમાં આદર આવી જાય છે એનું નામ પ્રેમ. આજે પણ ગુજરી ગયેલા પિતાના આપેલા ભોગને યાદ કરીને આંખોમાં આવી જતી ભીનાશ એ છે પ્રેમ.
સાચું કહું તો હવે પ્રેમને વ્યાપક બનાવવાની, પ્રેમના સાચા સ્વરૂપને સમજવાની અત્યંત આવશ્યકતા છે. આજે જ્યારે નાની-નાની બાબતોમાં આત્મવિશ્વાસ ગુમાવી બેસનારા અને તૂટ્યા પછી આપઘાતના રસ્તે પહોંચી જનારા યુવા વર્ગની સંખ્યા વધી રહી છે, આજે જ્યારે ઇમોશનલી નબળા પાડતા હોય એવા બનાવો સાંભળવા વધુ મળવા માંડ્યા છે ત્યારે પ્રેમની ગૂઢતાને, સ્ટ્રૉન્ગ ફાઉન્ડેશનને સમજવાની, સમજાવવાની અને જીવનમાં ઉતારવાની અત્યંત આવશ્યકતા છે. પ્રેમ એ કોઈ એક દિવસ નથી કે પ્રેમ એ કોઈ ટેમ્પરરી ફીલિંગ નથી, પરંતુ સતત સાતત્યતા સાથે રહેતો આદર, વાત્સલ્ય અને મનને હળવાશ આપતો ભાવ છે. આ વાસ્તવિકતાને સમજીને કોઈ એક દિવસ પૂરતો નહીં, પણ પ્રેમને જીવનનો નિયમિત હિસ્સો બનાવીએ.

એક વાત કહેવાની તમને, દરેક પરિવારમાં વડીલોએ આ જવાબદારી ઉપાડવાની છે. યુવાન હૈયામાં જ્યારે વિજાતીય આકર્ષણ વધતું જતું હોય ત્યારે વાત્સલ્ય ભાવની અનોખી યાત્રા તમારા થકી તમારાં બાળકો કરી શકે એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનો માહોલ અને એ પ્રકારનો ઉછેર તમારા ઘરમાં હોય એવા પ્રયત્નો ઘરના તમામ વડીલોએ કરવા જોઈએ. પ્રેમનું ઊંડાણ તમારા સંતાનોના વ્યક્તિત્વમાં અને ચરિત્રમાં આવે એવા પ્રયાસ કરવાની જવાબદારી તમારી પણ એટલી જ છે. તમે જો ધારો તો બ્રેકઅપને કારણે દેવદાસ ન બની જાય એટલી પરિપક્વતા તમારા બાળકમાં લાવી શકો છો. હવે જ્યારે વૅલેન્ટાઇન્સ ડે પૂરો થઈ ગયો છે ત્યારે આ વાત કાઢવાનો હેતુ એક જ હતો કે આપણે પ્રેમને મર્યાદાઓમા ન બાંધીએ અને એના સમષ્ટિના સ્વરૂપને ઓળખીએ અને સમજીએ. પ્રેમ બંધન નથી, પણ મોકળાશ છે, પ્રેમ ઊડવા માટેની અને ઊંડાણ વધારવા માટેની યાત્રા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK