હમણાં જ કરપ્શનની બાબતના વૈશ્વિક આંકડા આવ્યા. આ આંકડાઓમાં ભારતનો ક્રમ ઘટ્યો નથી અને ક્રમાંક ઘટ્યો નથી એ જ દેખાડે છે કે માત્ર વાતો કરવાથી કશું થવાનું નથી. જો તમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત ઇચ્છતા હો, આ સપનાને સાકાર કરવા માગતા હો તો એનો સીધો અને સરળ એક જ જવાબ છે. તમારે સુધરવું પડશે અને માત્ર તમારે જ નહીં, દરેકેદરેક વ્યક્તિએ સુધરવું પડશે. ભ્રષ્ટ બનવું એ માનવીય સ્વભાવની મર્યાદા કે પછી કહો કે માનવીય સ્વભાવની કુટેવ છે. આ કુટેવ કાઢવાનું કામ સૌથી પહેલાં તો ઘરમાંથી જ થવું જોઈએ અને પરિવારે જ એ બાબતમાં જાગ્રત થવું પડે. એક પણ ભ્રષ્ટાચારી નેતા કે અધિકારી એવો નથી કે તેના પરિવારને કે પછી તેના પેરન્ટ્સને તેના આ કુપાત્રના કાંડ વિશે ખબર ન હોય. અનીતિના રસ્તે ઘરમાં આવતો પૈસો ક્યારેય ચૂપ નથી રહેતો. ક્યાંક ને ક્યાંક એમાં પરિવારના સભ્યો સંકળાયેલા છે અને છે જ. ધારો કે તમે એ પૈસાને હાથ ન લગાડતા હો પણ એ સંઘરવામાં તો તમે ભૂલથી પણ મદદરૂપ થઈ જ રહ્યા છો. ધારો કે તમે ખૂબ પ્રામાણિક છો અને અનીતિથી આવેલા એ પૈસાની જાહોજલાલી ન ભોગવતા હો અને તો પણ તમે ઘરમાં આવેલા આ અનીતિના પૈસા વિશે ચુપકીદી કેળવીને પણ આ ખોટા કામમાં સાથ પુરાવી જ રહ્યા છો. અહીં વાલિયા અને તેના પરિવારનું દૃષ્ટાંત મને યાદ આવે છે.
વાલિયાના પરિવાર કરતાં પણ ભ્રષ્ટ પરિવાર આ ભ્રષ્ટાચારી અધિકારીઓનો છે. ધારો કે ભ્રષ્ટ અધિકારીને કોઈ સાધુ મળી પણ જાય અને એ જ પ્રશ્ન પૂછી લે જે પ્રશ્ન વાલિયાને પૂછવામાં આવ્યો હતો, તો વાલિયો સુધરી જાય, પણ તેનો પરિવાર એમાં પણ સાથ નહીં આપે. બંધ કરી દો, દીકરો કે પતિ કે પિતાને ઘરમાં આ ખોટો પૈસો લઈને આવતા. ના પાડી દો. આ તમારો હક છે, તમારી નીતિમત્તા આમાંથી ઝળકે છે. જો એક વખત ના પાડશો તો એ મહાપુરુષને પણ સમજાશે કે તે ખોટું કરી રહ્યો છે. પ્રશ્ન અહીંથી જ શરૂ થયો છે. બહાર એ મહાપુરુષની આંખ ખોલવાનું કામ કરવાની કોઈનામાં હિંમત નથી અને ઘરમાં-પરિવારમાં આવું કહીને સાચું બોલવાની કોઈને ઇચ્છા નથી. જો સાચું કહી દેવામાં આવે તો દીકરીના હાથમાં લૉન્ચ થનારો આઇફોન આવે નહીં, દીકરાને નવી બીએમડબ્લ્યુ કે આઉડી મળે નહીં અને વાઇફના ગળામાં રિયલ ડાયમન્ડનો હાર ટિંગાય નહીં. હાર ટિંગાડવા અને આઉડી ચલાવવા માટે જ પતિનાં ખોટાં કામમાં મૂક સંમતિ આપી દેવામાં આવે છે. હસબન્ડ ખોટું કરે છે, ભાઈ ખોટું કરે છે, દીકરો ખોટું કરે છે એ ખબર હોવા છતાં ચૂપ રહેવું એ પણ કર્મના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ધર્મના આચરણમાં એને પણ પાપ ગણવામાં આવ્યું છે. આ પાપ ક્યાંક ને ક્યાંક તમારી કુંડળીમાં પણ ગોઠવાઈ રહ્યું છે અને કુંડળીમાં ગોઠવાઈ ગયેલાં પાપનો હિસાબ તમારે જ આપવાનો હોય છે. ચિત્રગુપ્તને બે જ વાતની ખબર પડે છે. સાચું અને ખોટું. કોઈએ કરેલાં ખોટાં કર્મને ચિત્રગુપ્ત બૅલૅન્સ તરીકે ઊભું નહીં રાખે, એ તો તમારો હિસાબ તમારી સાથે જ સમજશે અને એની સજા તમને જ આપશે. એ સજા ન ભોગવવી હોય તો પહેલું અને અંતિમ એક કામ તમારે કરવાનું છે. ઘરમાં આવતો અનીતિનો પૈસો રોકો. પતિ સાથે ભાગીદારી સંતાનોમાં હોય, તેના પાપમાં નહીં.
ભાષાપુરાણ: ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે
27th February, 2021 09:40 ISTશાસન કરવું અને શાસક બનવું એ બન્ને વચ્ચેનો ફરક સૌકોઈએ સમજવો જોઈએ
26th February, 2021 10:52 ISTમોબાઇલને દિવસમાં એક જ વાર ચાર્જ કરવાનો નિયમ લેવામાં લાભ સંબંધોને છે
25th February, 2021 11:16 ISTજરૂરી છે લોકો સુધી સંદેશ પહોંચે, પણ વાજબી રીતે હોય એ આવશ્યક છે
24th February, 2021 12:04 IST